સર્જકના સથવારે: આગવી કેડી કંડારી રહેલા શાયર દિનેશ ડોંગરે

- રમેશ પુરોહિત
આપણે પરંપરાના શાયરોની વાત કરી, હજુ મોટા ગજાના પરંપરાના શાયરોની ચોખટ પર પહોંચવાનું બાકી છે. સ્વતંત્ર ભારતમાં જન્મેલા અનેક સક્ષમ શાયરોની વાત કરીએ ત્યારે જે થોડાંક અગ્રગણ્ય નામો છે તેમાં દિનેશ ડોંગરે ‘નાદાન’નું નામ બહુ મહત્ત્વનું છે. માતૃભાષા મરાઠી, રાજયની ભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીમાં શ્ર્વાસ ભરતા આ શાયરનું વ્યકિતત્વ બહુ આયામી છે. એ ગુજરાતીમાં વિચારે છે અને ગુજરાતી ગઝલ અવતારે છે. ઉર્દૂ-હિન્દીના અનેક મોટાગજાના શાયરોના કલામ તેઓ જીવી રહ્યા છે એટલે હિન્દીમાં પણ એક સંગ્રહ આપે છે.
આ શાયરનો જન્મ વડોદરામાં થયો હતો આખું નામ છે દિનેશ વાસુદેવ ડોંગરે ઉપનામ છે. ‘નાદાન’ એમની જન્મ તારીખ છે 21 ઑગસ્ટ, 1959, વડોદરા જન્મભૂમિ અને કર્મભૂમિ. વ્યવસાયે તેઓ એડવોકેટ છે. ગઝલમાં એમણે તર્કના કોયડાઓ તોડી નાખ્યા છે અને સરળ, સુગમ અને ભાવવાહી ગઝલોનો એક આખો ફાલ આપ્યો છે. એમના ગઝલ સંગ્રહોમાં ‘પ્રતીક્ષા’, ‘તડપ’, ‘થીજી ગયેલી ક્ષણ’, ‘અર્થ’, ‘થોડીવાર તો લાગેને’, ‘હજી હું ત્યાં જ ઊભો છું’ અને હિન્દી ગઝલ સંગ્રહ ‘સાગર ભી હૈ તુફાન ભી’, પોતાના સંગ્રહો તો સૌ કરે પણ બીજાનાં કાવ્યોને જનતા સુધી પહોંચાડવાનું કાર્ય મુશ્કેલ છે. દિનેશ ડોંગરે આ કામ સુપેરે કરે છે. બીજા કવિમિત્રો સાથે મળીને પાંચેક સંપાદનો કર્યાં છે. દિનેશભાઈના ત્રીજા સંગ્રહ ‘થીજી ગયેલી ક્ષણ’ની પ્રસ્તાવનામાં સુરતના કવિ રવીન્દ્ર પારેખ લખે છે કે ‘પરંપરા સાથેનું’ અનુસંધાન જાળવીને દિનેશ ડોંગરે ‘નાદાન’ આગવી કેડી કંડારવા મથે છે તે કેટલાક નોખા પડતા શે’રો પરથી જણાય છે.’ આજની ગઝલને એસેમ્બલ કરનારા શાયરાઓની ખબર લઈ નાંખતા પારેખ સાહેબ કહે છે કે ‘ગઝલ આર્ટ નથી, પ્રોડ્ક્ટ છે અને એનું માર્કેટિંગ કરનારા શાયરો, બાયરો અને લાયરો, કાયરોની કમી નથી. એવામાં આવી પંક્તિઓ સંભળાય છે ત્યારે કાનના અને આંખના નંબરો ઘટવાની આશા બંધાય છે. ‘નાદાન’ના થોડા નોખા પડતા આ શે’ર જુઓ:’
એની મેળે થૈ ગયું સાકાર એ
મારું સપનુંએ સ્વયં પગભર હતું
અજીબો ગરીબ એમ અફવાઓ ઊડતી
હથેળીથી જાણે ઊડે છે તમાકુ
ખાઈને થાપ તોય રહેવું પડે છે ચૂપ,
માણસથી ઢોલ જેમ ક્યાં વાગી શકાય છે?
લાગણી કંઈ એ રીતે ઊભરાય છે વરસાદમાં,
જેમ કોઈ નગ્ન બાળક નહાય છે વરસાદમાં
‘હજી હું ત્યાં જ ઊભો છું’ ગઝલ સંગ્રહની પ્રસ્તાવનામાં આપણા બહુશ્રુત સાક્ષર પ્રવીણ દરજી કહે છે: ‘નાદાન’નો સ્થાયી ભાવ ‘ઉદાસી’નો રહ્યો છે.
‘નાદાન’ સમથળ ભૂમિ પર ડગ માંડનાર કવિ છે, તેઓ પ્રેમ, વિરહ સાથે સામાજિક નિસ્બત સાથે વ્યક્તિ અને વિશ્ર્વને તાકે છે. એમની ભાષા વ્યવહારની છે.’
‘પ્રતીક્ષા’ ગઝલ સંગ્રહની પ્રસ્તાવનામાં સાહિત્યકાર હરીશ વટાવવાળા નોંધે છે: સાંપ્રત ગઝલોમાં માત્ર છંદ-પ્રયોગ, શબ્દ ચમત્કૃતિ કે વિષય નાવીન્યથી ભાવકને આંજી નાખવાની વૃત્તિ જોવા મળે છે. ‘નાદાન’ની ગઝલોમાં વિષય નાવીન્ય, કલ્પન-પ્રતીકનાવીન્ય સાથે સાથે સર્જનનાવીન્ય જરૂર છે, પણ પ્રયોગ નથી… આ કવિ પંરપરામાં રહીને પણ અનુભૂતિક્ષમ નવ્યસર્જન કરી શક્યો છે… કવિને તો ગઝલ અને તેના તગઝઝુલમાં રસ છે અને એ જ તો સર્જકની સર્જન ચેતના છે.
