એકસ્ટ્રા અફેર: વોટર વેરીફિકેશન મુદ્દે બિહારની જેમ ડખા નહીં થાય

- ભરત ભારદ્વાજ
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારે કમઠાણ ઊભું કરનારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરનો બીજો તબક્કો મંગળવાર ને 28 ઓક્ટોબર, 2025થી શરૂ કરવાનું કેન્દ્રીય ચૂંટણી પંચે એલાન કર્યું છે. પંચની જાહેરાત પ્રમાણે, બિહારમાં સફળતાપૂરવ્ક પહેલા તબક્કાનું વોટર વેરિફિકેશન હાથ ધર્યા પછી હવે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆર હાથ ધરાશે. આ રાજ્યોમાં એક ગુજરાત પણ છે. ગુજરાતની સાથે સાથે ગોઆ, કેરળ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ નોટપ વેરીફિકેશન કરીને મતદાર યાદીમાં સુધારણા કરવાનું અભિયાન હાથ ધરાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરનો આખો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે લગભગ 100 દિવસ લગી આ ક્વાયત ચાલશે અને 7 ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર થશે. 9 ડિસેમ્બર, 2025થી શરૂ કરીને 31 જાન્યુઆરી, 2026 સુધી નોટિસો ને વાંધાઓના નિકાલ માટે ફાળવાયા છે એ જોતાં સો દિવસમાંથી 50 દિવસથી વધારે તો વાંધાઓને લગતી નોટિસો અને નિકાલમાં જવાના છે એટલે બીજા બધો કાર્યક્રમ તો 50 દિવસથી ઓછા સમયમાં પતી જશે.
બીજા તબક્કામાં જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પસંદ કરાયાં છે તેમાંથી પશ્ચિમ બંગાળ, કેરળ અને ઉત્તર પ્રદેશ એ ત્રણ રાજ્યો ભાજપ વિરોધી પક્ષોના વર્ચસ્વવાળાં છે અને આ ત્રણેય રાજ્યોમાં મુસ્લિમોની વસતી પણ વધારે છે. બિહારનો અનુભવ છે કે, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરમાં સૌથી વધારે લોચા-લાપસી મુસ્લિમ મતદારોના કેસોમાં થયેલા છે. વિપક્ષોએ પણ બિહારમાં એ જ મુદ્દો ચગાવેલો કે, ચૂંટણી પંચ વોટર વેરિફિકેશનના બહાને ભાજપ વિરોધી મતદારો અને મોટા ભાગે મુસ્લિમ મતદારોને મતદાનથી દૂર રાખવા માગે છે.
કેરળમાં ડાબેરીઓ, ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી મુસ્લિમ મતબેંકનાં ચેમ્પિયન છે તેથી એ પણ આવા વાંધા ઊભાં કરશે જ એ જોતાં આ ત્રણ રાજ્યોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરનું કામ નિર્વિઘ્ને પાર પડે એ વાતમાં માલ નથી. મહારાષ્ટ્રમાં આ જ ખેલ કરીને ચૂંટણી પંચે ભાજપને સત્તા અપાવી હતી અને બિહારમાં પણ એ જ ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપો થયેલા એવા આક્ષેપો આ ત્રણ રાજ્યોમાં પણ થશે જ.
બીજી તરફ ભાજપનું સંપૂર્ણ પ્રભુત્વ છે ને મુસ્લિમ મતદારો નિર્ણાયક નથી એવા મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતનાં રાજ્યોમાં બહુ ડખા નહીં હોય એ જોતાં ડિસેમ્બરના અંત પહેલાં તો મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપી દેવાશે. બે કેન્દ્રશાસિત પ્રદેશો અને બે ટચૂકડાં રાજ્યો ગોઆ અને પુડુચેરીમાં પણ કોઈ ડખા નહીં થાય.
રાજકારણીઓને ચગાવવા માટે મુદ્દા જોઈતા હોય છે તેથી પાણીમાં પોરા કાઢીને મુદ્દા ઉભા કરતા હોય છે. ચૂંટણી પંચ પણ સંપૂર્ણપણે નિષ્પક્ષ નથી તેના કારણે બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરનો મુદ્દો ચગી ગયેલો. બાકી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆર એક નિયમિત પ્રક્રિયા છે અને દેશ આઝાદ થયો ત્યારથી નિયમિત રીતે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆર થાય જ છે. ચૂંટણી પંચે અત્યાર લગીમાં 8 વાર મતદાર યાદી સુધારણાનું કામ કર્યું છે. છેલ્લે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆર 2002થી 2004 દરમિયાન હાથ ધરાયું હતું તેથી આ પ્રક્રિયામાં નવું કશું નથી પણ બિહારમાં ચૂંટણી પંચે બહુ મોટો ભાંગરો વાટેલો તેમાં ડખાપંચક થઈ ગયેલું.
