એકસ્ટ્રા અફેર : અમેરિકાને ભારતને જ્ઞાન આપવાનો કોઈ અધિકાર નથી

- ભરત ભારદ્વાજ
અમેરિકાએ ભારતને ડરાવવા માટે ભારતની નિકાસ પર 50 ટકા ટૅરિફ લાદી તો દીધો પણ ભારત તેનાથી ડર્યું નથી તેથી ટ્રમ્પ આણિ મંડળી ધૂંઆપૂંઆ હતી જ ત્યાં ભારત અને ચીન આર્થિક સહકાર વધારવા અંદરખાને મસલતો કરી રહ્યાં હોવાની વાત બહાર આવતાં તેમનો ધૂંધવાટ વધ્યો છે. આ ધૂંધવાટમાં ટ્રમ્પ અને તેના સાથીઓ લવરીએ ચડી ગયા છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ માટે ભારત પર દોષનો ટોપલો ઢોળીને આક્ષેપ કર્યો છે કે, ભારત દુનિયામાં સૌથી આક્રમક દેશો સાથે હાથ મિલાવીને દુનિયાની શાંતિને જોખમમાં મૂકી રહ્યું છે.
વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નાવારોએ જ્ઞાન પીરસ્યું છે કે, રશિયા સાથે ક્રૂડની ખરીદીના મુદ્દે ભારત એકદમ તોછડાઈથી અને અહંકારથી વર્તી રહ્યુું છે કેમ કે ભારત એવું કહે છે કે, અમારે જેની પાસેથી ક્રૂડ ખરીદવું હોય તેની પાસેથી ખરીદવા માટે અમે મુક્ત છીએ. નાવારોએ ભારત-ચીનની વધતી નિકટતા સામે વાંધો લઈને લોકશાહીની દુહાઈ આપીને ડહાપણ ડહોળ્યું છે કે, અક્સાઇ ચીન સહિતના ભારતના પ્રદેશો પર આક્રમણ કરનારા ચીન સાથે હાથ મિલાવી રહ્યું છે. નાવારોના કહેવા પ્રમાણે, ભારતની હરકતોના કારણે અમેરિકામાં દરેક વ્યક્તિને ફટકો પડી રહ્યો છે. ગ્રાહકો, ધંધા-વેપાર, કામદારો બધાં જ નુકસાન ભોગવી રહ્યાં છે. ભારતના ઊંચા ટૅરિફથી અમેરિકામાં નોકરીઓ જઈ રહી છે, કારખાનાં બંધ થઈ રહ્યાં છે અને લોકોની આવક પણ બંધ થઈ રહી છે.
નાવારોએ એવું પણ કહ્યું છે કે, રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને ભારત રશિયાને આર્થિક રીતે ટકાવી રહ્યું છે તેથી રશિયા-યુક્રેન માટે ખરેખર તો ભારત જવાબદાર છે. નાવારોએ રશિયા-યુક્રેનના યુદ્ધને પુતિનના જંગના બદલે મોદીઝ વોર એટલે કે મોદીનો જંગ ગણાવ્યો છે. ટ્રમ્પ પણ પહેલાં આ જ્ઞાન પિરસી ચૂક્યા છે તેથી આ વાતમાં નવું કશું નથી પણ નાવારોએ જે ભાષા વાપરી છે એ અત્યંત ગંદી અને અપમાનજનક છે. નાવારોએ એકદમ ગંદા શબ્દ વાપરીને કહ્યું છે કે, ભારત ચીનનું `હમબિસ્તર’ બની રહ્યું છે, ચીન સાથે સૂઈ રહ્યું છે.
નાવારોની સાવ હલકી કક્ષાની વાતોથી સાબિત થાય છે કે, ભારતે મચક નથી આપી તેથી અમેરિકાના શાસકો માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે અને નીચલી પાયરીએ ઊતરી આવ્યા છે. સાથે સાથે એ પણ સાબિત થાય છે કે, ચીનથી અમેરિકાની એ હદે ફાટે છે કે ચીનને કશું કરવાની વાત તો છોડો પણ તેની સામે બોલવાની પણ તેની હિંમત નથી ચાલતી.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અમેરિકા સહિતના દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા છે પણ અડધી દુનિયા અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી કરીને રશિયા સાથે વેપાર કરે છે. રશિયાનો સૌથી મોટો વેપાર ક્રૂડ ઓઈલનો છે. ભારત અમેરિકાના બદલે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદે છે એ સાચું પણ ભારતના જોરે જ રશિયાનો વ્યાપાર ચાલતો નથી. રશિયા સાથે ચીન, બ્રાઝિલ, સાઉદી અરેબિયા સહિતના દેશો ભારત કરતાં વધારે વ્યાપાર કરે છે. ચીન તો રશિયાનો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે અને ભારત કરતાં વધારે નાણાં તો ચીનથી રશિયા જાય છે પણ અમેરિકાની તાકાત જ નથી કે ચીનને કશું કહી શકે. ટ્રમ્પે ચીનને દબાવવા માટે 150 ટકા ટૅરિફ લાદવાનો ડ્રામા કરેલો પણ સામે જિનપિંગે અમેરિકા માટે જરૂરી રેર મિનરલ્સ સહિતની ચીજો અમેરિકા મોકલવી બંધ કરી દેતાં ટ્રમ્પ કાકાની ફેં ફાટીને હાથમાં આવી ગઈ પછી ચીનનું નામ લેવાનું જ બંધ કરી દીધું છે.
