Top Newsઇન્ટરનેશનલ

ગ્રીસમાં ચિઓસ ટાપુ પાસે કોસ્ટ ગાર્ડ અને સ્પીડબોટ વચ્ચે ટક્કર, 14ના મોત…

ગ્રીસના પૂર્વી એજિયન સમુદ્રમાં આવેલા ચિઓસ ટાપુ પાસે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મધ્યરાત્રિના સમયે એક હાઈ-સ્પીડ બોટ અને ગ્રીક કોસ્ટ ગાર્ડના પેટ્રોલિંગ જહાજ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતે માનવતાવાદી સંકટની સાથે સાથે દરિયાઈ મુસાફરીમાં રહેલા જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ગ્રીક કોસ્ટ ગાર્ડ દ્વારા મંગળવારે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે 24 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અથડામણમાં બે કોસ્ટ ગાર્ડ અધિકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. બોટમાં કુલ કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી, આ ઘટનામાં મોતની સંખ્યનો આંકડો વધાવની ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિક મીડિયાના ફૂટેજમાં જોવા મળ્યું છે કે બચાવકર્મીઓ ધાબળામાં લપેટાયેલા લોકોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી રહ્યા છે, જેમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં ચાર પેટ્રોલિંગ જહાજો, એક હેલિકોપ્ટર અને ડાઇવર્સની ટીમ સતત શોધખોળ કરી રહી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા હજુ સુધી અકસ્માત પાછળનું સચોટ કારણ કે મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ તેજ કરી દેવામાં આવી છે.

ગ્રીસ લાંબા સમયથી એશિયા અને આફ્રિકાના દેશોમાંથી આવતા શરણાર્થીઓ માટે યુરોપિયન યુનિયન (EU) માં પ્રવેશવાનું પ્રવેશદ્વાર રહ્યું છે. ખાસ કરીને યુદ્ધ અને ગરીબીથી પીડાતા લોકો વધુ સારી જિંદગીની શોધમાં આ ખતરનાક દરિયાઈ માર્ગ પસંદ કરે છે. દરિયાઈ મોજાઓની તેજ ગતિ અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે આ માર્ગ પર અવારનવાર જીવલેણ અકસ્માતો થતા રહે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રીસ સહિત યુરોપના અનેક દેશોએ માઈગ્રેશન (સ્થળાંતર) અંગેના કાયદા અત્યંત કડક બનાવ્યા છે. ગેરકાયદેસર પ્રવેશ રોકવા માટે ડિપોર્ટેશનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે અને અટકાયત કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. યુરોપિયન દેશોમાં દક્ષિણપંથી પક્ષોના પ્રભાવને કારણે શરણાર્થીઓ માટે આશ્રય મેળવવો હવે પહેલા કરતા ઘણો મુશ્કેલ બની ગયો છે, છતાં જીવના જોખમે આ મુસાફરી ચાલુ જ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button