પહેલાં આ ક્વાયત હાથ ધરાતી ત્યારે વોટર વેરીફિકેશન એવું નામ અપાતું પણ બિહારમાં ચૂંટણી પંચે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆર નામકરણ કરીને એવી છાપ ઉભી કરી કે, જાણે બિહારને અનુલક્ષીને ખાસ આ ક્વાયત હાથ ધરાઈ છે. તેના કારણે વિપક્ષોને મુસ્લિમ મતદારોને ટાર્ગેટ કરાઈ રહ્યા હોવાનો પ્રચાર કરવાની તક મળી ગઈ. ચૂંટણી પંચે પછી એવી દલીલ કરી કે, ગેરકાયદેસર રીતે ઘૂસેલાં વિદેશીઓ સહિતના લોકો મતદાર યાદીમાં ઘૂસી ગયા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે વેરિફિકેશન કરાઈ રહ્યું છે. આ ચોખવટ કરવામાં ચૂંટણી પંચ વધારે ખરડાયું કેમ કે એ સવાલ ઊભો થયો કે, ચૂંટણી પંચ પોતે જ મતદાર યાદી તૈયાર કરે છે ત્યારે મતદાર તરીકે નામ નોંધતી વખતે આ ચકાસણી કેમ ન કરાઈ?
ચૂંટણી પંચે 2003માં કરાયેલા વોટર વેરિફિકેશનને આધાર બનાવ્યું હતું ને તેમાં પણ સમસ્યા થઈ કેમ કે 2003માં વોટર વેરિફિકેશન કરાયું તેના બે વર્ષ પછી વિધાનસભા ચૂંટણી થયેલી તેથી પૂરતો સમય હતો. બિહારમાં ચૂંટણીને ચાર મહિના બાકી હતા ત્યારે અચાનક પંચને સનક કેમ ઉપડી એ સવાલ પણ થયો હતો. ચૂંટણી પંચે વોટર વેરીફિકેશન માટે માન્ય દસ્તાવેજોની યાદી બહાર પાડી તેમાં પણ કમઠાણ થઈ ગયેલું કેમ કે તેમાં આધાર કાર્ડનો સમાવેશ નહોતો કરાયો.
આ વખતે એવા ડખા નહીં ઊભા થાય કેમ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો પછી સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને પુરાવા તરીકે માન્યતા આપી છે. સ્વાભાવિક રીતે જ બીજા તબક્કાના વોટર વેરીફિકેશનમાં આધાર કાર્ડ માન્ય ગણાશે તેથી અમુક પ્રકારની સમસ્યાઓ ઊભી નહીં થાય પણ રાજકીય આક્ષેપબાજી ચોક્કસ થશે. ભારતમાં કોઈ પણ મુદ્દાને રાજકીય રંગ આપી દેવાય છે તેથી આ મુદ્દે પણ રાજકીય દાવપેચ તો થવાના જ પણ તેનો કોઈ ઉપાય નથી.
ચૂંટણી પંચ એક નિયમિત પ્રક્રિયા કરી રહ્યું છે પણ એક સવાલનો જવાબ મળતો નથી.
ચૂંટણી પંચ આ આખી ક્વાયત વિદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે કરાઈ રહી હોવાની વાત પર વધારે ભાર મૂકે છે. વિદેશીઓ ભારતના મતદાર બની જાય ને દેશની ચૂંટણી પ્રક્રિયાને અસર કરે એ ગંભીર વાત કહેવાય પણ આ ક્વાયત દ્વારા વિદેશીઓનાં નામો મતદાર યાદીમાંથી દૂર કરાશે તેની ખાતરી નથી. તેનું કારણ એ કે, 2003 પહેલાં મતદાર યાદીમાં ઘૂસી ગયેલા મતદારોને કાઢવાની તો કોઈ તરકીબ જ પંચ પાસે નથી.
આધાર કાર્ડ બોગસ બને છે એવું કેન્દ્રીય ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર બંને સ્વીકારી ચૂક્યાં છે તેથી બોગસ આધાર કાર્ડને આધારે મતદર બનેલાની ચકાસણી થઈ શકશે પણ એ પહેલાં મતદાર યાદીમાં ઘૂસેલાં લોકો ખરેખર મતદાર છે કે નહીં તેની ચકાસણી કઈ રીતે થશે?
ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો ત્યારથી પાડોશી દેશોના નાગરિકો ઘૂસણખોરી કરતા રહ્યા છે. પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર વગેરે દેશોમાં સતત અશાંતિ અને અરાજકતા રહી. તેના અસરગ્રસ્તો ભારતમાં આવીને જામી ગયા. બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારે તો કરોડોની સંખ્યામાં ઘૂસણખોરો આવી ગયા ને તેમાંથી કેટલા લોકો ભારતના નાગરિક બની ગયા એ કોઈને ખબર નથી. આ બધું 2003 પહેલાં બન્યું તો તેમને કઈ રીતે દૂર કરાશે?
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : સરફરાઝ મુસ્લિમ હોવાના કારણે ટીમમાં પસંદ નથી થતો?