ચીન સામે કશું ના ચાલ્યું એટલે ટ્રમ્પ ભારતને દબાવવા નીકળ્યા છે પણ ભારત પણ ચીનના રસ્તે જઈ રહ્યું છે. ભારતનું વલણ એકદમ યોગ્ય છે કેમ કે ભારતને પોતાનાં હિતો સાચવવાનો પૂરો અધિકાર છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખરીદે છે કેમ કે ભારતને રશિયન ક્રૂડ સસ્તું પડે છે. અમેરિકામાં ત્રેવડ હોય તો રશિયા કરતાં સસ્તું ક્રૂડ આપીને બતાવે, ભારત અબઘડી રશિયાને બાજુ પર મૂકીને અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવા માંડશે. ટ્રમ્પ કે તેના ટટ્ટુઓ એ વાત કરતા નથી ને બીજો બકવાસ કર્યા કરે છે. અમેરિકા પાસે તોતિંગ ક્રૂડ ભંડારો છે જ. તેનો ઉપયોગ ટ્રમ્પ ભારતને રશિયાથી દૂર કરવા માટે કરી શકે પણ અમેરિકાને દરેક ચીજનો વેપલો કરવામાં જ રસ છે.
આ જ વાત ભારત દ્વારા અમેરિકાના માલ પર લદાતી ટૅરિફને લાગુ પડે છે. ભારતને વિદેશથી કઈ વસ્તુને ભારતમાં આવવા દેવી ને કઈ વસ્તુ ના આવવા દેવી એ નક્કી કરવાનો પૂરો અધિકાર છે ને કઈ ચીજ પર કેટલો કર વસૂલવો એ નક્કી કરવાનો પણ અધિકાર છે. ભારત એ અધિકારનો ઉપયોગ કરીને અમેરિકાનાં કૃષિ કે ડેરી ઉત્પાદનોને ભારતમાં ના ઘૂસવા દે તો એ ભારતનો અધિકાર છે. ભારતનું બજાર કંઈ ટ્રમ્પના બાપનો બગીચો થોડો છે કે નરેન્દ્ર મોદી સરકાર અમેરિકાની કંપનીઓ માટે બધું ખુલ્લું કરી દે?
નાવારોએ ભારતનું ચીનનું હમબિસ્તર ગણાવતાં પહેલાં અમેરિકા કોનું કોનું હમબિસ્તર છે તેની વાત કરવી જોઈએ. આખી દુનિયામાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાન સાથે હમણાં અમેરિકાનું સેક્નડ હનીમૂન શરૂ થયું છે. ભારત તો પોતાનાં આર્થિક હિતો સાચવવા માટે ચીન તરફ ઢળી રહ્યું છે જ્યારે અમેરિકાની તો કોઈ મજબૂરી જ નથી છતાં અમેરિકા શું કરવા પાકિસ્તાનને થાબડભાણાં કરી રહ્યું છે ? અમેરિકા શું કરવા પાકિસ્તાનનું હમબિસ્તર બની રહ્યું છે ? અમેરિકાએ બાંગ્લાદેશમાં ભારતતરફી શેખ હસીનાને ઉથલાવીને પોતાની કઠપૂતળી જેવા મહુમ્મદ યુનુસને બેસાડી દીધા છે. યુનુસ લોકશાહીવાદી છે ? જરાય નહીં. આર્મીની મદદથી શાસન ચલાવતા યુનુસ બાંગ્લાદેશમાં ચૂંટણી કરાવવાની માગ કરનારાંને કચડી રહ્યા છે ત્યારે અમેરિકાને લોકશાહી યાદ નથી આવતી ? દુનિયાભરમાં સરમુખત્યારોને અમેરિકાની કંપનીઓ શસ્ત્રો વેચે છે ને ધૂમ કમાણી કરે છે. અમેરિકાને એ વખતે લોકશાહી યાદ નથી આવતી ?
અમેરિકા દુનિયાનો સૌથી દંભી અને સ્વાર્થી દેશ છે. અમેરિકાને પોતાનાં હિતો સાચવવા સિવાય કશામાં રસ નથી. અત્યાર સુધી અમેરિકા ભારતમાં ધાર્યું કરાવીને કમાણી કરતું તેથી ચાલ્યા કરતું પણ હવે ભારતે સામે શિંગડાં ભેરવ્યાં એટલે તેને ભારતના અવગુણો દેખાવા માંડ્યા છે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: અમેરિકા સાથે ચર્ચા ચાલુ હોય તો ડેલિગેશન કેમ ના આવ્યું?