પાડાના વાંકેઃ રેલ કર્મચારીના આંદોલનને કારણે લોકલ ટ્રેન સેવા અટકી, પ્રવાસીઓ રઝળ્યાં

મુમ્બ્રા ટ્રેન દુર્ઘટનાના પગલે રેલવે પોલીસ કાર્યવાહીનો વિરોધ: CSMT, મસ્જિદ અને ઘાટકોપર સ્ટેશનો પર ગંભીર અસર, ટ્રેનોની સ્થિતિ જાણો.
મુંબઈઃ મધ્ય રેલવેના મુમ્બ્રા રેલવે સ્ટેશન ખાતે પાંચ જણનો જીવ લેનારી ટ્રેન ટ્રેજડીનો રેલ કર્મચારીઓ પર પહોંચવાને કારણે આજે એની વિરોધમાં રેલવે કર્મચારીઓએ આક્રમક રસ્તો અપનાવ્યો હતો. રેલવે પોલીસે રેલ કર્મચારીઓ પર નિશાન સાધવાને કારણે તેની વિરુદ્ધમાં રેલવે કર્મચારીઓએ આંદોલનને કરીને ટ્રેનસેવાને અટકાવી હતી. જીઆરપી દ્વારા રેલવે કર્મચારીઓની સામે ગુનો નોંધવાની સામે સીએસએમટી સ્ટેશન ખાતે અનેક રેલ કર્મચારીઓએ આંદોલન કરવાને કારણે ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી.
મસ્જિદ સ્ટેશને પ્રવાસી પડ્યાં?
સીએસએમટીથી ડાઉન લોકલ ટ્રેનની સર્વિસ લગભગ અડધોથી પોણો કલાક રોકી દેવાને કારણે હજારો પ્રવાસીઓ સ્ટેશન પર રખડી પડ્યા હતા, જ્યારે મસ્જિદથી લઈને થાણે-કલ્યાણ સુધી ટ્રેનસેવા પર અસર પડી હતી. પ્રાથમિક માહિતી અનુસાર 5.50 વાગ્યાના સુમારે ટ્રેન રોકી દેવામાં આવી હતી, ત્યાર પછી 40 મિનિટ પછી ટ્રેનસેવા શરુ કરવામાં આવી હતી, પરંતુ પીકઅવર્સને કારણે હજારો પ્રવાસીઓ રખડી પડ્યા હતા. મસ્જિદ રેલવે સ્ટેશન નજીક ચાલતી લોકલ ટ્રેનમાંથી ચાર પ્રવાસી પડ્યા હતા, જેમાંથી ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. એકનું મોત થયું હોવાનું કહેવાય છે.
ઈજાગ્રસ્ત પ્રવાસીઓને જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પીડિત પ્રવાસીઓમાં એક મહિલા સહિત ત્રણ પુરુષનો સમાવેશ થાય છે. ભીડવાળી ટ્રેનમાંથી પ્રવાસીઓ પડ્યા હોવાની સંભાવના છે. ત્રણેય પ્રવાસીની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મસ્જિદ, સેન્ડહર્સ્ટ રોડ, દાદર સહિત ઘાટકોપર સ્ટેશન પર તો પ્રવાસીઓની એટલી બધી ભીડ હતી કે સિનિયર સિટિઝન પ્રવાસીઓને તો આજે પ્રવાસ કરવામાં હાલાકી પડી હતી, એમ પ્રવાસીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુમ્બ્રા ટ્રેન દુર્ઘટના રિપોર્ટ: પ્રવાસીની ‘લટકતી’ બેગ બની 5 મોતનું કારણ, તપાસમાં ખુલાસો
આંદોલન શા માટે કર્યું?
રેલ કર્મચારીઓના આંદોલન અંગે યુનિયન લીડરે કહ્યું હતું કે મુમ્બ્રામાં ટ્રેન અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા હતા. આ કેસમાં રેલવે કર્મચારીઓની બેદરકારી મુદ્દે રેલવે પોલીસે એક્શન લીધા હતા. આ દુર્ઘટનાના ચાર દિવસ પૂર્વે રેલવે ટ્રેક બદલવાનો હતો, પરંતુ તેને વેલ્ડિંગ નહીં કરવાને કારણે અકસ્માત થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અકસ્માત અંગે યુનિયનના નેતાએ કહ્યું હતું કે રેલવે પોલીસે બે એન્જિનિયર સામે કેસ નોંધ્યો હતો તેના વિરોધમાં રેલવે કર્મચારીએ વિરોધ નોંધાવ્યો હતો અને માર્ચ પણ કાઢી હતી, ત્યાર બાદ લોકલ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી, જેમાં મોટરમેનોએ ભાગ લીધો હતો, પરિણામે મેઈન અને હાર્બર લાઈનની ટ્રેનસેવા પર અસર થઈ હતી. આંદોલન કરનારાએ ડીઆરએમ સાથે વાતચીત કર્યા પછી ટ્રેનસેવા ચાલુ કરી હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો : મુમ્બ્રા ટ્રેન દુર્ઘટનાઃ જાણો છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા પ્રવાસીઓએ અકસ્માતમાં ગુમાવ્યા જીવ?
પ્રવાસીઓના ભોગે તો આંદોલન કરી શકાય નહીં?
આ મુદ્દે રેલવે પ્રવાસી સંગઠને કહ્યું હતું કે આ તો પાડાના વાંકે પખાલેના ડામ જેવો ઘાટ થયો છે. મુમ્બ્રા ટ્રેન અકસ્માત મુદ્દે સંગઠન દ્વારા જે કોઈ વિરોધ કર્યો હોય, પરંતુ પ્રવાસીઓનો શું વાંક. પ્રવાસીઓના ભોગે તો આ પ્રકારે ટ્રેનસેવાને બાનમાં લેવાનો કોઈ અર્થ નથી. મુંબઈમાં સરેરાશ દર ચારથી પાંચ મિનિટે એક લોકલ ટ્રેન દોડે છે, તેમાંય પીકઅવર્સમાં એકસાથે 10-12 ટ્રેન રદ કરવામાં આવે તો હજારો પ્રવાસીઓ રઝળી પડતા હોય છે એનું રેલવે કર્મચારીઓએ ધ્યાન રાખવું જોઈએ, એમ પ્રવાસી સંગઠનના સભ્યએ જણાવ્યું હતું.



