Uncategorized

કલાણા ગામમાં સામાન્ય બાબતે બે જૂથો આમને-સામને, પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ

અમદાવાદ: સાણંદ તાલુકાના કલાણા ગામમાં સાવ સામાન્ય બાબતે થયેલા વિવાદે ઉગ્ર જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ગામના તળાવ પાસે ‘એકબીજાની સામે જોવા’ જેવી નાની બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક પથ્થરમારામાં પરિણમી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પથ્થરમારો અને અફરાતફરીના દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. આ જૂથ અથડામણને પગલે શાંત કલાણા ગામમાં ભય અને તણાવનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા સાણંદ GIDC પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને આશરે 60 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. સઘન પૂછપરછ અને વીડિયો ફૂટેજની તપાસ બાદ પોલીસે કુલ 25 તોફાનીઓની વિધિવત ધરપકડ કરી છે, જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા તમામ આરોપીઓને હવે કાયદાકીય પ્રક્રિયા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઝડપાયેલા 25 આરોપીઓ પૈકી 5 શખ્સો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગામમાં શાંતિ જળવાઈ રહે અને ફરી આવી ઘટના ન બને તે માટે સતત ત્રીજા દિવસે પોલીસનું સઘન કોમ્બિંગ ચાલુ છે. હાલ ગામમાં 1 DYSP, 5 PI અને 8 PSI સહિત 100 જેટલા પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને અસામાજિક તત્વોમાં ફાળ ફેલાવવામાં આવી રહી છે.

અમદાવાદ ગ્રામ્યના એસપીએ જણાવ્યું હતું કે, તળાવ પાસે શાહરૂખ પઠાણ નામના વ્યક્તિ અને એક સગીર વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ આ હિંસક ઘટનાનું સ્વરૂપ લીધું હતું. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પથ્થરમારો કરનારા અને કાયદો હાથમાં લેનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. વીડિયો પુરાવાઓના આધારે અન્ય સંડોવાયેલા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે અને ગામમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ મક્કમ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button