ઉત્સવ

આજે આટલું જ: બિહાર -2025 (3)

  • શોભિત દેસાઈ

સૌ પ્રથમ તો આજે એક જન્મજયંતીની વાત જેને તમે ‘ભયંકર’ અતિશયોક્તિ અલંકારમાં ‘અવતરણ દિન’ તરીકે વર્ણવી શકો અને સાવ સીધો એ દિવસને અતિ સામાન્ય વર્ષગાંઠ તરીકે પણ જાણી શકો. ઉખાણું છે કે એ જ દિવસે બિહાર ઇલેકશનનું અંતિમ ચરણ છે અને એ જ દિવસ માટે આ શેર લખાયો છે.

કબૂતર માથા ઉપરનું હવે તો મુક તું હેઠું
જરા વિચાર તો કર! કે તને સિત્તેરમું બેઠું!!!

તો વાતચીતનો દોર આગળ વધારીએ તે મારી જાણ મુજબ બિહારમાં પહેલીવાર 64.66 ટકા વોટિંગ થયું. શું બિહાર પણ નઘરોળ ગુંડારાજ કે સામંતશાહી કે મગરની ચામડીવાળા રાજકારણીઓના હાથથી જઇ રહ્યું છે? આવા ખુશખબર મારું નાજુક હૃદય જીરવી નહીં શકે!!! ખોટો ઠરું તો ય 14મી સુધી તો આ અતિપ્રસન્નતા રહેવાની જ છે.

‘દિલ કો ખુશ રખને કે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ’

‘હાફીડીપીટ’ અને 7મી ફેલથી ડાયરેક્ટ પી.એચ.ડી અને સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાન પચાવી પાડવા અને સ્વયમ્ જેલમાં અને કમઅક્કલ અધાર્ંગિની મુખ્ય મંત્રીના ખેલમાં અને સામંતોની લખલૂંટ લૂંટ ઇત્યાદિથી 14મી સુધી તો મુક્તિ છે જ. બુદ્ધ, મહાવીરની વિશેષ કૃપા હશે તો એ પછી પણ…

મને બરાબર યાદ છે 2021 માર્ચના એ દિવસો. પ્રશાંત કિશોરે એક હૃદયદ્રાવક શબ્દ શોધ્યો છે ‘પલાયન’… અને પલાયન કયાંથી? પોતાના ઘર-માતા-પિતા-સગા-વહાલા-લોકોથી બળજબરી જબરજસ્તીથી By Cumpulsionપલાયન થવું પડે એવું પલાયન. લગભગ તો ભારતભરમાંના દરેક રાજ્યના બધા જ ઘરમાં 24 કલાક કામ કરતાં કે ચાર પાંચ ઘરોમાં છૂટક કામ કરી પાંચ-છ બિહારીઓ ભેગા રુમ રાખીને આ રાજયના ઉપલબ્ધ ઘરનોકરથી અડધા પોણા પગારમાં ‘સેવાઓ’ આપે એ બધાને માલિકોએ કોવિડ ફેલાય નહીં એ માટે પોતપોતાના ઘરોમાંથી તગેડી મૂકયા હતા.

જેમના ચાલીને બિહાર તરફ પ્રયાણ કરવાથી હાઇ-વે ખદબદતા હતા. પ્રતિપલાયન બિહાર તરફ. રામ મનોહર લોહિયાનું એક વાક્ય યાદ આવે છે. ‘ઝીંદા કૌમે પાંચ સાલ તક ઇન્તઝાર નહીં કર સકતી’ સ્ત્રીઓ બાળકોને માથા પર બેસાડી બેસાડીને પુરુષો સાથે હજાર હજાર કિલો મીટરની પદયાત્રા કરીને બિહાર, જેવા તેવા પણ ઘરે પહોંચી, એ બધાયને આ ‘પલાયન’ જયારે જયાં જેના દ્વારા બોલાતું હશે ત્યારે બળતરા નહીં થતી હોય? 63.66 ટકા એમને એમ જ ન આવે સીધા 47-49 કે વધુમાં વધુ 50-51માંથી.

ચાલો ફરી સવાર વિશે રાહ જોઇએ.
કાલે ગયો તો એમ ફરી જાય છે દિવસ

કૈલાશ પંડિત
અને આપણે પ્રજા છીએ. મહેરબાની કરીને આપણી શક્તિઓ ઓછી નહીં આંકતા. છેતરાઇએ છીએ સતત આપણે એક સડી ગયેલી, ભ્રષ્ટ સિસ્ટમથી અને સિસ્ટમને નામે. પણ જો કોઇએ છંછેડયા તો આખું આકાશ ઊઠાવી જાણીએ છીએ. 70માંથી 67 અને 70માંથી 62 દ્વારા ભલભલાના મગજના પારાને પાણીમાં પરિવર્તિત કરી ય નાંખીએ છીએ અને જેને પૂજયો’તો એને જ એવી ઊંડી ગર્તામાં ધકેલીયે છીએ કે બીજી વાર ઈવયયતિ કરવાનું નામ ન લે, અરે નામ તો જવા દો, જીવતો હોવા છતાંય પૃથ્વીના પટ પરથી જ અલોપ થઇ જાય….

મારો શોભિત દેસાઇનો એક બહુ જ સુંદર શેર પહેલાં તો તમારી સમક્ષ મૂકું.

બધા સામ્રાજ્ય તૂટ્યા અલ્પતાથી
તિમર ડરતું રહે છે આગિયાથી

જગતમાં ગાંડપણના નવા વિક્રમો નોંધાવનાર તદન બેવકૂફના બીલીયોનર્સ મિત્રો (અબજપતિ-ખર્વ નિખર્વ પરાર્ધ શંકુ પતી) અને 22 મિલિયન ડૉલર્સ (બે હજાર કરોડ રૂપિયા)ના ખર્ચા પછી પણ ન્યુ યોર્કના મેયર તરીકે શરૂઆતમાં સાવ વાઇલ્ડ કાર્ડ ગણાતા મુંબઇના ‘છોકરા’ ઝોહરાન મમદાની ભારે ફરકથી ચૂંટાઇ આવ્યા છે. અમેરિકાના મેયર સંપૂર્ણ સતાવાદી અને આપણા મુખ્ય પ્રધાનની સમકક્ષ હોય છે. તમારી જાણ ખાતર
રાત જીતની ભી સંગીન હોગી, સુબહ ઉતની રંગીન હોગી. રાત ભર કા હૈ મહેમાં અંધેરા… કીસકે રોકે રુકા હૈ સવેરા?!

એક સાવ નવી ગઝલનાં બીજા એક અતિ બારીક શેરથી આજે તમને વિદાય આપું….

અવાજ મોટો જરીકે પસંદ કયાં એને?!
ભરોસો રાખવો પૂરો ને સાનમાં રહેવું.

આજે આટલું જ….

આ પણ વાંચો…આજે આટલું જ: બિહાર -2025 (1)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button