સાકારોએ અને વિદ્વાન કવિમિત્રોએ આ કવિના વિવિધ લક્ષી સર્જનની સરાહના કરી છે. આપણા અગ્રગણ્ય શાયર રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કહે છે કે.
ગઝલકાર દિનેશ ડોંગરેના ‘અર્થ’ નામનો ચોથો ગઝલસંગ્રહ છે. અર્થ ઘણી દૃષ્ટિએ અર્થસૂચક છે ગઝલને પામવાની દિશામાં તેઓ નિષ્ઠાભર્યા પ્રવાસી છે.’
અગ્રગણ્ય શાયર એસ.એસ. રાહીએ કહ્યું છે કે ‘ગઝલના સ્વરૂપ સાથે નાદાનને કેવો અતૂટ નાતો બંધાઈ ગયો છે તેની રમ્ય પ્રતીતિ કરાવતા મતલાના શે’રનું આચમન કરીએ:’
એક પંખી ડાળ છોડી જાય છે
ઝાડ આખું તે પછી સોરાય છે
હો ખરાની શોધ ને ખોટો જડે
હું તને શોધું અને ફોટો જડે
ફૂલની સાથે બગાવત રાખે છે
ખુશ્બૂ પણ કેવી અદાવત રાખે છે
ગુજરાતી-ઉર્દૂના આગેવાન શાયર રશીદ મીર કહે છે કે ‘આપણી નવી પેઢીના ગઝલકારોમાં વડોદરાના દિનેશ ડોંગરે ‘નાદાન’ પોતાની આગવી સૂઝ સાથે ગઝલો લખે છે.’ કવિના થોડાક શેરનો મીરસાહેબે આસ્વાદ કરાવ્યો છે. એમને ગમેલા શે’ર આ પ્રમાણે છે:
જિંદગીનો મર્મ બીજો હોય શું?
કોઈ માટે ટળવળે તો ધન્ય છે.
બંધ પરબીડિયા સમું છે જીવતર,
ક્યાં ઉકેલી શકયા છીએ આપણે?
આ અચાનક શ્ર્વાસનું અટકી જવું
જિંદગીનું માત્ર ભાષાંતર હતું
હા, ક્ષણેક્ષણ જીવન સટોસટની રમત,
શ્ર્વાસ લેવાનું કંઈ સહેલું નથી
લાંબી સફરનો થાક છે ઉતારવો ઘટે
જેને કહે છે મોત તું એ તો પડાવ છે.
એ મૂડી છે આવનારા જન્મની
ખૂબ મોંઘેરું મરણ છે સાચવો
જીવવાનો ધ્યેય છે આખર સુધી
હા, ઉછીના શ્ર્વાસ ઉપર જીવશું
તમારી ગઝલસર્જનની ક્ષણો કેવી હોય છે તેવા પ્રશ્ર્નના ઉત્તરમાં તેઓ લખે છે: ‘મારી ગઝલસર્જનની પ્રક્રિયા મારા જીવાતા જીવન સાથે સંકળાયેલી છે. ગઝલ લેખન માટે કોઈ વિશિષ્ટ સમય, સ્થળ કે વાતાવરણ મને જરૂરી નથી લાગતું. મને ગઝલ સ્ફૂરે ત્યારે લખું છું. મારી ગઝલ એજ મારું જીવન છે. હું કદાચ મારી ગઝલથી પૃથક નથી હોતો. મારા નિજી અનુભવો, આવેગો અને આજુબાજુ ઘટતી ઘટનાઓ મારા ગઝલસર્જનનું મૂળ સ્ત્રોત છે તેમ જ પ્રેરકબળ છે. શાયરના કેટલાક અર્થસભર, રસસભર અને ભાવવાહી શે’રનું અવગાહન કરીએ:
આયના તૂટી ગયા ને બિંબ તરડાઈ ગયાં
એકમાં છે કેટલા ચહેરાઓ,
પરખાઈ ગયા
હોઠ ના ખૂલે છતાંયે આંખ ને ચહેરા ઉપર,
વેદના વંચાય ને, ત્યારે ગઝલ સર્જાય છે
આજ એનું આગમન નક્કી થવાનું,
જાણીતો સંભળાય પગરવ ઊંબરા પર
બધી લાગણીઓ બજારે મૂકી પણ
થશે કોણ લેવાલ સમજી શક્યા ના
ડાળે ડાળે એક શિકારી બેઠો છે
ફૂલોને પણ ખરવા જેવું લાગે છે
હું લખું છું રોજ મારા ભાગ્યને
રોજ આવી કોઈ ભૂંસી જાય છે
એની પાસેથી વધુ શું માગવું ?
શ્ર્વાસ પણ દે છે સજાના રૂપમાં.
શક્ય છે કે એ જ એનો હો ઈલાજ
મેં વ્યથા તેથી વધારી જોઈ છે
એકમાર્ગી થઈ ગયા મનના વિચારો
કોઈ બેઠું છે હૃદયને આંતરીને
મોત પણ ‘નાદાન’ ઘૂંટણિયે પડે
જિંદગી માથા ફરેલી જોઈએ.
એ ય સહભાગી હતા મારા પતનમાં
હાથ જેઓના ઊઠ્યા આજે દુવામાં
રોશની બસ રોશની ચારે તરફ છે બહાર પણ
માહ્યલોએ ઝળહળે ત્યારે દિવાળી થાય છે
આપણ વાંચો: હેં… ખરેખર?!: કૈલાશ પર્વતની ભૌગોલિક રચના ને રહસ્યમયતા છે અદ્ભુત



