ઉત્સવ

હીરોઈનના રોલ કર્યા એ જ નાટકમાં સાઈડ રોલ કરવાનો વારો આવ્યો

મહેશ્ર્વરી

મુંબઈમાં દેશી નાટક સમાજના પહેલા જ નાટકમાં સારા અભિનયથી શુભ શરૂઆત તો થઈ ગઈ, પણ આ તો હજી મેં પા પા પગલી માંડી હતી. બાળકને કે.જી.માં ભણવા મૂક્યું હોય અને પહેલા સપ્તાહે જ જો એ કવિતા કડકડાટ બોલતો થઈ જાય તો આનંદ થાય એનો વાંધો નહીં, પણ ‘આ બાળક નામ કાઢશે’ એવું માની લેવાની ઉતાવળ નહીં કરવાની. સ્વભાવ હંમેશાં સૂર્ય જેવો રાખવો. ઉગતી વખતે જરાય અભિમાન નહીં કરવાનું અને ડૂબવાનો ડર નહીં રાખવાનો. છેક છેલ્લી ઘડીએ પડકાર ઝીલી એમાં સફળતાનું સર્ટિફિકેટ મળ્યું એટલે કંપનીએ મારા માટે ‘સંતાનોના વાંકે’ નામનું જૂનું નાટક તૈયાર કર્યું. આ નાટક મેં અગાઉ કર્યું હતું, પણ દેશી નાટક સમાજ માટે કર્યું એમાં એક મોટો ફરક હતો. શાલિની બહેન હિરોઈન હતાં, નીલમ બહેનની પણ એક ભૂમિકા હતી અને મારો સરોજિની નામની એક છોકરીનો રોલ હતો. અહીં ખાસ વાત એ હતી કે મારો પ્રવેશ થયો એ સમયે જે પુરુષ નટ હતા એ લગભગ ૬૦ – ૬૫ વર્ષના હતા. હિરોઈનો પણ ચાલીસી વટાવી ગયેલી હતી.

સરખામણીમાં હું યુવાન હતી. નવી સફર શરૂ કરવાનો રોમાંચ તો હતો જ અને નવી વ્યવસ્થામાં આટલી જલદી સરસ રીતે ગોઠવાઈ જઈશ એની કલ્પના નહોતી. જોકે, કલ્પના સુંદર હોય છે, પણ જીવી શકાતી નથી અને વાસ્તવિકતા વરવી હોય છે જે મિટાવી શકાતી નથી. દરેક પડકાર ગભરાયા વિના ઝીલી લેવો અને દરેક પાત્ર નિષ્ઠાથી ભજવવું એ જીવનમંત્ર તો ક્યારનો ગોખાઈ ગયો હતો. શનિ – રવિમાં ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ નાટક તો ફિટ થઈ ગયું હતું. બુધવારે – ગુરુવારે જે નાટક ભજવાતાં હતાં એમાં અલગ અલગ પાત્ર ભજવવાની તક મળતી હતી. એમાં મહત્ત્વની વાત એ હતી કે મોટાભાગના નાટક અગાઉ કર્યા હતા એટલે એના વિશે જાણકારી તો પૂરેપૂરી હતી. જોકે, એક મોટો ફરક એ હતો કે અગાઉ નાટકોમાં હું હિરોઈનના રોલ કરતી હતી અને દેશી નાટક સમાજમાં એ જ નાટકોમાં સાઈડના રોલ મળતા હતા. એટલે એના રિહર્સલ કરવા તો આવવું જ પડતું હતું. મેઈન રોલ હોય કે સાઈડનો રોલ, પૂર્ણ નિષ્ઠા અને એકાગ્રતા સાથે ભજવવો એ કલાકારનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ એ સમજણ સાથે મારો ઉછેર થયો હતો અને એને બરાબર અનુસરવાની મારી કોશિશ રહેતી હતી. ‘સજ્જન કોણ?’, ‘સંતાનોના વાંકે’, ‘વડીલોના વાંકે’, ‘સંપત્તિ માટે’ વગેરે નાટકો શ્રી દેશી નાટક સમાજમાં ભજવાતા હતા. જરૂરિયાત અનુસાર મને રોલ મળતા ,હું એ રોલ કરતી અને એ દરમિયાન મને ઘણું શીખવા મળ્યું. ગામડાની નાટક કંપની અને શ્રી દેશી નાટક સમાજ વચ્ચે રહેલો મહત્ત્વનો ફરક હું સમજતી થઈ. નવું ઘણું શીખતી ગઈ.

