ઉત્સવ

ક્લોઝ અપ: નોખા શબ્દોની અનોખી ‘વર્ડ ઑફ ધ યર’ની આગવી સ્પર્ધા…

જેમ દર વર્ષે સીનેરસિકો ‘ઑસ્કર’ કે ‘ફિલ્મફેર એવૉર્ડસ’ કે સાહિત્યપ્રેમીઓ ‘બુકર પ્રાઈસ’ ની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેમ દેશ-વિદેશના ભાષાપ્રેમીઓ પણ અંગ્રેજીની જાણીતી ડિક્ષનરીઓ દ્વારા પસંદગી પામતા ‘વર્ડ ઑફ ધ યર’ શબ્દની ઉત્કંઠાભેર પ્રતીક્ષા કરે છે. આ વર્ષ-2025 માટે ‘પેરાસોશ્યલ’ શબ્દ ચૂંટાયો છે. કેવી રીતે થાય છે આવા શબ્દોની પસંદગી અને કેવી હોય છે વિભિન્ન શબ્દો વચ્ચે સ્પર્ધા…?

-ભરત ઘેલાણી

કોઈ કલ્પિત પાત્ર હોય કે સ્મૃતિ જેવી સેલિબ્રિટી ક્રિકેટર … એની સાથે એકતરફી ચાહત એટલે…

-તો જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એવો એક નવો અંગ્રેજી શબ્દ આવી ગયો છે આમ તો એ શબ્દ કંઈ રાતોરાત શોધાતો નથી. એ સાવ નવો પણ નથી હતો. દર વર્ષે સમકાલીન-સાંપ્રત ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક ખ્યાતનામ અંગ્રેજી ડિક્ષનરી ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે એક વિશેષ શબ્દ પર પસંદગી ઊતારે છે. માત્ર એને ‘આ વર્ષના શબ્દ’ તરીકે નવાજવામાં આવ્યો છે

આ વર્ષના આવા એક અંગ્રેજી શબ્દની ગયા અઠવાડિયે જ વરણી થઈ ગઈ છે અને એ શબ્દ છે ‘પેરાસોશ્યલ’ . આ શબ્દના અર્થ વિશે અને કેમ એની પસંદગી થઈ એ જાણતા પહેલાં વિશ્વભરની ભાષામાં નવા શબ્દો કેમ ઉમેરવા પડે છે અને એ કઈ રીતે ઉમેરાય છે એની ક્રિયા- પ્રક્રિયા જાણી લઈએ…

‘સાધુ તો ચલતા ભલા…’ અને ‘નદી તો વહેતી સારી’ એવી આપણી બે જાણીતી ઉક્તિ છે. આ ઉક્તિ જેવું જ આપણા બોલાતાં- લખાતાં શબ્દ- લિપિનું છે અને એટલે જ કદાચ પેલી કહેવત: ‘બાર ગામે બોલી બદલાય…’ પણ વપરાશમાં આવી છે.

ખાબોચિયાનું બંધિયાર પાણી ગંધાય એ જ રીતે કોઈની પણ ભાષાના લખાણ કે

બોલવાના શબ્દો સીમિત થઈ જાય તો લાંબાં ગાળે એ ભાષા મૃતપ્રાય બને છે, જેમ કે આપણી સંસ્કૃત ભાષા…

કોઈ પણ ભાષા-લિપિને જીવંત રાખવા એમાં પણ વિવિધતા લાવવી પડે. પલટાતા યુગ-સમયની સાથે એ ભાષામાં નવા નવા શબ્દ ઉમેરવા પડે. અલબત્ત, આવી કામગીરી નિપૂણ ભાષાશાસ્ત્રીઓ દ્વારા સતત સંશોધન પછી સામૂહિક પ્રયાસથી થતી હોય છે.

અગાઉ બ્રિટનની ‘ઑક્સફર્ડ’ કે ‘કેમ્બ્રિજ’ વિશ્વવિદ્યાલયના ભાષાપંડિતો પોતાની રીતે સંશોધન કરી- સમીક્ષા કરી ને પછી વિશ્વવિદ્યાલયની ડિક્ષનરીમાં નવા શબ્દો ઉમેરાતા. આ પ્રક્રિયા પછી એને ભાષાજગતમાં માન્યતા મળતી.

દર વર્ષે સરેરાશ 4000થી વધુ નવા શબ્દો અંગ્રેજી ભાષાના શબ્દકોશોમાં ઉમેરાતા હોય છે. વર્ષોથી દર નવેમ્બર – ડિસેમ્બર મહિનામાં નવા શબ્દ કે શબ્દપ્રયોગ ઉમેરાય છે. 2024માં તો ‘કેમ્બ્રિજ’ ડિક્ષનરી’ એ 6000થી વધુ નવા એના શબ્દકોશમાં ઉમેરીને એક વિક્રમ કર્યો હતો.

