કેરોલિના રીપર – પ્રકરણ-2

બ્રધર, ઉસકો અપની નજર સે દૂર હોને નહિ દૂંગા
પ્રફુલ શાહ
રાજાબાબુ મહાજન અકળાયા: આકાશને હું સમજી શકતો નથી. ઘરનો ધીકતો ધંધો છોડીને બહાર ભટકવાની શી જરૂર છે
મુરુડની હોટેલ પ્યોર લવમાં ધડાકાના પંદર મિનિટ પહેલાં દૂર ઊભેલી ગાડીમાં નંદુને કંટાળો આવતો હતો, ચીડ વધતી જતી હતી. બારીનો કાચ ખુલ્લા રાખીને સિગારેટના ધૂમાડેધૂમાડા કાઢતા નીરજ દુબે સામે જોઇને ગુસ્સો આવ્યો નંદુને. વાઇફનો બર્થ-ડે બગાડયો એટલે જિંદગીભર સાંભળવું પડશે હવે, પરંતુ એ વ્યક્ત કરવાને બદલી હસીને બોલ્યો, “નીરજભાઇ પૂરી રાત યહાઁ રહેગે કૈસે? વો લોગ રાત કો ભાગ નહીં જાયેંગે. બડે ભૈયા કો પૂછ લોના… હમ વાપસ ચલે જાયે યાં કહીં ઢંગ સે ઠહર જાયે. કાર મેં તો પીને કા પાની ભી ખતમ હો ગયા. ડિનર ભી બાકી હૈ… દો – ચાર ઘૂંટ પીકે વાઇફ કા બર્થ ડે અકેલા તો સેલીબ્રેટ કરવા દો. પ્લીઝ, આપ કુછ કર લો તો બાત બન જાયેંગી”.
નીરજે છેલ્લો કસ ખેંચીને સિગારેટ દૂર ફગાવી દીધી. પછી મોબાઇલ ફોન કાઢીને મોટાભાઇ રાજીવ દુબેને ફોન જોડયો. “ભૈયા, પૂરી રાત ગાડી મે રૂકના ઇમ્પોસિબલ હૈ. ઇસી હોટેલ મેં રૂક જાયે ક્યાં?… નહીં, નહીં, ડોન્ટ વરી. ઉસકો અપની નજર સે દૂર નહીં હોને દૂંગા. મૈં ઔર નંદુ બારીબારી જાગેંગે પૂરી રાત… ઓકે બ્રધર. લવ યુ લોટ ગુડનાઇટ.”
નીરજે મોબાઇલ ફોન ગજવામાં મૂકીને તુચ્છકાર સાથે નંદુ સામે જોયું. “તેરે લિયે ફોન કિયા સમજા…. તું રૂક યહાં, મૈં હોટેલ મેં કુછ જુગાડ કર કે આતા હું.” નંદુને તુચ્છકાર ન ગમ્યો પણ થોડી રાહત થઇ. નીરજ ઉતરીને હોટેલ તરફ ચાલવા માંડયો. એ અંદર પહોંચ્યો, ત્યારે મેનેજર એનડી કોમ્પ્યુટરમાં વ્યસ્ત હતો. એ રોજનો રિપોર્ટ પટેલ શેઠને મોકલી રહ્યો હતો. નીરજે એને બોલાવવાને બદલે બે-બે હજારની પણ નોટ કોમ્પ્યુટરના કી-પેડ પર ફેંકી. એનડી માથું ઊંચકીને જોયું. એકદમ ભાવહીન ચહેરા સાથે નીરજ બોલ્યો, “કુછ કરને કે લિએ ઇતને કાફી હૈ?”
મનોમન ખુશ થઇ ગયો પણ એનડી એ દેખાડયું નહીં. “સર, કેન આઇ હેલ્પ યુ?”
“યુ મસ્ટ. યાર ફોર્માલિટી છોડ. મુઝે ટુ ધ પૉઇન્ટ બાત પસંદ હૈ. અચ્છે સે અચ્છે સ્કોચ કી દો બોતલ મંગા લે. તુઝે જો બ્રાંડ પસંદ હૈ વહ તેરે લિએ, એક અચ્છા રૂમ દે દે. બહાર ડ્રાઇવર હૈ ગાડી મેં, ઉસકે સોને કા યાની કી જાગને કા ઇંતેજાર કરના હૈ. અભી તો ઉસે દો બોતલ બીયર ઔર કુછ અચ્છા ચખના ભેજ દે, બાદ મેં ખાના.”
આકાશની ઑન લાઇન ટીપ બાદ આ છ હજારનું ઇનામ. આમાં તો વધુ ય મળશે. એનડીએ તરત વૉચમેન પાટીલને બૂમ પાડીને બોલાવ્યો. “દેખ બહાર સર કી ગાડી ખડી હૈ. ઉસમેં ડ્રાઇવર બૈઠા હૈ. ઉસે દો ચીલ્ડ બીયર દે આ. સાથ મેં અચ્છા ચખના ભી લે જા…’ પાટીલને આ કામ ન ગમ્યું પણ એને કયાં ભાવિનો અણસાર હતો. મોઢું બગાડીને એ કિચન તરફ જવા લાગ્યો. ત્યાં જ એનડીનો અવાજ સંભળાયો, તુ દો બોતલ અપને લિએ લે જા. ઉસ ડ્રાઇવર કો કંપની દે. જા ઐશ કર.”
થોડીવારમાં નીરજ દુબે અને એનડીએ ઓન ધ રોકસ પતિયાલા પેગનું ચીયર્સ કર્યું. નીરજ બોલ્યો, “યાર, અસલી મજા તો પહેલે પેગ કે બાદ શુરુ હોતા હૈ. સચ કહાં ના?”
એનડી ખડખડાટ હસી પડયો. એનું હાસ્ય એકદમ કૃત્રિમ હતું. પણ એ જોશભેર બોલ્યો, “યસ સર. યુ આર રાઇટ,” પરંતુ બન્ને કયાં જાણતા હતા કે એમના નસીબમાં બીજો પેગ જ નહોતો.
બિઅરની ચાર બોતલ લઇને બહાર જતા પાટીલને સમજાઇ ગયું કે મેનેજર શા માટે પોતાના પર મહેરબાન થયો છે.
દશેક મિનિટમાં પહેલો પતિયાલા પેગ પૂરો કરીને નીરજે ઓર્ડર કર્યો, “અબ બના અસલી પેગ.” એનડીએ બોતલ ઉઠાવી અને ગ્લાસમાં ધાર કરે એ સાથે પ્રચંડ ધમાકો થયો. સ્કોચની બોતલ દૂર ઉડી ગઇ, નીરજ એનડી ગબડી પડયા અને…
હોટેલ પ્યોર લવ ભલે દૂર – એકાંતમાં હતી, પણ એક પછી એક થયેલા અમુક ધડાકા એટલા ભયંકર અને જોરદાર હતા કે પંદરેક મિનિટમાં પોલીસ પહોંચી ગઇ ઘટનાસ્થળે. મુરુડ પોલીસ સ્ટેશનના અનુભવી ઇન્ચાર્જ પી. આઇ. પ્રશાંત ગોડબોલે આગ જોઇને સમજી ગયો કે આ નાનીસુની ઘટના નથી. અગાઉ પુણેમાં ઘણી મહત્ત્વની કામગીરી તેણે બજાવી હતી. પણ રાજ્યના પ્રધાનના સાળા અને નગરસેવકની ધરપકડ કરવાથી એને પનિશમેન્ટ પોસ્ટિંગ પર મુરુડ ધકેલી દેવાયો હતો. ગોડબોલેએ હવાલદારેોને આદેશ આપ્યો કે કોઇ અંદર ન જાય એનું ધ્યાન રાખજો. ફટાફટ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ટીમને બોલાવી લો.
પછી તેણે રાયગઢના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ વીરેન્દ્ર મોરેને ફોન કરીને જાણકારી આપી. “સર, મુરુડની હોટેલ પ્યોર લવમાં જોરદાર ધડાકા થયા છે. અંદર જવું શકય નથી. પણ કોઇ બચ્યું હોય એવું અશક્ય લાગે છે… સર, દારૂગોળાની વાસ પરથી લાગે છે કે શોર્ટ સર્કિટ કે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ નથી. મારા માટે શું ઓર્ડર છે?”
મુંબઇ કે પુણેના પોલીસ કમિશનરના પદ પર મીટ માંડીને બેઠેલા વીરેન્દ્ર મોરે હળવેકથી બોલ્યા, “વેલડન ગોડબોલે. હું જલદી રવાના થાઉં છું. બને ત્યાં સુધી કોઇ સાથે વધુ વાત ન કરશો. મીડિયાને દૂર જ રાખજો.”
બનાવની ગંભીરતા અને મહત્ત્વાકાંક્ષાને જોરે વીરેન્દ્ર મોરે રાતના અંધારામાં બે કલાક અને દશ મિનિટનો રસ્તો કાપવા નીકળી પડયા. 103 કિલોમીટરનું અંતર કાપતી વખતે તેમણે પોતાના કૉલેજના ફ્રેન્ડ અને રાજય કક્ષાના ગૃહ પ્રધાન વિશ્વાસ આચરેકરના પી. એ. નિશિથ કરંદીકરને વૉટ્સઅપ પર મેસેજ મૂકીને જાણકારી આપી ને છેલ્લે ઉમેર્યું હતું કે હું મુરુડ જવા નીકળી ગયો છું. પાંચ મિનિટમાં જ નિશિથનો ફોન આવ્યો “એક-એક અપડેટ આપતો રહેજે. સર, ત્યાં પહોંચનારા પહેલા લીડર હોવા જોઇએ. સમજી ગયો ને?” પ્રધાન હોય કે કમિશનર, કોઇ કયાં પ્રશંસાના મોહથી મુક્ત છે?
જીર્યન્તિ જીર્યત: કેશા:
દન્તા: જીર્યન્તિ જીર્યત :।
ચક્ષુ: શ્રોતે ચ જીર્યેતે
તૃષ્ણૈ કા ન તુ જીર્યતે॥
આટલું સંસ્કૃત વાંચીને માલતીએ પતિ રાજાબાબુ મહાજન સામે જોયું. એમની આંખમાં સવાલ જોઇને એ અર્થ સમજાવવા માંડી : વૃદ્ધાવસ્થા આવવાથી વાળ જીર્ણ થઇ જાય છે, દાંત નબળા પડી જાય છે, આંખ અને કાન જીર્ણ થઇ જાય છે, પરંતુ એક તૃષ્ણા જ જીર્ણ થતી નથી.
રાજાબાબુ મહાજનને પહેલી મિટિંગ યાદ આવી ને તેઓ નાનકડા સુંદર મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ સામે હાથ જોડીને ઊભા થઇ ગયા. પૂજા ઘરની બહાર પગ મૂકતા અગાઉ તેમણે આદેશ આપ્યો, “ફટાફટ નાસ્તો આપજો. સાથોસાથ બધાને ડાઇનિંગ ટેબલ પર હાજર રખાવજો.”
દશ મિનિટમાં તૈયાર થઇને રાજાબાબુ ડાઇનિંગ ટેબલ પર આવ્યા, ત્યારે પૌઆ, ઉપમા, પરાઠા, જયુસના ગ્લાસ, ચા અને દૂધ સામે હતા. ટેબલની એક બાજુ માલતી, બાજુમાં પુત્રવધૂ કિરણ, દીકરી મમતા બેઠાં હતાં. સામી બાજુ નાનો દીકરો દીપક અને એની પત્ની રોમા રેડી થઇને બેઠાં હતાં. રાજાબાબુએ માલતી સામે જોયુ. “પાટવી કુંવર હજુ ઘોરી રહ્યાં છે?”
“ના, એ કામકાજ માટે બહારગામ ગયો છે.”
“એ છોકરાને હું સમજી શકતો નથી. ઘરનો ધીકતો ધંધો છોડીને બહાર ભટકવાની શી જરૂર છે?” (ક્રમશ:)ઉ