નિવૃત્તિની ઉંમરે પાકિસ્તાની બોલરે કર્યું ટેસ્ટ ડેબ્યુ! 38 વર્ષે ટીમમાં તક મળી | મુંબઈ સમાચાર
Uncategorized

નિવૃત્તિની ઉંમરે પાકિસ્તાની બોલરે કર્યું ટેસ્ટ ડેબ્યુ! 38 વર્ષે ટીમમાં તક મળી

રાવલપિંડી: ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટર રોહિત શર્મા 38 વર્ષનો અને વિરાટ કોહલી 37 વર્ષનો છે, છેલ્લા ઘણા સમયથી બંનેની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે, ઘણાં ટીકાકારો બંનેને જલ્દી નિવૃત્તિ લેવા કહી રહ્યા છે. એવામાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી 38 વર્ષીય ખાલડીએ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું છે. દક્ષિણ આફ્રિકા સામે રાવલપીંડીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં 38 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનર આસિફ આફ્રિદીએ ડેબ્યૂ કર્યું છે.

આજે રાવલપીંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ શરુ થતાની સાથે આસિફ આફ્રિદીએ પાકિસ્તાન તરફથી સૌંથી વધુ ઉંમરે ટેસ્ટ ડેબ્યુ કરનાર બીજા ક્રમનો ખેલાડી બન્યો. મીરાન બખ્શે 1955માં પાકિસ્તાન તરફથી 47 વર્ષની ઉંમરે ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી.

વિવાદોથી ભરેલી કારકીર્દી:
નોંધનીય છે કે પાકિસ્તાનના ડોમેસ્ટિક ક્રિકેટમાં આસિફ અફ્રીદીએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પણ તેની કારકિર્દી વિવાદોથી ભરેલી રહી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગ બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આસિફ અફ્રીદી પર પ્રતિબંધ મુક્યો હતો. PCBના એન્ટી કરપ્શન કોડ હેઠળ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજવ વર્ષ 2022 માં બે નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ ફેબ્રુઆરી 2023 માં તેને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો કે બોર્ડે સત્તાવાર કારણ જણાવ્યા વિના પ્રતિબંધ ઉઠાવી લીધો હતો, હવે તેમણે આખરે પાકિસ્તાન માટે પોતાનું ડેબ્યૂ કર્યું છે.

આસિફ આફ્રિદીએ 57 ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 25.49 ની એવરેજથી કુલ 198 વિકેટ લીધી છે.

સૌથી વધુ ઉંમરે ટેસ્ટ ડેબ્યુ કરનાર ખેલાડી કોણ?
નોંધનીય છે કે 38 વર્ષની ઉંમરે ખેલાડીઓ નિવૃત થઇ જતા હોય છે અથવા નિવૃત્તિ વિષે વિચારતા હોય છે, આ ઉમરે આસિફ અફ્રીદીનું ડેબ્યુ ચર્ચાનો વિષય બન્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ઉંમરના ટેસ્ટ ડેબ્યૂ કરવામાંનો રેકોર્ડ ઇંગ્લેન્ડના જેમ્સ સાઉથરટનના નામે છે. તેણે 15 માર્ચ, 1877ના રોજ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે 49 વર્ષ અને 119 દિવસની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

આપણ વાંચો:  મહિલા વર્લ્ડ કપઃ જોરદાર લડત છતાં ભારત હાર્યું, સેમિમાં પહોંચવું હવે વધુ મુશ્કેલ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button