શ્રી દેશી નાટક સમાજનાં નાટકોની એક ખાસ વાત મારે કહેવી છે જે આધુનિક રંગભૂમિના દર્શકો નહીં જાણતા હોય. નવી રંગભૂમિમાં સેટ બદલવો હોય ત્યારે બ્લેકઆઉટ – અંધારું કરી દેવામાં આવે છે અને વ્યવસ્થા અનુસાર સેટ બદલાઈ જાય છે. પાત્રો ઘરના દીવાનખાનામાંથી કોર્ટમાં કે હોસ્પિટલમાં પહોંચી જાય. ટેક્નોલોજીની મદદને કારણે હવે આ બધું બહુ આસાન થઈ ગયું છે. જોકે,

આજથી ૫૫ વર્ષ પહેલા શ્રી દેશી નાટક સમાજ પાસે આવી કોઈ વ્યવસ્થા નહોતી. એટલે સગવડ સાચવવા નાટકની ભજવણીમાં ટ્રેજેડી અને કોમેડી એવા બે વિભાગ પાડવામાં આવતા. નાટકની મૂળ કથામાં ત્રણ ચાર સીન (ટ્રેજિક હોય કે પછી સામાજિક તાણાવાણાવાળાં દ્રશ્યો હોય) ભજવાયા પછી સેટ બદલવાનો હોય ત્યારે કર્ટન – પડદો પાડી દેવામાં આવે. પછી શરૂ થાય ‘કર્ટન કોમેડી’ જેનો એકમાત્ર હેતુ દર્શકોનું મનોરંજન કરવાનો જ રહેતો. નાટકની મૂળ કથા સાથે કોમેડીને નાહવા નિચોવાનો સંબંધ ન હોય. એનો ટ્રેક સાવ અલગ જ હોય. કર્ટન પડે એટલે લોકો રાજી રાજી થઈ જાય અને એમાંય ખાસ તો બાલ્કનીમાં બેઠેલા પ્રેક્ષકો સીટી મારે, ચિચિયારીઓ પાડે. એ સમયે કોમિક રોલમાં સુશીલા નામની અભિનેત્રીની બોલબાલા હતી. એની એન્ટ્રી થાય એટલે દર્શકો ગાંડા ઘેલા થઈ જાય. બાલ્કનીની ટિકિટના દર પણ સૌથી ઓછા રાખવામાં આવતા જેથી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા લોકો પણ નાટકનો આનંદ લઈ શકે. એને પણ મનોરંજન મળે. નાટકની સફળતામાં આ પ્રેક્ષકોનો મોટો ફાળો રહેતો. સતત સંઘર્ષ કરી જીવતા સામાન્ય સ્થિતિના માણસને કોમેડી ટ્રેક માનસિક રાહત આપતો. એના જીવનની વિષમતાઓ, એની સમસ્યાઓ થોડા સમય માટે ભુલાવી દેતો અને એ જ એની લોકપ્રિયતાનું મુખ્ય કારણ હતું. આ બધું મેં સાવ નજીકથી જોયું. આ રીતે મુંબઈમાં મારી નોકરી શરૂ થઈ ગઈ. ત્યારે મારો પગાર હતો ફક્ત ૫૦૦ રૂપિયા હતો. ૫૦૦ રૂપિયા ઓછા છે એવું હું શરૂઆતમાં વિચારતી જ નહોતી. એનું કારણ એટલું જ હતું કે આંખમાં સપનાં આંજીને હું દેશી નાટક સમાજમાં આવી હતી. અભિનેત્રી તરીકે નામના તો મેળવવી જ હતી, પણ સાથે બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવું હતું અને માસ્તરની દસ બાય દસની ઓરડી છોડી વધુ ઓરડાવાળું મોટું ઘર બનાવવું હતું. હું એ વાતથી વાકેફ હતી કે અભિનયના અજવાળા પાથરીશ તો જીવનમાં રહેલા અન્ય અંધકાર આપમેળે દૂર થઈ જશે. જીવન એક વળાંક પર આવીને ઊભું હતું અને મારે યોગ્ય દિશા પારખી ધ્યાનપૂર્વક જીવનની ગાડી આગળ વધારવાની હતી.

