
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST (ગુડ્સ સર્વિસ ટેક્સ)માં નવો સુધારો કરવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતને લઈને કેન્દ્ર સરકારે GSTના સ્લેબમાં ઘટાડાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
હવે GSTના સ્લેબના આ ઘટાડાને આજે GST કાઉન્સિલના રાજ્ય મંત્રી સમૂહે (GoM) મંજૂરી આપી છે. રાજ્યના મંત્રી સમૂહે મંજૂરી આપવાને કારણે જીએસટીમાં થનારા ફેરફારથી આમ જનતાને ફાયદો થશે.
આપણ વાંચો: ખુશખબરઃ મોંઘવારીમાં ઘટાડાનો તખતો તૈયાર, 90 ટકા વસ્તુ પર GST 10 ટકા ઘટશે…
GoMના સંયોજક સમ્રાટ ચૌધરીએ આપી માહિતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ કેન્દ્ર સરકારે GSTના ચાર સ્લેબ પૈકી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ હટાવીને માત્ર GSTના 5 ટકા અને 18 ટકાના સ્લેબને યથાવત રાખવાનો પ્રસ્તાવ GST કાઉન્સિલ સમક્ષ મૂક્યો હતો. કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવનો આજે GST કાઉન્સિલના મંત્રી સમૂહે સ્વીકાર કર્યો છે. રાજ્ય મંત્રી સમૂહના સંયોજક અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી.
સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે, “GST દરોને તર્કસંગત બનાવવા માટે મંત્રી સમૂહે કેન્દ્રના બંને પ્રસ્તાવોનો સ્વીકાર કરી લીઘો છે.” આ સિવાય ઉત્તર પ્રદેશના નાણા પ્રધાને જણાવ્યું કે, “કેન્દ્રના પ્રસ્તાવમાં લક્ઝરી વસ્તુઓ પર 40 ટકા કર લગાવવાની વાત પણ કરવામાં આવી છે.”
આપણ વાંચો: જુલાઈમાં ગુજરાતની GST આવકમાં 15 ટકા વધી, 10,381 કરોડની રેકોર્ડ આવક
કેન્દ્ર અને રાજ્યને થનારા નુકસાનનો ઉલ્લેખ નહીં
મંત્રી સમૂહના સભ્ય અને પશ્ચિમ બંગાળના નાણા પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, કેન્દ્રના પ્રસ્તાવમાં નવા GST સ્લેબ લાગુ થયા બાદ કેન્દ્ર અને રાજ્યને થનારા મહેસૂલના નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અમારા રાજ્યએ લક્ઝરી કાર પર 40 ટકા GST દર ઉપરાંત કર લગાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
GST કાઉન્સિલ કરે છે રાજ્ય મંત્રી સમૂહની રચના
ઉલ્લેખનીય છે કે, રાજ્ય મંત્રી સમૂહની રચના GST કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. જેમાં જુદા જુદા રાજ્યના કેબિનેટ પ્રધાનોનો સમાવેશ સમાવેશ થાય છે. વર્તમાન રાજ્ય મંત્રી સમૂહમાં બિહારના નાણા પ્રધાન સમ્રાટ ચૌધરી, ઉત્તર પ્રદેશના નાણા પ્રધાન સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના સ્વાસ્થ્ય પ્રધાન ગજેન્દ્ર સિંહ, પશ્ચિમ બંગાળના નાણા પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કર્ણાટકના મહેસૂલ પ્રધાન કૃષ્ણ બાયરે અને કેરળના નાણા પ્રધાન કે. એન. બાલગોપાલનો સમાવેશ થાય છે.