ગુજરાતીની ઓળખ ખતરામાં તો નથી ને?

- વિજય વ્યાસ
આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે.
આધુનિક ગુજરાતી ભાષાના પ્રથમ લેખક મનાતા-ગણાતા નર્મદાશંકર દવે ઉર્ફે કવિ નર્મદ 24 ઓગસ્ટ, 1833ના રોજ સુરતમાં જન્મ્યા હતા. કવિ નર્મદની જન્મજયંતિએ દર વરસે ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવાય છે, પણ તેના કારણે ગુજરાતી ભાષાનું ખરેખર ભલું થાય છે?
આજે પણ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની ઉજવણી થશે, સરકારી રાહે કાર્યક્રમો થશે, ભાષણબાજી થશે ત્યારે આ સવાલ વિશે દરેક ગુજરાતીએ વિચારવાની જરૂર છે કેમ કે ગુજરાતી ભાષાનું પ્રભુત્વ ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે, ગુજરાતી ભાષા પોતાની ઓળખ અને અસ્મિતા બંને ગુમાવી રહી છે. બલ્કે માતૃભાષા જ નહીં, પણ ગુજરાતી સંસ્કૃતિ પણ ખતરામાં છે કેમ કે ગુજરાતનું પોતીકું કહેવાય એવું ઘણું બધું હાંસિયામાં ધકેલાઈ રહ્યું છે અને બીજાં કલ્ચર ગુજરાતીઓ પર હાવી થઈ રહ્યાં છે… આવી લાગણી એકલ-દોકલની નહીં, પણ અનેક છે.
ગુજરાતી બોલ-ચાલની ભાષાની હાલત અત્યંત દયનિય છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. વચ્ચે હાલત એ હદે ખરાબ થઈ હતી કે ગુજરાતની શાળાઓમાં ગુજરાતી વિષયમાં જ નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભયજનક વધારો નોંધાયો હતો…આપણી પ્રજામાં સાચું ગુજરાતી લખાવાનું જ ધીરે ધીરે બંધ થઈ રહ્યું છે.
હિંદી ભાષા ગુજરાતી પર એ હદે હાવી થઈ રહી છે કે, સીધે સીધી તેની નકલ કરી દેવામાં આવે છે. માત્ર શબ્દો જ નહીં, પણ વ્યાકરણમાં પણ હિંદીની નકલ કરીને લખાય છે-બોલાય છે તેથી ગુજરાતી ભાષા વિચિત્ર અને વર્ણસંકર બની ગઈ છે. ગુજરાતી ભાષામાં અનુસ્વારનો ઉપયોગ સૌથી મહત્ત્વનો છે ને તેની તો કોઈને ગતાગમ રહી જ નથી. અત્યંત પાયાના નિયમોની પણ આજના વિદ્યાર્થીને ખબર નથી.
બે અત્યંત સામાન્ય કહેવાય એવી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.
હિંદીમાં કાસ્ટ (Caste) માટે? જાતિ લખાય છે જ્યારે ગુજરાતીમાં તેના માટે જ્ઞાતિ શબ્દ છે. ગુજરાતીમાં જાતિ શબ્દનો અર્થ સજીવનું લિંગ છે (સ્ત્રી લિંગ, પુલ્લિંગ) પણ અત્યારે લખાતી ભાષામાં જાતિ અને જ્ઞાતિની ભેદરેખા જ ભૂંસાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવાની છે એવું લખવાના બદલે જાતિ આધારિત વસતિ ગણતરી કરશે એવું લખાય છે.!
બીજી બાબત પ્રત્યયોની છે. ગુજરાતીમાં ‘નો, ની, નું’ વગેરે પ્રત્યય હંમેશાં શબ્દની સાથે જોડાયેલા હોય જ્યારે હિંદીમાં અલગ હોય. ઉદાહરણ તરીકે ‘નરેન્દ્ર મોદીનો જન્મદિવસ’. હિંદીમાં આ જ વાત ‘નરેન્દ્ર મોદી કા જન્મદિન’ (‘એ રીતે લખાય. મતલબ કે, મોદી સાથે ના હોય પણ હવે ગુજરાતીમાં પણ આ જ રીતે લખાય છે!.’)
આઘાત તો એ જોઈને લાગે કે, સરકારી જાહેરખબરોમાં પણ આ જ રીતે લખાય-છપાય છે. તેનું કારણ એ કે, ગુજરાતના વહીવટી તંત્ર પર બિનગુજરાતીઓનું વર્ચસ્વ છે. વરસોથી જામી પડેલા અધિકારીઓ બધો કારભાર ચલાવે છે ને સરકારમાં બેઠેલા ગુજરાતીઓની હૈસિયત શોભાના ગાંઠિયાથી વધારે કંઈ નથી. આ અધિકારીઓએ સરકારનો પ્રચાર કરવો પડે છે કેમ કે ઉપરથી ફરમાન આવે છે, પણ તેમાં ગુજરાતી ભાષા સાચી રીતે લખાય છે કે નહીં તેની પરવા નથી કેમ કે ખોટી ભાષા લખાય તો રોકનારું કે ટોકનારું કોઈ નથી.