બીજી તરફ ‘ઑક્સફર્ડ યુનિવર્સિટી’ પાસે

એની શબ્દકોષ-ડિક્ષનરી માટે અત્યારે 19 અબજથી વધુ શબ્દભંડોળ છે, જેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આવાં શબ્દભંડોળમાંથી ભાષાનિષ્ણાતો જે-તે વર્ષે વધુ ચલણમાં આવેલા ચુનંદા શબ્દોમાંથી એકને ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે પસંદ કરે છે.

અગાઉ ‘વર્ડ ઑફ ધ યર’ શબ્દની વરણી કરતાં પહેલાં વાચકોની પસંદગી ભાગ્યે જ ધ્યાનમાં લેવાતી, એ વખતે લાંબાંપહોળાં સર્વે થતાં, પણ છેલ્લાં બે-ત્રણ વર્ષથી ‘ઑક્સફર્ડ’ અને બીજી ડિક્ષનરીવાળા વાચકોને પણ એમની પસદંગી વ્યકત કરવા કહે છે. હવે તો ઓનલાઈનની સુવિધા હોવાથી આવાં સર્વે બહુ ઝડપથી થાય છે ને વિશાળ વાચક-વર્ગને આવરી શકાય છે. આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ન્યૂઝ- વ્યૂઝનું વાંચન વધ્યું છે. પરિણામે હવે ‘ઑક્સફર્ડ’ કે ‘કેમ્બ્રિજ’ ડિક્ષનરીની સાથોસાથ અન્ય ઓનલાઈન ડિક્ષનરીવાળા વિભિન્ન નવા શબ્દો વાચક સમક્ષ મૂકે છે અને વાચકો પણ એને વધાવે છે. પરિણામે આજકાલ આ રીતે અનેક શબ્દ વચ્ચે ‘વર્ડ ઑફ ધ યર’ માટે રસપ્રદ સ્પર્ધા થાય છે.

થોડા ફ્લેશ બેકમાં જઈએ તો 2022 માં ‘ઑક્સફર્ડ’ તરફથી ત્રણ શબ્દ સૂચવીને લોકોને 2022 માટે એમની પસંદગીનું વોટિંગ કરવા કહ્યું હતું, એ ત્રણ શબ્દ કે શબ્દપ્રયોગ હતા: ‘મેટાવર્સ’- ‘ગોબલિન મોડ’ અને ‘આઈસ્ટેન્ડવિધ’અને લોકોએ એનો ધાર્યા કરતાં જબરો પડઘો પાડ્યો. ત્રણ લાખથી વધુ લોકોએ એ પસંદગીમાં ભાગ લીધો. એમાં ‘ગોબલિન મોડ’ શબ્દ વિજેતા ઠર્યો. એનો ઉપયોગ બહુ થતો નથી, પરંતુ હોલિવૂડની એક અભિનેત્રીને લગતા એક ફેક ન્યૂઝને કારણે એ શબ્દ હવે
સોશ્યલ મીડિયા પર બહુ ગાજતો થયો છે. આ ‘ગોબલિન મોડ’નો અર્થ છે: ‘સોસાયટી-સમાજે તમારા તરફથી જે આશા રાખી હોય એને નકારીને ધરાર તમારું ધાર્યું કરવું..’ દાખલા તરીકે ‘ડોનલ્ડ ટ્રમ્પ મિત્ર દેશ ભારત પર વધુ ટૅરિફ નહીં ફટકારે’ એવી મોદી સરકારની ધારણા ટ્રમ્પે ધરાર ખોટી પાડી!

આજ રીતે 2023નો ચૂંટાયેલો શબ્દ હતો ‘ઑથેન્ટિક’ (Authentic). આનો અર્થ થાય છે : પ્રમાણભૂત-અસલ-અધિકૃત કે પછી વિશ્વાસપાત્ર કહી શકાય એવું..‘ઑથેન્ટિક’ આ શબ્દની પસંદગી એક રીતે રસપ્રદ છે, કારણ કે આજે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ( AI -કૃત્રિમ બુદ્ધિમત્તા)ના યુગમાં વધતા જતાં ફેક ન્યૂઝ સાયબર ક્રાઈમની વચ્ચે ‘ડીપફેક’ની ગેરકાનૂની પ્રવૃત્તિઓ વધી ગઈ છે. આમાં કોઈ પણ ભળતી વ્યક્તિના ચહેરા કાયા પર જાણીતી વ્યક્તિના ચહેરા-કાયા ચીટકાવી દઈને એને અશ્ર્લીલ રીતે સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. આવા ‘ડિજિટલ ઑપરેશન’ને લીધે સાચા-ખોટાના ભેદ પારખવા મુશ્કેલ બની ગયા છે ત્યારે લોકોને ઑથેન્ટિક કહી શકાય તેવા અધિકૃત- પ્રમાણભૂત પુરાવા જોઈએ છે.

આવી પ્રમાણિત સાબિતી માટે એ વર્ષે સૌથી વધુ વપરાયેલા ‘ઑથેન્ટિક’ શબ્દ પર વાચકો તથા ભાષાશાસ્ત્રીઓની પ્રથમ પસંદગી ઉતરી હતી.

