ઉત્સવ

આવા મહામાનવ હયાત હતા એવું માનવા આપણે તૈયાર છીએ?

કેનવાસ -અભિમન્યુ મોદી

મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી આપણે હમણાં કરી. મહાવીર જયંતી શબ્દ ખોટો છે. મહાવીર સ્વામી નામની કોઈ વ્યક્તિ ભારતવર્ષમાં કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન થઈ ગઈ તેને ઇતિહાસકારો પુષ્ટિ આપે છે. ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં એ થઈ ગયા. ગૌતમ બુદ્ધ એમના સમકાલીન. બંને મળ્યા હતા કે નહીં અથવા તો એ બંનેના રસ્તા એકબીજા સાથે ક્રોસ થયા હતા કે નહીં તે વિશે મતમતાંતર ચાલે છે, પણ બંનેનો પ્રદેશ ઉતર – પૂર્વીય ભારત હતો માટે બંનેને એકબીજાનો ભેટો ન થયો હોય એવું માનવાને કારણ નથી. બંને મળ્યા હશે તો શું વાત કરી હશે અને વાત કરી હશે કે નહીં તે પણ કલ્પનાનો વિષય છે.

ટૂંકમાં મહાવીર સ્વામી સાચે થઈ ગયા છે એ હકીકત છે અને તેવું ઇતિહાસ પણ કહે છે. વેદમાં તો પ્રથમ તીર્થંકર આદિનાથ અને ઋષભદેવનો ઉલ્લેખ છે તથા નેમિનાથ અને કૃષ્ણ બંને પિતરાઈ ભાઈ થાય આ બધું પ્રચલિત હોવા છતાં વિષય અત્યારે મહાવીર સ્વામીને લગતો છે.

ભારતમાં બે મહાત્મા મહાવીર કહેવાયા. એક હનુમાન ને બીજા વર્ધમાન. ભગવાન હનુમાન માટે એક વિશેષણ જ મહાવીર વપરાય છે, જે હનુમાન ચાલીસામાં છે. વર્ધમાન કુમાર તો ઓળખાય છે મહાવીર સ્વામીના નામથી. કેમ? કારણ કે ચોવીસે તીર્થંકરમાં સૌથી વધુ કર્મો વર્ધમાને કાપવાના હતા. માટે જંગલમાં સાડા બાર વર્ષ સુધી ખૂબ આકરું તપ કરવાનું આવ્યું. એ દરમિયાન ખૂબ બધા કષ્ટ-પીડા-તકલીફો આવી. એટલું બધું દર્દ સહન કરવાનું આવ્યું કે સામાન્ય માણસ તો શું કોઈ દેવ પણ આટલી તકલીફ વેઠી ન શકે. કાનમાં ખિલ્લા ઠોકાયા સિવાય પણ ઘણી બધી વેદના મહાવીર સ્વામીએ સહન કરવાની આવી.

અહીં વાત સહનશક્તિની હરીફાઈની નથી. વાત એ છે કે આટલી પીડાઓ સતત ચાલુ હતી એ દરમિયાન પણ મહાવીર સ્વામીના મનના ભાવ બદલાયા નથી, એમણે નેગેટિવ વિચાર્યું નથી કે એમને નિરાશા થઈ નથી. મોઢું ચડી જવું કે મોઢું ઉતરી જવું કે ગુસ્સે થઈ જવું કે બદલાની ભાવના રાખવી – આ સામાન્ય માણસનાં લક્ષણ છે. મહાત્માનું મન આટલું નબળું ન હોય. મહાભારતના બીજા પાત્રો ગુસ્સે થઈ જતાં, પણ કૃષ્ણ પોતાનો મિજાજ ગુમાવતા? મહાત્મા એ છે જેણે પોતાના મનને પોતાના કાબૂમાં રાખ્યું હોય. તુચ્છ ભાવનાઓથી જે પર થઈ ગયા હોય અને સમગ્ર સમષ્ટિ સાથે જેણે અનુકૂલન સાધ્યું હોય તે મહાત્મા કહેવાય. આવા મહામાનવ રામ હતા, બુદ્ધ હતા, કૃષ્ણ હતા, મહાવીર હતા. આપણે એવા થવાની કે એ માર્ગ ઉપર ચારેક ડગલાં માંડવાની માત્ર કોશિશ કરી શકીએ.

સ્થિતપ્રજ્ઞતા અને અન્યમનસ્ક હોવાનો ગુણ મહાવીર સ્વામીમાં અનન્ય સ્તર પર હતો. મહાવીર સ્વામીમાં માત્ર વૈરાગ ભાવ ન હતો. સ્મશાન વૈરાગ્ય તો આપણને પણ ઘણી વખત આવતો હોય છે. આપણે પણ એવા ઘણા લોકોને જાણતા હોઈશું જેનો સંસારમાંથી જીવ ઊઠી ગયો હોય કે બધું ત્યજીને બેઠા હોય. એ સંન્યાસ છે, વૈરાગ છે.

