જ્ઞાનવાપી કેસનો ચુકાદો આપનાર જજને સોશિયલ મીડિયા પર મળી ધમકી, ISISના આતંકી વિરુદ્ધ નોંધાઈ FIR

ભોપાલ: 33 વર્ષ જૂનો જ્ઞાનવાપી મસ્જિદનો કેસ પાછલા વર્ષોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. જોકે, આ કેસનો ચુકાદો આપનાર ન્યાયધીશ હવે જોખમમાં મુકાયા છે. સોશિયલ મીડિયા દ્વારા જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ચુકાદો આપનારા ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી કોણે આપી છે, આવો જાણીએ.
કાફિરોનું લોહી તમારા માટે હલાલ છે
મધ્યપ્રદેશના ભોપાલમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા એક ભયાનક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ભોપાલના રહેવાસી આતંકવાદી અદનાન વિરુદ્ધ ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરને ધમકી આપવા બદલ FIR દાખલ કરવામાં આવી છે.
પોલીસ FIR મુજબ, ભોપાલનો રહેવાસી અદનાન ‘@based.khilji’ નામથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતો હતો. આ એકાઉન્ટ પરથી અદનાને ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમની આંખો પર લાલ રંગમાં “કાફિર” શબ્દ લખેલો હતો. પોસ્ટમાં અંગ્રેજીમાં ભયાનક ધમકી હતી: “THE KAFIRS LOOD IS HALAL FOR YOU THOSE WHO FITT AGAINST YOUR DEEN” અર્થાત “તમારા ધર્મ સામે લડનારા કાફિરોનું લોહી તમારા માટે હલાલ છે.”
પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી
FIR માં સ્પષ્ટપણે જણાવાયું છે કે, અદનાન તેની ઉગ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા લોકોને ન્યાયાધીશની હત્યા કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યો હતો. અદનાનના કૃત્યો દ્વારા અન્ય ધર્મોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી હતી, વિવિધ વર્ગો વચ્ચે દુશ્મની અને નફરત ફેલાવવામાં આવી હતી, અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી.
પોલીસનું માનવું છે કે અદનાન ભારતના લોકશાહી રાષ્ટ્ર અને ન્યાયતંત્ર પ્રત્યે ધાર્મિક આધાર પર અવિશ્વાસ અને નફરત ભડકાવી રહ્યો હતો. FIRમાં ચેતવણી આપવામાં આવી છે કે જો અદનાનના આ કાર્યોને તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો કોઈ પણ અનિચ્છનીય ઘટના બની શકે છે. પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.



