
જયપુરઃ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આજે એક મોટો રોડ અકસ્માત સર્જાયો. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. વોર મ્યુઝિયમ પાસે બસ પહોંચી ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારપછી બસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ બૂમાબૂમ કરીને બસમાં કૂદી ગયા હતા, જેમાં બાર લોકોનાં મોત થયા છે.
જોધપુર જઈ રહેલી ખાનગી બસમાં 57 પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા, જેમાં આગને કારણે 12 પ્રવાસીનાં મોત થયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત પ્રવાસીને જવાહિર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન મુખ્ય પ્રધાન ભજનસાલ શર્માએ બસ અકસ્માત મુદ્દે દુખ વ્યક્ત કર્યું હતું તથા ઘાયલ પ્રવાસીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.
જેસલમેરથી જોધપુર જતા બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે આગ પછી પ્રવાસીઓ બસમાંથી બહાર કૂદી પડ્યા હતા, જ્યારે અમુક લોકો બસમાં રહી જવાને કારણે આગની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કર્યા પછી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યા પછી એમ્બ્યુલન્સની મદદથી પીડિતોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જવાહિર હોસ્પિટલમાં આશરે 17 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં 12 લોકોનાં મોત થયા છે, જ્યારે બાકી પ્રવાસીની સારવાર ચાલી રહી છે, એમ ડોક્ટરે જણાવ્યું હતું.
આપણ વાંચો: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીના પુત્રને 1.2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ…
અકસ્માત મુદ્દે એડિશનલ જિલ્લા ક્લેક્ટરે કહ્યું હતું કે ઘટનાસ્થળે એડિશનલ ફોર્સ સાથે પહોંચ્યા હતા, ત્યારબાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની સંભાવના છે, પરંતુ આ મુદ્દે વિસ્તૃત તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યની મોટી દુર્ઘટનાને કારણે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા એક કંટ્રોલ રુમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં લોકોને જાણકારી આપી શકાય. પ્રાથમિક સારવાર પછી અમુક પ્રવાસીને જોધપુર રેફર કરવામાં આવ્યા હતા, પરંતુ અમુક લોકોએ રસ્તામાં દમ તોડી દીધો હતો.