ગંગા ડોશી: અમૃત જાનીનો યાદગાર રોલ
જૂની રંગભૂમિની પુરુષો દ્વારા ભજવાતાં સ્ત્રી પાત્રોની વાત નીકળે ત્યારે સૌથી પહેલું અને અનેકવાર આવતું નામ એટલે જયશંકર ‘સુંદરી’. શ્રી મૂળશંકર મુલાણી લિખિત ‘સૌભાગ્યસુંદરી’ નાટકમાં બાપુલાલ નાયક નામના અભિનેતાએ સૌભાગ્યની ભૂમિકા ભજવી હતી અને સુંદરીનો રોલ જયશંકર ભોજક નામના નટે કર્યો અને આખું મુંબઈ ‘સુંદરી’ પર આફરીન થયું અને જયશંકર ભોજક જયશંકર ‘સુંદરી’ બની ગયા એ ઈતિહાસ જગજાહેર છે. જોકે, તેમના ઉપરાંત પણ કેટલાક નટે સ્ત્રી પાત્રો ભજવ્યાં હતાં, પણ જયશંકર ભાઈ જેટલી ખ્યાતિ તેમને નથી મળી. ગયા સપ્તાહની ‘સ્પોટ લાઈટ’ કોલમમાં છપાયેલી તસવીરમાં મારી સાથે શ્રી અમૃત જાની નજરે પડે છે. આ અમૃત ભાઈ (૧૯૧૪ – ૧૯૯૯) મૂળ તો અમદાવાદના અને ખૂબ કસાયેલા કલાકાર હતા. તેમણે પણ સ્ત્રી પાત્રો ભજવી લોકપ્રિયતા મેળવી હતી. તેમની એક ઓળખાણ ગુજરાતી નાટકોના ઓછા જાણીતા ‘સુંદરી’ તરીકે પણ હતી. અમૃત ભાઈએ એક નાટકમાં ગંગા ડોશીની યાદગાર ભૂમિકા ભજવી હતી. કિશોરાવસ્થામાં ‘ભારતગૌરવ’ નામના નાટકમાં છાયા દેવીની ભૂમિકાથી તેમની અભિનય યાત્રાનો પ્રારંભ થયો હતો. તેમને નામના મળી પરમાણંદ ત્રાપજકરના ‘રણગર્જના’ કે ‘રણહાક’ નામના નાટકથી. એમાં અમૃત ભાઈએ કમળાનો રોલ કરી સ્ત્રી પાઠના કાબેલ નટ તરીકે નામના મેળવી હતી. ’એક જ ભૂલ’ નાટકમાં અમૃત જાનીએ કાન્તિનું પાત્ર એવું મોહક રીતે રજૂ કર્યું કે પ્રેક્ષકોએ તેમના પર ભેટોનો વરસાદ વરસાવ્યો હતો. ‘સરસ્વતીચંદ્ર’ નાટકમાં કુમુદ સુંદરીની ભૂમિકા માટે તેમની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. (સંકલિત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…