મુંબઈ-અમદાવાદ જ નહીં, 7,000 KMમાં દોડાવાશે બુલેટ ટ્રેનઃ જાપાનમાં PM મોદીની જાહેરાત

ટોકિયોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની સંયુક્ત ભાગીદારીના ભાગરુપે દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે. જાપાનની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) ભારત અને જાપાન વચ્ચેની સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના છે. અમારો લક્ષ્યાંક તો ગણતરીના વર્ષોમાં લોકોને સર્વિસ પૂરી પાડવાની યોજના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવાની સાથે દેશના કુલ સાત હજાર કિલોમીટરના વિસ્તારમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું નેટવર્ક નિર્માણ કરવાનો લક્ષ્યાંક છે.
ભારત માટે ઈ-10 સિરીઝની બુલેટ ટ્રેન આપવાની રજૂઆત
બે વર્ષ પછી બંને દેશ વચ્ચે એક સમજૂતીમાં કરાર કરવામાં આવ્યા છે, જે અન્વયે જાપાને આ યોજનામાં 80 ટકા સોફ્ટ લોન આપવાની મંજૂરી આપી છે. જોકે, એના થોડા વર્ષો પછી ધીમે ધીમે પ્રોજેક્ટમાં રફતાર પકડી છે. પહેલા ફેઝમાં 2027 સુધીમાં ગુજરાતમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે 508 કિલોમીટરના કોરિડોરમાં 2028 સુધીમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન 2 કલાક સાત મિનિટમાં અંતર કાપશે. ભારતને શરુઆતમાં ઈ5 સિરીઝની બુલેટ ટ્રેન આપવાની યોજના હતી, પરંતુ પ્રોજેક્ટમાં વિલંબને કારણે ઈ10 સિરીઝની બુલેટ ટ્રેન આપવાની રજૂઆત કરવામાં આવી છે. ઈ-10 સિરીઝની ડિઝાઈન જાપાનના પ્રસિદ્ધ સકુરા (ચેરી બ્લોસમ) ફૂલોથી પ્રેરિત છે અને ભૂકંપપ્રુફ છે. એટલે ભૂકંપ વખતે પણ ટ્રેન ઉથલી પડતી નથી. લેટરલ ડેમ્પર્સ એટલે ઝટકા ઓછા આપે છે, જ્યારે તેની સ્પીડ પણ કલાકના 320 કિલોમીટરની હશે. જોકે, એવું કહેવાય છે ઈ10 સિરીઝની બુલેટ ટ્રેન જાપાનમાં 2030માં ચાલુ થશે, જ્યારે અત્યારે તો હંગામી ધોરણે ઈ5 અને ઈથ્રી ટ્રેનનો ઉપયોગ કરાય છે.

બુલેટ ટ્રેનનો મોટા ભાગનો કોરિડોર મેક ઈન ઈન્ડિયાથી નિર્માણ
જાપાનના અગ્રણી મીડિયા ગૃહને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનનો મોટા ભાગનો કોરિડોર મેક ઈન ઈન્ડિયાના માધ્યમથી તૈયાર કરવામાં આવશે, જેથી આ યોજના વધુ ટકાઉ અને વ્યવહારિક બને. જાપાનની કંપનીઓના સક્રિય ભાગીદારીને પણ આવકારું છું. બુલેટ ટ્રેનની સાથે સાથે ભારત જાપાનની સાથે પોર્ટ, એવિયેશન, શિપિંગ, રોડ અને પરિવહન, રેલવે એન્ડ લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. આ બધા ક્ષેત્રોમાં ભારત અને જાપાનની ભાગીદારીને કારણે બંને દેશોમાં નવી નોકરીનું પણ સર્જન કરી શકાશે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું મહત્ત્વનું ભાગીદાર જાપાન બનશે
રેલવે નેટવર્કની સાથે સાથે અંતરિક્ષમાં સંશોધન ક્ષેત્રે પણ જાપાન ભારતનું સૌથી મોટું સાથીદાર રાષ્ટ્ર બનશે. આ સંદર્ભે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે અંતરિક્ષ યાત્રામાં ભારતીય વૈજ્ઞાનિકોના દૃઢ સંકલ્પ, સખત મહેનતની સિદ્ધિ છે. હવે ઈસરોની સાથે જાપાનની અંતરિક્ષ સંસ્થા સાથે મળીને સ્પેસમાં નવા અધ્યાયનું નિર્માણ કરશે. અંતરિક્ષ સિવાય ભારત અને જાપાનના સંરક્ષણ ક્ષેત્રે પણ વિશેષ સહયોગ કરવામાં આવશે. બંને દેશો હિંદ-પ્રશાંત ક્ષેત્રોમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં સંયુક્ત હિત છે. આજે બંને દેશની ભાગીદારી ત્રણે સેનાઓ સુધી વિસ્તરી છે. આપણે એક મજબૂત સંરક્ષણ સાધનો અને તકનીકી સહયોગ બનાવી રહ્યા છીએ.
આગામી દાયકાઓમાં ભારતમાં 10 ટ્રિલિયનનું રોકાણ કરશે
જાપાન આગામી દાયકાઓમાં ભારતમાં 10 ટ્રિલિયન યેનનું રોકાણ કરશે. આગામી દાયકાઓ માટે જાપાન સાથે લક્ષ્યાંક રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં જાપાની કંપનીઓની સંખ્યા વધીને 1,500 જેટલી થઈ છે, જ્યારે 400થી વધુ ભારતીય કંપનીઓ જાપાનમાં કામ કરી રહી છે. આ તો ફક્ત શરુઆત છે, પરંતુ આનાથી વધુ ભાગીદારી થશે. 21મી સદીમાં જાપાન ભારતના નવીનતા, ઉત્પાદન અને વૈશ્વિક મૂલ્યની શ્રેણીમાં એક મુખ્ય ભાગીદાર તરીકે ઊભરી આવશે.
આ પણ વાંચો…PM મોદીનો જાપાન અને ચીન પ્રવાસ, 15મા શિખર સંમેલન માટે ટોક્યો પહોંચ્યા