ગુડ ગવર્નન્સ તરફ કેન્દ્ર સરકારનું નવું પગલુ, ગુનેગાર નેતાઓની રાજકારણમાંથી થશે વિદાય? | મુંબઈ સમાચાર
Top News

ગુડ ગવર્નન્સ તરફ કેન્દ્ર સરકારનું નવું પગલુ, ગુનેગાર નેતાઓની રાજકારણમાંથી થશે વિદાય?

નવી દિલ્હી: ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે, કેન્દ્ર સરકાર નેતાઓની જવાબદારી વધારવા માટે નવા કાયદાઓ લોકસભામાં રજૂ કરવા જઈ રહી છે. આ બિલ પસાર કરવાનો મુખ્ય હેતુ એ છે કે જો પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્ય પ્રધાનઓ કે અન્ય મંત્રીઓને ગંભીર અપરાધના કેસમાં ધરપકડ કરવામાં આવે અથવા તેને હિરાસતમા રાખવામાં આવે તો તેઓને તેમના પદ પરથી હટાવી શકાય. વાસ્તવમાં વર્તમાન સમયમાં કાયદાઓમાં આવી કોઈ જોગવાઈ નથી, જેના કારણે ઘણી વખત વિવાદો થાય છે અને જનતાનો વિશ્વાસ ઘટે છે. આ પગલુ સુશાસન અને નૈતિકતાને મજબૂત કરવા તરફનું મહત્વ પૂર્ણ પગલુ છે.

બુધવારે 20 ઓગસ્ટના લોકસભામાં કેન્દ્ર સરકાર ત્રણ બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં યુનિયન ટેરિટરી ગવર્નમેન્ટ (સુધારા) વિધેયક 2025, બંધારણ (130મો સુધારો) વિધેયક 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) વિધેયક 2025નો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલવા માટે પ્રસ્તાવ પણ રજૂ કરશે. આ બિલ દ્વારા ગંભીર અપરાધી કેસમાં નેતાઓ પર કડક કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પ્રથમ વિધેયક યુનિયન ટેરિટરી વિધેયક 2025માં 1963ના કાયદાની કલમ 45માં ફેરફાર કરીને મુખ્યમંત્રી કે મંત્રીને ગંભીર કેસમાં ધરપકડ કરવામાં આવે તો તેઓને પદ પરથી હટાવવાની જોગવાઈ કરવામાં આવશે. જ્યારે બીજું, બંધારણના 130મા સુધારા વિધેયકમાં અનુચ્છેદ 75, 164 અને 139 એએમાં ફેરફાર કરીને વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ તથા રાજ્યો અને દિલ્હીના મુખ્યમંત્રી-મંત્રીઓને હટાવવાના પ્રાવધાનો ઉમેરવામાં આવશે. ત્રીજું વિધેયક જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયકમાં 2019ના કાયદાની કલમ 54માં નવી સબકલમ 4A ઉમેરીને સમાન જોગવાઈ કરવામાં આવશે.

આ બિલમાં પ્રસ્તાવિત છે કે જો કોઈ મંત્રી, વડાપ્રધાન કે મુખ્યમંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સજાના અપરાધમાં સતત 30 દિવસ હિરાસતમાં રાખવામાં આવે તો 31મા દિવસે તેના પદ પરથી હટાવી દેવામાં આવશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રીની સલાહ પર લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે, અને જો કોઈ પગલુ ન લેવાય તો આપોઆપ પદમુક્તિ થઈ જશે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી નેતાઓની જવાબદારી વધે.

આ વિધેયકોના હેતુમાં બંધારણીય નૈતિકતાનું રક્ષણ અને જનતાના વિશ્વાસને જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નિર્વાચિત નેતાઓ જનતાની આશાઓનું પ્રતીક હોય છે, પરંતુ વર્તમાનમાં ગંભીર કેસમાં ધરપકડ થયા પછી પણ તેઓ પદ પર રહે તો તે સુશાસનને અસર કરે છે. આ પગલાથી મંત્રીઓના વર્તન અને ચરિત્રને વધુ પારદર્શી અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે, જેથી લોકશાહી મજબૂત થશે.

આ પણ વાંચો…કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પરિવહન ક્ષેત્રના બે મહત્વ પૂર્ણ પ્રોજેક્ટને મળી મંજૂરી, જાણો ખાસીયત…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button