અવકાશમાં શુભાંશુ શુક્લાનું સંશોધન ક્યાં સુધી પહોચ્યું? ઈસરોના પ્રમુખે લીધી અપડેટ

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને તેમની ટીમ છેલ્લા 11 દિવસથી પૃથ્વીથી સેંકડો કિલોમીટર ઉપર ISSમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં રહી રહ્યા છે. અત્યારે તેમણે ખુલાસો કર્યો છે કે, અવકાશમાં તેમના માટે સૌથી મુશ્કેલ કાર્ય કયું છે? ભારતયી અવકાશયાત્રી શુભાંશુ શુક્લા હાલમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર છે. અહીં જનારા તેઓ પ્રથમ ભારતીય છે. તેમણે ISROના વડા વી. નારાયણન સાથે પણ વાત કરી અને અનેક પ્રકારની વિગતો આપી છે.
અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે ઈસરોના પ્રમુખે કરી ખાસ વાતચીત
ઈસરોના પ્રમુખ વી.નારાયણને શુક્લા પાસેથી મિશન સંબંધિત વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને પ્રયોગો વિશે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પાસેથી વિગતો લીધી હતી. શુભાંશુ શુક્લાએ કહ્યું કે, તેઓ અને તેમની ટીમ Axiom-4 મિશન હેઠળ 7 સ્વદેશી વૈજ્ઞાનિક પ્રયોગો અને 5 વૈશ્વિક અભ્યાસો કરી રહ્યા છે. આ પ્રયોગોનો ઉદ્દેશ્ય માનવ અવકાશ ઉડાન માટે નવી ટેકનોલોજી અને સમજ વિકસાવવાનો છે. આ મિશન અને તેના વૈજ્ઞાનિક પ્રયોગો ભવિષ્ય માટે ઘણા ફાયદામંદ રહેવાના છે.
આ પણ વાંચો: શુભાંશુ શુક્લાએ ISS પરથી જોયું બ્રહ્માંડ: શું છે ‘કપોલા મોડ્યુલ’?
આ યાત્રા ભવિષ્યની માનવ અવકાશ યોજના માટે મહત્વપૂર્ણ રહેશે
અત્રે મહત્વની વાત એ છે કે, શુભાંશુ શુક્લા જ્યારે અવકાશમાંથી પાછા આવશે તેના પછી તેમના દસ્તાવેજો ગગનયાન મિશન સહિત ભવિષ્યની માનવ અવકાશ યોજનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વાતચીતમાં ઈસરોના પ્રમુખ વી.નારાયણ સાથે સાથે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ના ડિરેક્ટર ડૉ. ઉન્નીકૃષ્ણન નાયર સહિત ISRO ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
ISSમાં સૌથી અધરૂ કામ ઊંઘવાનું છેઃ શુભાંશુ શુક્લા
મિશનની વાત કરવામાં આવે તો, બે દિવસ પહેલા બાળકો સાથે રેડિયો દ્વારા વાત કરતા શુભાંશુ શુક્લાએ કહ્યું હતું કે, ISSમાં સૌથી અધરૂ કામ ઊંઘવાનું છે. આવું થાય ત્યારે તમને ખબર પડે કે, તમારી પાસે સમય ખૂબ જ ઓછો છે અને કામ વધારે છે, તો તમારૂ મગજ તમને સુવા દેતું નથી. વધુમાં શુભાંશુ શુક્લાએ કહ્યું કે, અવકાશમાં વૈજ્ઞાનિક પ્રયોગો અને સંશોધન ઉપરાંત આરામ પણ જરૂરી છે, પરંતુ તે વાતાવરણમાં પોતાને આરામ આપવો એ સૌથી મોટો પડકાર છે. શુભાંશુ શુક્લાએ રોકેટ લોન્ચના અનુભવને પણ અવિસ્મરણીય ગણાવતા કહ્યું કે, જેમ જેમ અમે ઊંચાઈએ જતા ગયા તેમ તેમ અમારી ગતિ પણ વધતી ગઈ. લોન્ચ દરમિયાન પ્રવેગ ખૂબ જ વધારે હતો અને આ અનુભવ જીવનભર યાદ રહેશે’.