ગુજરાતી ભાષાની અવદશા માટે ગુજરાતી પ્રજા અને સરકાર બંને જવાબદાર છે. પ્રજામાં પોતાની માતૃભાષાનું ગૌરવ નથી ને સરકારને એ ગૌરવ જાળવવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં રસ નથી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતી ભાષાની અસ્મિતા સ્થાપિત કરવા અને ગુજરાતીનો પ્રસાર કરવા એમણે હૃદયપૂર્વકના ભરપૂર પ્રયત્ન કરેલા ‘વાંચે ગુજરાત’ ઝુંબેશ દ્વારા એમને ગુજરાતી ભાષા અંગે જબરદસ્ત સભાનતા પેદા કરી દીધી હતી, પણ એ વડા પ્રધાન બનતાં દિલ્હી ગયા પછી માતૃભાષા સાવ ભૂલાઈ જ ગઈ.
ગુજરાતમાં અત્યારે સ્થિતિ એ છે કે, રાજ્યની દરેક શાળામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવાતી નથી. ગુજરાતમાં જૂન, 2018થી ગુજરાતની તમામ પ્રાથિમક શાળાઓમાં પહેલા ધોરણથી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો પરિપત્ર બહાર પડાયેલો પણ 7 વર્ષ પછી પણ તેનો અમલ થતો નથી!
ગુજરાતીઓને પણ ગુજરાતી બોલવામાં રસ નથી. બીજાં રાજ્યોમાં માતૃભાષાના શિક્ષણના મુદ્દે ઘમાસાણ થઈ જાય છે ત્યારે ગુજરાતી મા-બાપને તો પોતાનાં સંતાન ગુજરાતી નથી ભણતાં પણ અંગ્રેજી ભણે છે તેનું ગૌરવ હોય છે!
દુનિયામાં દરેક પ્રજા નવી બાબતોને આવકારતી હોય છે પણ સાથે સાથે પોતાની ઓળખ પણ અકબંધ જાળવી રાખે છે, પણ ગુજરાતીઓમાં પોતાની ઓળખ વિશે જ સભાનતા નથી. તેના કારણે ગુજરાતીઓ પોતીકું કહેવાય એવું બધું છોડીને બહારનું અપનાવી રહ્યા છે.
ગુજરાતીઓને પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ વગેરે આરોગવામાં જેટલો રસ પડે છે એટલો ગુજરાતી ભોજનમાં નથી પડતો. હા, નવરાત્રિ વખતે ગુજરાતીઓમાં ગરબા-રાસનો ઉમળકો આવી જાય છે પણ એ સિવાય ગુજરાતી ગરબા-રાસના બદલે પાર્ટીઓમાં ગવાતાં અંગ્રેજી કે કોરિયન ગીતોના તાલે ઝૂમવામાં ગુજરાતી યુવાઓને વધારે મજા આવે છે. નવરાત્રિમાં પણ મૂળ ગુજરાતી ગરબા-રાસના બદલે મોડર્ન ટચવાળું ફ્યુઝન મ્યુઝિક વધારે માણતા હોય છે તેથી ખરેખર તો નવરાત્રિ પણ ગુજરાતીપણું ગુમાવી બેઠી છે.
ગુજરાતી લગ્નોમાં ફટાણાં સહિતનાં મૂળ ગુજરાતી ગીતોના બદલે પંજાબી સોંગ વધારે ગવાય છે. સંગીત સંધ્યામાં પંજાબી, બોલિવૂડ ને વેસ્ટર્ન કલ્ચરનાં ગીતો પર છોકરાં-છોકરી ડાન્સ કરે છે ને આપણે ખુશ થઈએ છીએ.
ગુજરાતમાં પહેલાં દિવાળી, ઉત્તરાયણ, જન્માષ્ટમી, ધુળેટી વગેર તહેવારોની બોલબાલા હતી. લોકો ઉત્સાહથી આ તહેવારો ઉજવતા. ગુજરાતીઓ હવે ઘરે તહેવાર ઉજવવાના બદલે ફરવા માટે બહાર જતા રહેવાનું પસંદ કરે છે તેથી આ તહેવારોની ઉજવણીની પરંપરાઓ પણ લુપ્ત થતી જાય છે.
ને સૌથી મોટી વાત એ છે કે, ગુજરાતીઓ ગુજરાત છોડીને ભાગી રહ્યા છે. ગુજરાતીઓને પોતાનાં સંતાનો અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ કે આફ્રિકાના કોઈ ભૂખડીબારસ દેશમાં રહેતાં હોય તેમાં ગર્વ લાગે છે ને ગુજરાતમાં રહી ગયેલા પછાત ગણે છે. આવી માનસિકતા હોય ત્યાં ગુજરાતીપણું કઈ રીતે ટકે?
આ બધા વચ્ચે, દેશ સ્તરે ગુજરાતીની રાજકીય નેતાગીરી કયાં છે? ગુજરાતમાં રાજકારણનું સ્તર પણ નિમ્ન થઈ ગયું છે અને નેતાગીરી સાવ મરી પરવારી હોય એવી સ્થિતિ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાષ્ટ્રીય રાજકારણમાં છવાયેલા છે, પણ એમના અપવાદ સિવાય ગુજરાતમાં બીજા ક્યા નેતા છે, જે પોતાના જોર પર પાંચ બેઠક પણ જીતાડી શકે?
આ પણ એક વિચારવા જેવો યક્ષ પ્રશ્ન છે…
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત!
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
જય જય ગરવી ગુજરાત!
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને,
પ્રેમ ભક્તિની રીત
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા,
કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્વારકેશ એ,
પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત,
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને,
રત્નાકર સાગર;
પર્વત ઉપરથી વીર પૂર્વજો,
દે આશિષ જયકર સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ,
થશે સત્વરે માત!
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે,
વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત. –કવિ નર્મદ
આપણ વાંચો: આધુનિક ગઝલના પ્રણેતા શેખાદમ આબુવાલા