Top Newsસુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડ મામલે 4 સામે FIR: જિલ્લા કલેક્ટરની થઈ બદલી

સુરેન્દ્રનગર: ભ્રષ્ટાચાર વિરોધી ઝૂંબેશને લઈને રાજ્યમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન એનએ (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા (એસીબી) હેઠળ ગુનો નોંધ્યો હતો.

દરોડામાં મળી 60 લાખથી વધુની રકમ

23 ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન 67.50 લાખ રોકડ સહિત પૈસાની લેતીદેતીના વ્યવહારો, દસ્તાવેજો તેમજ મોબાઈલમાં આ અંગેના ડેટા મળી આવ્યા હતા. જેને જપ્ત કરીને કલેક્ટર સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને આજે વહેલી સવારે સ્પેશિયલ ઈડીની કોર્ટના જજના નિવાસસ્થાને રજૂ કરવા આવ્યા હતા. જો કે આરોપી ચંદ્રસિંહ મોરીના વકીલ ન હોવાથી તેના તરફથી લીગલ એઇડમાંથી વકીલની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને કોર્ટે લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરવા જણાવ્યું હતું.

ત્યાર બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ઈડીના સ્પેશિયલ વકીલ રાજેશ કાનાનીએ એવી રજૂઆત કરી હતી કે, એમની પાસેથી રોકડ રકમ મળી છે. તેમજ જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. તેમજ મોબાઈલમાંથી પણ પૈસાની લેતીદેતીના હિસાબો સહિતની વગેરે વિગતો પ્રાપ્ત થઈ છે. તેની તપાસ કરવા આરોપી ચંદ્રસિંહ મોરીને 14 દિવસના રિમાન્ડ પર સોંપવાની રજૂઆત કરી હતી. ત્યાર બાદ કોર્ટે આરોપીને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

ડૉ. રાજેન્દ્ર પટેલની થઈ બદલી

સુરેન્દ્રનગરમાં આચરવામાં આવેલા મોટા કૌભાંડના મામલે કાર્યવાહીના ભાગરૂપે સુરેન્દ્રનગર કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી છે. રાજેન્દ્ર પટેલની સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગરના ડીડીઓ કે. એસ. યાજ્ઞિકને સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આપણ વાંચો:  ડ્રાફ્ટ મદતાર યાદીમાં કેટલા લોકોએ વાંધા અરજીઓ કરી? હજી કેટલા દિવસ બાકી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button