
અમદાવાદ: 2018 થયેલા પાટીદાર આંદોલન દરમિયાન નિકોલ વિસ્તારમાં થયેલા આમરણાંત ઉપવાસ સાથે જોડાયેલા કેસને લઈ પાટીદાર નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ પર પોલીસ સાથે ગેરવર્તન અને જાહેર વ્યવસ્થા ખોરવવાના આરોપો છે. કોર્ટે વારંવાર સમન્સ મોકલવા છતાં હાર્દિકની ગેરહાજરીને ધ્યાને લઈને આ કડક પગલુ ભરવામાં આવ્યું છે.
વાત આખી એમ છે કે, 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને આઠ અન્ય લોકોએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. પરંતુ, ઉપવાસ શરૂ થાય તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ ઘટના દરમિયાન હાર્દિક અને અન્ય આરોપીઓ પર પોલીસ સાથે દુર્વ્યવહાર અને કાયદો ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં હાર્દિક સહિત ગીતા પટેલ, આશિષ પટેલ અને કિરણ પટેલ જેવા વ્યક્તિઓના નામ ફરિયાદમાં સામેલ છે.
કોર્ટમાં ગેરહાજરીનું પરિણામ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલને આ કેસમાં હાજર થવા માટે અનેકવાર સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેણે કોર્ટમાં હાજરી આપી ન હતી. 9 સપ્ટેમ્બરના રોજ પણ તે કોર્ટમાં ગેરહાજર રહ્યો, જેના કારણે કોર્ટે ધરપકડ વોરંટ જારી કરવાનો નિર્ણય લીધો. આ કાર્યવાહીથી હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી પર પણ અસર થઈ શકે છે, કારણ કે તેઓ હાલમાં ભાજપના ધારાસભ્ય તરીકે સક્રિય છે.
પાટીદાર આંદોલનનો ઇતિહાસ
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન 2015માં શરૂ થયું હતું, જેમાં પાટીદાર સમુદાયે obc અનામતની માંગણી કરી હતી. આ આંદોલન દરમિયાન અનેક હિંસક ઘટનાઓ બની, જેમાં ઘણા લોકો ઘાયલ થયા અને કેટલાકનાં મોત થયા હતા. હાર્દિક પટેલ આ આંદોલનના મુખ્ય નેતા તરીકે બહાર આવ્યા હતા. આ આંદોલન બાદ હાર્દિક પટેલ યુવાઓમાં ખૂબ લોકપ્રિય થયા હતા. ત્યારબાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2022માં ભાજપમાં જોડાઈને વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા.
આપણ વાંચો: સરકારી શાળાઓમાં કલા અને સંગીત ગાયબ? 2 વર્ષમાં એક પણ શિક્ષકની ભરતી નહીં