માતાની સલાહથી પ્રેરાયેલી 25 વર્ષની લોકસેવા, મોદીએ વાગોળી અવિસ્મરણીય યાત્રા

અમદાવાદ: આજથી 25 વર્ષ પહેલા ગુજરાતના એવા પનોતા પુત્રએ રાજ્યનો કાર્યભાર હાથમાં લીધો હતો. જે બાદ ન માત્ર રાજ્ય પણ દેશને વિકાસની રાહે દોડતો કરી દીધો. ભારતના વડા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા હતા. આજે, એક સામાન્ય ચા વેચનારથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીની આ અનોખી યાત્રા દરેક માટે પ્રેરણારૂપ છે. એક્સ (X) પર પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં મોદીએ દેશવાસીઓનો આભાર માન્યો અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી.
25 વર્ષની સેવાનો માઈલસ્ટોન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર જણાવ્યું કે, “7 ઓક્ટોબર, 2001ના રોજ મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. દેશવાસીઓના સતત આશીર્વાદથી હું સરકારના વડા તરીકે 25મા વર્ષમાં પ્રવેશી રહ્યો છું.” તેમણે દેશની જનતાનો આભાર માનતા કહ્યું કે, “આ બધા વર્ષો દરમિયાન મારો સતત પ્રયાસ રહ્યો છે કે લોકોના જીવનને સારા બનાવું અને આ મહાન રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપું.” આ નિવેદન તેમની લોકસેવા પ્રત્યેની નિષ્ઠા અને દેશના વિકાસ માટેના સમર્પણને દર્શાવે છે.
મોદીએ યાદ કર્યું કે જ્યારે તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે તેમની માતાએ તેમને બે મહત્વની સલાહ આપી હતી. “મારી માતાએ મને કહ્યું હતું કે, ‘મને તારા કામની બહુ સમજ નથી, પણ હું બે વાતની અપેક્ષા રાખું છું: એક, તું હંમેશાં ગરીબો માટે કામ કરજે, અને બીજું, ક્યારેય લાંચ ન લે.’ મેં પણ લોકોને કહ્યું હતું કે હું જે કંઈ કરીશ, તે સારા ઈરાદાથી અને સમાજના સૌથી છેલ્લી હરોળના વ્યક્તિની સેવાની દ્રષ્ટિથી હશે,” એમ તેમણે જણાવ્યું.
વિકસિત ભારતનુ સપનુ
મોદીએ દેશવાસીઓનો ફરી એકવાર આભાર માન્યો અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે વધુ મહેનત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. “દેશની સેવા કરવી એ મારા માટે સર્વોચ્ચ સન્માન છે, જે મને કૃતજ્ઞતા અને ઉદ્દેશ્યથી ભરી દે છે. બંધારણના મૂલ્યોને માર્ગદર્શક તરીકે રાખીને, હું આગળના સમયમાં વિકસિત ભારતના સામૂહિક સ્વપ્નને સાકાર કરવા વધુ મહેનત કરીશ,” એમ તેમણે એક્સ પર જણાવ્યું. નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ કેશુભાઈ પટેલના ઉત્તરાધિકારી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને 26 મે, 2014ના રોજ ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીમાં નોંધપાત્ર જીત બાદ તેઓ ભારતના 14મા વડાપ્રધાન બન્યા હતા.