મહાવીર સ્વામી વિતરાગી હતા. જે વૈરાગ પછીની અવસ્થા છે. વર્ધમાન કુમારે દીક્ષા લીધી પછી સર્વ વસ્ત્રોનો ત્યાગ કરી નાખ્યો હતો. એમના દીક્ષા સમારોહમાં સાક્ષાત ઇન્દ્ર આવ્યા હતા, જેમણે એક બહુ કિંમતી કપડું ભેટ ધર્યું. જો મહાવીર સ્વામી માત્ર વૈરાગી હોત કે એમના વૈરાગમાં અનન્ય ઊંચાઈ ન આવી હોત તો એમણે એ કપડું સ્વીકારવાની ના પાડી હોત. પણ મહાવીર સ્વામી સૂક્ષ્માતિસૂક્ષ્મ અહિંસામાં માનતા હતા. એ જાણતા હતા કે આ કપડું ન સ્વીકારીને એ ઈન્દ્રને દુ:ખી કરશે માટે એમણે એ ભેટ સ્વીકારી અને પોતાના તન ઉપર રાખી. આ વિતરાગ ભાવના છે જેમાં ત્યાગની જીદ્દ નથી કે સંન્યાસનો અહંકાર નથી. તેમાં પાણી જેવી ફ્લેક્સિબિલિટી છે -સહજતા છે અને વિરાટ સમજણના ઊંડા પાયા છે.

મહાવીર સ્વામી દીક્ષા લઈને આગળ વધ્યા પછી એમણે આવજો કહી રહેલા એમના ઘરના સભ્યો તરફ પાછળ ફરીને જોયું પણ નહીં. આગળ જતાં એક સામાન્ય માણસ એમની પાછળ પડેલો, જેણે કંઇક ભિક્ષા માંગી તો મહાવીર સ્વામીએ અડધું કપડું પેલાને આપી દીધેલું. એ કપડું ચમત્કારિક જણાતા તે બાકીનું કપડું પણ લેવા મહાવીર સ્વામીની પાછળ પાછળ ગયો. ઝાડીઝાંખરામાં બાકીનો અડધો ભાગ ભરાઈ જતા મહાવીર સ્વામીએ તે કપડું ત્યાં જ છોડી દીધું. એ કપડું ગુમાવ્યાનો ના તો કોઈ હરખ હતો કે ના કોઈ અફસોસ. વિતરાગી અવસ્થાનું એ હતું ચરમબિંદુ. સમષ્ટિનું કલ્યાણ અને આત્માના ઉર્ધ્વગમન પર એટલું બધું ધ્યાન કેન્દ્રિત કે બીજી કોઈ પણ વાત એમને ચલિત કરી શકે નહિ.

આ થયું ફોકસ – ગોલ સેટિંગ – કિલર ઇન્સ્ટિન્કટ. આવા બધા ગુણ આજના યુવાનોમાં રોપવા માટે શિક્ષકો અને મોટીવેશનલ સ્પિકરો બાપડા બહુ મથે છે.

રોજ ફાસ્ટ ફૂડ ખાતો, રાતે ઉજાગરા કરતો, ગેમ રમતો અને રિલ્સ જોતો અને અનેકવિધ વ્યસન વગેરે ધરાવતો અજાણ્યો માણસ મળે તો પણ એવી વ્યક્તિ સાથે હાથ મિલાવવાનું પણ ગમતું નથીને ? અને કોઈ એવી વ્યક્તિ સાથે પણ મુલાકાત થઈ હશે કે જેની હાજરી માત્રથી આખું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય. આવી સાત્વિક વ્યક્તિ જૂજ હોય, જે એનર્જી -ઊર્જા આપીને જાય. આ જ ગ્રાફને ખૂબ આગળ વધારીને અનેરી ઊંચાઈ લઇ જઇએ તો આપણને મહાવીર સ્વામી મળે.!

એ મહામાનવની ઓરા- તેજપૂંજ જ એવું ગજબનાક હતું કે એ જ્યાંથી પસાર થાય ત્યાં કિલોમીટરો સુધી શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ જાય. મનુષ્ય જ નહિ જીવમાત્રના મનને શાંતિ મળે. આભામંડળના ચેતોવિસ્તારની ત્રિજ્યા જ કિલોમીટરોમાં માપવી પડે એટલી વિશાળ… આ પરથી વિચારવું રહ્યું કે પોતાના તપ, સંયમ અને સદ્ભાવના કેટલી પ્રબળ હશે કે એમની હાજરી દૂર દૂર સુધી સૃષ્ટિ માટે સુખરૂપ થઈ રહેતી. પોતાના મનના જ શત્રુઓને હણવા – કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અહંકાર, ઈર્ષ્યા ઉપર વિજય મેળવવો સૌથી કઠિન કામ છે. આ માટે જ એ વીરોના વીર મહાવીર છે.

કોઈ આપણાં કાનમાં ખીલ્લા મારી જાય અને તો ય આપણને એ વ્યક્તિ માટે લેશમાત્ર દ્વેષ ન થાય એવું શક્ય છે ખરું? પોતાના સૌથી પ્રિય શિષ્યને (ગણધર ગૌતમ સ્વામી) પોતાના અંત સમયે જ દૂર મોકલી દેવા એવી સમ્યક દૃષ્ટિ શક્ય છે? માટે જ આપણી કલ્પના શક્તિનો પનો ટૂંકો પડે છે કે શું ખરેખર વાસ્તવમાં આવા મોટા વીર – મહાવીર આ જ ધરતી ઉપર ચાલતા-વિહરતા હતા?!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing