જમ્મુમાં રેકોર્ડ બ્રેક વરસાદ, બે દિવસમાં 41 લોકોના મોત | મુંબઈ સમાચાર
Top News

જમ્મુમાં રેકોર્ડ બ્રેક વરસાદ, બે દિવસમાં 41 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદથી રાજ્યમાં વ્યાપક નુકસાન અને તબાહીના દ્રશ્યો સર્જાયા છે. આ વરસાદે 115 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, અને અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પહાડી પથ્થર ધસી પડ્યા છે, પુલ તૂટી ગયા છે તથા આખા ગામો પાણીમાં ડૂબી ગયા છે. આ કુદરતી આફતે જન જીવન અસ્તવ્સત કરી નાખ્યું છે.

જમ્મુમાં મહેર ગણાતા વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. અહેવાલો પ્રમાણે છેલ્લા બે દિવસમાં 41 લોકોના મોત થયા છે. માતા વૈષ્ણો દેવીના યાત્રા માર્ગ પર થયેલા લેન્ડસ્લાઇડમાં મૃત્યુઆંક 34 સુધી પહોંચી ગયો છે, જ્યારે 23થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા છે. આ ઘટના મંગળવારે બપોરે અર્ધકુંવારી પાસે બની હતી, જ્યાં અચાનક પહાડી પથ્થરો ઘસી પડતા યાત્રિકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

સુરક્ષા દળો ઘટના પછીથી તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ હતી. જમ્મુમાં વૈષ્ણો દેવી યાત્રા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે, અને આર્મી તથા સીઆરપીએફના જવાનો સતત કામ કરી રહ્યા છે. ઝેલમ, ચિનાબ અને તવી નદીઓનું જળસ્તર ધરખમ વધારો થવાથી દક્ષિણ કાશ્મીરમાં ફ્લડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જમ્મુ શહેર, સાંબા, અખનૂર, કઠુઆ અને ઉધમપુર જેવા વિસ્તારો ખરાબ રીતે અસરગ્રસ્ત છે.

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મૃતકોના પરિવારને 6 લાખ રૂપિયા, ગંભીર ઘાયલોને 1 લાખ અને હળવા ઘાયલોને 50 હજાર રૂપિયાની વળતરની જાહેરાત કરી છે. રાહત એજન્સીઓએ અત્યાર સુધી 3500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે, અને જિલ્લામાં રિલીફ કેમ્પ તથા બચાવ શિવિરો શરૂ કરવામાં આવ્યા છે. આજે પણ ભારે વરસાદનું અલર્ટ છે, તેથી લોકોને બિનજરૂરી બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં ક્લાઉડબર્સ્ટ અને લેન્ડસ્લાઇડ જેવી ઘટનાઓથી અનેક જીવનો ગુમાવ્યા છે, અને તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે. આ તબાહીથી મકાનો, દુકાનો અને ખેતરોને નુકસાન પહોંચ્યું છે, અને લોકોને આ આફતમાંથી બહાર કાઢવા માટે સતત પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો..કાશ્મીરમાં વરસાદે બાવન વર્ષનો તોડ્યો રેકોર્ડ: વૈષ્ણવ દેવી યાત્રા માર્ગ દુર્ઘટનામાં મરણાંક વધ્યો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button