વડાપ્રધાન મોદીના બાળપણથી પ્રેરિત ફિલ્મ હવે શાળાઓમાં બતાવવામાં આવશે | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

વડાપ્રધાન મોદીના બાળપણથી પ્રેરિત ફિલ્મ હવે શાળાઓમાં બતાવવામાં આવશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની ઘટનાઓથી પ્રેરિત “ચલો જીતે હૈ” ફિલ્મ (Chalo Jeete hain film) વર્ષ 2018માં રિલીઝ થઇ હતી, આ ફિલ્મ ફરી ચર્ચામાં છે. ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આ ફિલ્મનું વિવિધ જગ્યાએ સ્ક્રિનિંગ કરવાની જાહેરાત કરી કરી છે. એવામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ ફિલ્મ શાળાના બાળકોને બતાવવા માટે નિર્દેશો જાહેર કર્યા છે.

એક અહેવાલ મુજબ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE), કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS) ને વિનંતી કરી છે કે તેઓ સંલગ્ન શાળાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની ઘટનાઓથી પ્રેરિત ફિલ્મ “ચલો જીતે હૈ” સ્ક્રિન કરવા માટે નિર્દેશો જાહેર કર્યા છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ ફિલ્મ વિદ્યાર્થીઓને ચરિત્ર, સેવા અને જવાબદારી જેવા વિષયો પર ચિંતન કરવામાં પ્રેરણા આપશે.

શિક્ષણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી અર્ચના શર્મા અવસ્થીએ CBSE, KVS અને NVS ના અધિકારીઓને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતના વડનગરની સ્થાનિક શાળામાં મંત્રાલય દ્વારા આ ફિલ્મ નિયમિતપણે સ્ક્રિન કરવામાં આવે છે. ફિલ્મ જોનારા પર તેની ઊંડી છાપ પડી છે.

શિક્ષણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીનો આ પત્ર CBSE અને NVS એ કોઈપણ સુધારા વગર તેની સંલગ્ન શાળાઓને મોકલી દીધો, જ્યારે KVS એ કેટલાક નિર્દેશો ઉમેરીને તેની સંલગ્ન શાળાઓને મોકલ્યો છે.

ફિલ્મને મળ્યો હતો નેશનલ એવોર્ડ:

“ચલો જીતે હૈ” ફિલ્મનું દિગ્દર્શન મંગેશ હડાવલે દ્વારા કરવામાં આવ્યું છે, આ ફિલ્મ 32 મિનિટ લાંબી છે. આ ફિલ્મને 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કૌટુંબિક મૂલ્યો પર શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ફિલ્મમાં નરુની વાર્તા પ્રસ્તુત કરવામાં આવી છે, જે સ્વામી વિવેકાનંદના વિચારોથી ખૂબ પ્રભાવિત થઈને, તેનો અર્થ સમજવાનો પ્રયાસ કરે છે અને પોતાની રીતે દુનિયામાં બદલાવ લાવવાનો પ્રયાસ કરે છે.

૨૦૧૮ માં રિલીઝ થયેલી, ૩૨ મિનિટની આ ફિલ્મને ૨૦૧૯ માં ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કૌટુંબિક મૂલ્યો પર શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો:  75માં જન્મદિવસે સોશિયલ મીડિયા પર વધી PM મોદીની લોકપ્રિયતા: જાણો સોશિયલ મીડિયા પર કેટલા છે ફોલોઅર્સ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button