આજથી ભારત પર યુએસનો 50 ટકા ટેરિફ લાગુ થશે, આ ક્ષેત્રોને થશે માઠી અસર

મુંબઈ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગવેલો 25 ટેરીફ 7 ઓગસ્ટથી લાગુ થઇ ચુક્યો છે. રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા બદલ ભારત પર લાગાવેલો વધારાનો 25% ટેરિફ આજે 27 ઓગસ્ટથી લાગુ થવાનો છે. આજથી યુએસમાં આયાત થતી ભારતીય પેદાશો પર કુલ 50 ટકા ટેરીફ લાગુ થશે. ભારતે આ ટેરીફને અન્યાયી અને ગેરવાજબી ગણાવ્યો છે. ટેરીફ લાગુ થવાથી ભારતના ઘણા ક્ષેત્રો પર માઠી અસર પડી શકે છે અને હજારો લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ સોમવારે એક ડ્રાફ્ટ નોટિસ જાહેર કરી હતી જેમાં ભારતના ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ કેવી રીતે લાગુ કરવો એની રૂપરેખા રજુ આવી હતી.
આ ટેરીફ લાગુ થવાથી ભરતીય નિકાસકારોને મોટું નુકશાન થઇ શકે છે. એક અહેવાલ અનુસાર ભારતની અમેરિકામાં નિકાસ નાણાકીય વર્ષ 2025માં $87 બિલિયન હતી, જે નાણાકીય વર્ષ 2026માં $49.6 બિલિયન થઈ શકે છે.
આ ક્ષેત્રોને થશે અસર:
ભારત યુએસમાં કાપડ, જેમ્સ એન્ડ જવેલરી, ઝીંગા, કાર્પેટ અને ફર્નિચર, મશીનરી, અમુક ધાતુઓ, કાર્બનિક રસાયણો, કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો, ચામડું અને ફૂટવેર, હસ્તકલા જેવી વસ્તુઓનો નિકાસ વધુ કરે છે, ભારતના આ ક્ષેત્રોને ટેરીફની વધુ અસર થશે.
આ ક્ષેત્રમાં ભારતના હરીફો વિયેતનામ, બાંગ્લાદેશ, કંબોડિયા અને પાકિસ્તાન ફાયદો થઈ શકે છે, કેમ કે આ દેશો પર ટ્રમ્પ વહીવટીતંત્રે ઓછો ટેરિફ લાદ્યો છે. ભારતના નિકાસકારો ચીન, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વના દેશો સાથે વેપાર વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ ક્ષેત્રોને રાહત:
યુએસમાં આયાત થતી મોટાભાગની ભારતીય પેદાશો પર ટેરિફની અસર થશે. શિપમેન્ટ, માનવતાવાદી સહાય અને પારસ્પરિક વેપાર કાર્યક્રમો હેઠળની વસ્તુઓનો ટેરીફમાંથી રાહત આપવામાં આવી છે. ભારતના ફાર્મા સેક્ટર, ઇલેક્ટ્રોનિક્સ ડીવાઈસ, લોખંડ અને સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબાની પેદાશો, પેસેન્જર વાહનો, લાઈટ ટ્રક અને ઓટો પાર્ટ્સને પણ છૂટ આપવામાં આવી છે.