Uncategorized

મનનઃ શાશ્વત જીવનની પ્રાપ્તિ…

હેમંત વાળા

કૈવલ્ય ઉપનિષદમાં જણાવાયું છે કે, કર્મ, સંપત્તિ કે સંતતિથી નહીં પણ કેવળ ત્યાગ દ્વારા જ શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય છે. અહીં ઘણી વાતો ટૂંકમાં કહેવામાં આવી છે. અહીં શાશ્વત જીવનની પ્રાપ્તિ એટલે એ પ્રકારની સ્થિતિ કે જ્યાં જન્મ અને મૃત્યુની સંભાવના નથી, આત્માની અનુભૂતિ થયાં બાદ પુન: શરીર ધારણ કરવાની આવશ્યકતા નથી, આ પરમપદની સ્થિતિ છે.

એમ સમજવામાં આવે છે કે સાત્વિક શ્રેણીના, આધ્યાત્મિકતા લક્ષી કર્મ બંધનકર્તા ન હોય, અને તે પ્રકારનાં કર્મથી મુક્તિ મળી શકે. એમ માનવામાં આવે છે કે સંપત્તિ દ્વારા શુભ કાર્ય થઈ શકે, જેને કારણે મુક્તિની સંભાવના વધી શકે. સંતાન દ્વારા જે કંઈ મરણોત્તર ક્રિયા કરવામાં આવે તેનાથી પણ મુક્તિની સંભાવના વધી જાય. કૈવલ્ય ઉપનિષદમાં અહીં એમ કહેવાયું છે કે, વાસ્તવમાં મુક્તિની સંભાવના ત્યાગ દ્વારા જ સ્થાપિત થઈ શકે.

બની શકે કે કર્મ નિષ્કામ ભાવથી કરાયું હોય તો પણ મનના કોઈક ખૂણામાં કોઈક અપેક્ષા હોય. કશાની નહીં તો મુક્તિની અપેક્ષા હોય. પુરુષાર્થના ચાર મુખ્ય કારણો; ધર્મ,અર્થ કામ અને મોક્ષમાંથી એકની પણ જો અપેક્ષા હોય તો તે કર્મનું પરિણામ તે રીતે સ્થાપિત થાય. ગીતાના સિદ્ધાંત પ્રમાણે જ્યારે કર્મફળનું સમીકરણ પૂરું થાય ત્યારે ફરીથી ચક્ર ચાલુ થઈ જાય.

અર્થાત્, અહીં ક્યાંક એવી સંભાવના હોય કે કર્મફળ અનુસાર જો મુક્તિ પ્રાપ્ત થઈ હોય તો તે કર્મના ફળની પૂર્ણાહુતિ સમયે, જો જરાક પણ વિક્ષેપિત સ્થિતિ ઊભી થાય તો ફરીથી પુરુષાર્થની પ્રક્રિયા ચાલુ થઈ શકે. મુક્તિની સ્થિતિ જો માત્ર કર્મફળને આધારિત હોય તો પ્રશ્ન તો રહેવાનો જ, પરંતુ જો મુક્તિની સ્થિતિ કર્મફળના ત્યાગને આધારિત હોય તો આ પ્રકારનો પ્રશ્ન ઊભો ન થાય. અહીં ત્યાગનું મહત્વ સ્થાપિત થાય છે, નહીં કે કર્મનું.

વળી કર્મ કરતી વખતે સંસાર તેમજ સંસાધનો પણ ચોક્કસ રીતે પ્રવૃત્ત થતાં હોય છે અને સંસાર તથા સંસાધનો પર ચોક્કસ અસર પણ થતી હોય છે. કર્તા કદાચ નિષ્કામ કર્મી હોઈ શકે, પરંતુ સંસાર અને સંસાધનોની પણ કોઈક અપેક્ષા હોઈ શકે. આ અપેક્ષા પણ બંધનનું કારણ બની શકે. કર્મમાં સામેલ થનાર અન્ય વ્યક્તિની જો કોઈ અપેક્ષા હોય, કર્મમાં વપરાયેલ સંસાધનો પ્રત્યેનું પણ જો કોઈ ઉત્તરદાયિત્વ સ્થાપિત થતું હોય, તો કર્મથી ઉત્પન્ન થતી સ્થિતિ તે આખરી ન હોવાની સંભાવના રહે. તેથી જ અહીં કર્મના પણ ત્યાગને મહત્ત્વ અપાયું છે.

જે વસ્તુ આપણી નથી, પરંતુ આપણી છે. તેનો વિવિધ ઉપયોગ થઈ શકે. આ ઉપયોગ સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ, સર્જનાત્મક પણ હોઈ શકે અને ખંડનાત્મક પણ, સાત્ત્વિક પણ હોઈ શકે અને તામસી પણ, નૈતિકતા આધારિત હોઈ શકે કે અનૈતિકતા આધારિત પણ, શુદ્ધ હોઈ શકે અને અશુદ્ધ પણ, દૈવી મૂલ્ય અનુસાર હોઈ શકે અને આસુરી મૂલ્ય અનુસાર પણ, સૃષ્ટિના સમીકરણના સન્માન તરીકે પણ હોઈ શકે અને સૃષ્ટિના સમીકરણના અવરોધ તરીકે પણ, સ્વ-કેન્દ્રિત હોઈ શકે અને પર-કેન્દ્રિત પણ, ધર્મ આધારિત હોઈ શકે અને ધર્મ વિપરીત પણ-બધી જ સંભાવના છે.

