આવતીકાલે મહારાષ્ટ્રનું બજેટઃ અજિત પવાર રજૂ કરશે
ઉદ્યોગપતિ, ખેડૂત અને વેપારીઓ સહિત સૌની નજર રહેશે

મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવાર આવતીકાલે 2025-26 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે. નવી ચૂંટાયેલી મહાયુતિ સરકારનું આ પ્રથમ બજેટ હશે, જ્યારે નાણા પ્રધાન તરીકે અજિત પવારનું 11મું બજેટ હશે. ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત તમામ વર્ગની નજર આ બજેટ પર રહેશે.
આર્થિક શિસ્તના કડક પ્રશાસક તરીકે જાણીતા અજિત પવાર જનતાની નાડ પારખીને બજેટમાં જાહેરલક્ષી નિર્ણયો જાહેર કરતા સમયે રાજ્યની વિકાસપ્રક્રિયાને નુકસાન ન પહોંચાડે તેનું પણ ધ્યાન રાખે છે. તેઓ વિકાસ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડવામાં અને માળખાગત વિકાસની પ્રક્રિયાને આગળ ધપાવવામાં સતત સફળ રહ્યા છે.
કોવિડ કટોકટી દરમિયાન, જ્યારે ઘણા રાજ્યોની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં હતી, ત્યારે મહારાષ્ટ્રની નાણાકીય શિસ્તને બગડવા ન દેવાના તેમના કાર્ય માટે અજિત પવારની કેન્દ્રીય સ્તરે પ્રશંસા થઈ છે. ખેડૂતો, કામદારો, મહિલાઓ, દલિતો, આદિવાસીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો તેમના બજેટના કેન્દ્રમાં છે.
આપણ વાંચો: વિશ્વ મહિલા દિવસઃ 39 ટકા જેન્ડર બજેટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ
૮ માર્ચ, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બજેટની જાહેરાત કરતી વખતે તેમણે તેને રાજ્યની મહિલા શક્તિને સમર્પિત કર્યું હતું. 2022નું બજેટ 11 માર્ચે રજૂ કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રના રક્ષક છત્રપતિ સંભાજી મહારાજના સ્મૃતિ દિવસ છે. તેઓ છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરી, બલિદાન, સમર્પણ અને સ્વરાજ્ય પ્રત્યેની વફાદારીને સમર્પિત હતા.
તેમણે કૃષિ, ઉદ્યોગ, સંદેશવ્યવહાર, આરોગ્ય અને માનવસંસાધન વિકાસના પાંચ સ્તંભો પર આધારિત બજેટ પણ રજૂ કર્યું છે. ગયા વર્ષનું ચૂંટણી પહેલાંનું બજેટ એક વ્યાપક, ક્રાંતિકારી બજેટ હતું. તે બજેટમાં લેવામાં આવેલા જાહેરલક્ષી, લોકપ્રિય નિર્ણયોએ મહાયુતિ સરકારને ફરીથી સત્તામાં લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજ્યના લોકોને સોમવારે રજૂ થનારા બજેટથી ઘણી અપેક્ષાઓ છે અને લોકોને વિશ્વાસ છે કે અજિત પવાર તે અપેક્ષાઓ પર ખરા ઊતરશે.
આપણ વાંચો: ગુજરાતના બજેટ અંગે કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાનઃ રાજ્યના દેવા અંગે કર્યો નવો દાવો…
અજિત પવાર રેકોર્ડ બનાવવાના પંથે
નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવાર સોમવારે તેમનું ૧૧મું બજેટ રજૂ કરશે. તેઓ શેષરાવ વાનખેડે (૧૩ વખત) પછી બીજા ક્રમે સૌથી વધુ (૧૧ વખત) બજેટ રજૂ કરનારા નાણાપ્રધાન બનશે. શેષરાવ વાનખેડેએ ૧૩ વખત, અજિત પવારે ૧૧ વખત બજેટ રજૂ કર્યું છે, જેમાં સોમવારનું બજેટનો પણ સમાવેશ છે. ત્યારબાદ જયંત પાટિલ (૧૦ વખત) અને સુશીલકુમાર શિંદે (૯ વખત)નો ક્રમ આવે છે.