આજ રીતે, વીતેલા વર્ષ-2024 નો પસંદગી પામેલો શબ્દ હતો : ‘બ્રેન રોટ’ (Brain rot)ં, જેનું સામાન્ય ભાષાંતર – કાચો શબ્દાર્થ છે : ‘મગજનો સડો!’ જેની માનસિક અને બૌદ્ધિક સ્થિતિમાં બગાડ થયો હોય એને ‘બ્રેન રોટ’ કહે છે. આમ તો આ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ 1854માં જાણીતા લેખક હેન્રી થોરોએ એની એક નવલકથામાં કર્યો હતો. પછી તો એ વિસરાઈ ગયો. એ ફરી ગાજતો થયો આજની જનરેશન ઝીના સોશ્યલ મીડિયાના પ્રતાપે…

હવે આ વર્ષ-2025ના ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે ‘પેરાસોશ્યલ’ની વરણી થઈ. એનો અર્થ અને એની પસંદગી કઈ રીતે થઈ એ વાત પર આવીએ.

આ શબ્દનો અર્થ છે : કોઈ પણ જાણીતી વ્યક્તિ- સેલિબ્રિટીથી તમે અંજાઈ જાવ, એના ચાહક બની જાવ – ‘પ્રેમ’માં પડી જાવ, પણ પેલી વ્યક્તિ તમને ઓળખતી સુદ્ધાં ન હોય…આવા વ્યક્તિગત એકતરફી સંબંધ ‘પેરાસોશ્યલ રિલેશનશિપ’ તરીકે ઓળખાય છે!

એક ઉદાહરણ લઈએ… જેમકે મહિલા ક્રિકેટ ટીમની રેકોર્ડબ્રેકર એવી ફૂટડી ખેલાડી સ્મૃતિ મંધાનાને તમને ટીવી પર રમતી જોવી બહુ ગમે છે, સ્મૃતિ વિશે બધું જ વાંચવું-જોવું ગમે છે. એના વિશે લગભગ બધી જ માહિતી તમને છે. ટૂંકમાં તમે એની છટા-અદા પર બધી રીતે ફિદા છો…પણ એ તો તમને જરા પણ ઓળખતી નથી! આવા સંબંધ ‘પેરાસોશ્યલ’ કહેવાય!

આમ અમુક સેલિબ્રેટીસથી લઈને કોઈ વાર્તાના કલ્પિત પાત્ર કે AI ચેટબોટસ સુદ્ધાં સાથે આવા એકતરફી સંબંધની વાત વિશ્વભરનાં સોશ્યલ મીડિયા પર 2024 -25 દરમિયાન સૌથી વધુ છવાઈ ગઈ માટે ‘પેરાસોશ્યલ’ શબ્દ વિશેષણની ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે વરણી થઈ છે.

હવે આવતા વર્ષે ‘નવી ગિલ્લી નવો દાવ’!

આવી સ્પર્ધામાં આપણા ક્યા શબ્દો ક્યાં છે.?

નવા નવા શબ્દોની આ સ્પર્ધા વચ્ચે અનેક દેશના સ્થાનિક શબ્દો પણ ઝળકે છે… એમાં આપણી ભારતીય ભાષાના શબ્દો પણ ઉલ્લેખ પામે છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવનવા શબ્દોના પ્રાસ-ઝુમખા ઘડવામાં બડા માહેર છે. એમની શબ્દસૂઝ સહજ તેમ જ સચોટ હોય છે. 2021માં વડા પ્રધાને એક નવો જ શબ્દ વહેતો કર્યો હતો. એ હતો : ‘આત્મનિભર્ર’ કોવિડ-વેક્સિનના સંદર્ભમાં એ શબ્દ દેશ-વિદેશમાં એવો લોકપ્રિય બન્યો કે 2021માં બ્રિટિશ ‘ઑકસફર્ડ’ ડિક્ષનરીમાં ‘હિન્દી વર્ડ ઑફ ધ યર’ પસંદગી પામ્યો : ‘આત્મનિર્ભર’!

આ પહેલાં પણ ‘ઑકસફર્ડ’ જેવાં વિદેશી શબ્દકોશમાં આપણી ભાષાના અનેક શબ્દો પ્રવેશ પામી ચૂક્યા છે, જેમકે સંવિધાન -આધાર- નારીશક્તિ – ચટની-પાયજામા -ચીટ (ચબરખી) – જંગલ – ઠગ – લૂટ – વરંડા – ચૂડી-બેંગ્લસ (બંગડી) – ખાટ, ઈત્યાદિ…

બાય ધ વે, આવો જ આપણો અન્ય એક લોકપ્રિય શબ્દ છે, જે અંગ્રેજી ડિક્ષનરી તેમ જ એમની ભાષામાં જમાવટ કરે છે. એ છે ‘જુગાડ’!

આપણ વાંચો:  સ્પોટ લાઈટ …અને મને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button