સંપત્તિ આપણી છે, આપણે નથી. તેથી સંપત્તિનો પણ આ બધો જ ઉપયોગ સંભવ છે. સંપત્તિ હંમેશાં સાચે જ માર્ગે લઈ જાય તેની કોઈ ખાતરી નથી. છતાં પણ એમ માની લેવામાં આવે કે સંપત્તિ દ્વારા સમાજ ઉપયોગી, ધાર્મિક, કરુણાસભર, સાત્ત્વિક, દાન મદદ સમાન કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ શુભ રહે. પણ અહીં પણ તે જ કર્મ અને કર્મફળનો સિદ્ધાંત લાગુ પડે. સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિએ પણ જો ક્યાંક અપેક્ષા રહી ગઈ હોય તો પૂર્ણવિરામ મુકાવવાની સંભાવના ન રહે.

એકવાર પૂર્ણવિરામ જેવી પ્રતીત થતી બાબત પણ અલ્પવિરામ નીવડી શકે. તે ઉપરાંત પણ સંપત્તિ એ એક એવી ઘટના છે કે જે માનવીને ભ્રમિત કરી શકે. સંપત્તિ એક પ્રકારનો નશો છે જે ક્યાંક વિવેક ભુલાવી દે. સંપત્તિને કારણે પ્રભુત્વ, મહત્તવ અને સન્માન મેળવવાની ચાહના જાગી શકે. સંપત્તિ ભેદી પણ છે અને જોખમી પણ. તેનાં ત્યાગની પણ તેટલી જ આવશ્યકતા છે.

પુત્ર એટલે પૂ નામના નર્કમાંથી તારનાર, પુત્રી એટલે પૂ નામના નર્કમાંથી તારનારી. સ્વાભાવિક છે કે જ્યારે નર્કમાંથી વ્યક્તિ તરી જાય ત્યારે મુક્તિની સંભાવના ઊભી થાય. પણ દર વખતે આમ ન પણ થાય. નર્કને સ્થાને સ્વર્ગ અથવા પિતૃલોકની પ્રાપ્તિ થઈ શકે. આ બંને સ્થાન અંતિમ કે કાયમી નથી. અહીંથી પણ પરત ફરવાની સંભાવના હોય છે.

એમ પણ કહી શકાય કે મુક્તિ એ સ્વયં પ્રાપ્ત કરેલી સ્થિતિ છે. આમાં ગુરુદેવ સિવાય અન્ય વ્યક્તિનો સહકાર કામ ન લાગે. ઈશ્વરની કૃપાથી તે પ્રાપ્ત થાય. ઈશ્વરની કૃપા હોય તો તે પ્રકારની પ્રાપ્તિ માટેની પરિસ્થિતિ સ્થાપિત થાય. ઈશ્વરની કૃપા હોય તો જ સદગુરુના માર્ગદર્શન હેઠળ ત્યાં સુધી પહોંચી શકાય. આ સમગ્ર પ્રક્રિયામાં સંતતિની શુભેચ્છા તથા તેમનાં દ્વારા કરાયેલ ક્રિયાકાંડ કાયમી મદદરૂપ થઈ શકે કે નહીં તે પ્રશ્ન તો છે જ. સંભવ છે કે આ રીતે વચગાળાના સ્થાને પહોંચ્યા પછી વ્યક્તિએ જાતે આગળનો પ્રવાસ કરવો પડે. આ પ્રવાસમાં પણ જે તે સ્થાને સ્થાપિત થયેલા બધા જ સમીકરણો છોડવા પડે. અહીં પણ ત્યાગની ભૂમિકા મહત્ત્વની બની રહે.

ગીતાના મત અનુસાર, કામના માટે, ઈચ્છા અને અપેક્ષા સહિત કરવામાં આવતા કર્મોનો ત્યાગ ‘સંન્યાસ’ કહે છે અને સર્વ કર્મફળના ત્યાગને ‘ત્યાગ’ કહે છે. ત્યાગ એટલે સંપૂર્ણતામાં સ્થાપિત થતી શારીરિક, માનસિક, આધ્યાત્મિક, ભાવાત્મક તેમ જ ધાર્મિક મુક્તિ. અહીં કર્મ પણ ન રહે અને તેનું ફળ પણ ન રહે. અહીં નિવૃત્તિની અપેક્ષા ન હોય કે ન હોય અપેક્ષા પ્રવૃત્તિની. અહીં બંધન અને મોક્ષ, બંનેને સમતાથી સ્વીકારવામાં આવે. અહીં મુક્તિની પણ અભિલાષા ન હોય. અહીં દરેક પ્રકારની આશક્તિ નાશ પામે.

ગીતા મુજબ ત્યાગ એ કાર્યોના ફળનો ત્યાગ છે, કાર્યનો નહીં. એનો અર્થ એ નથી કે આપણે કર્મ કરવાનું છોડી દઈએ, પણ કે કર્મ ઘટીત થતું હોય ત્યારે મનમાં ફળની ઈચ્છા ન હોવી જોઈએ. ત્યાગને કારણે કોઈપણ પ્રકારનાં સમીકરણ બાકી ન રહે. જ્યાં સમીકરણ જ બાકી ન હોય ત્યાં તેને આધારિત કોઈ ઘટના જ અસ્તિત્વમાં ન આવે. જ્યાં પ્રત્યેક પ્રકારની સંભવિત ઘટનાનો છેદ ઊડી જાય ત્યાં પરમપદની શરૂઆત થાય.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button