
ભુજ: કચ્છને તબાહ કરનારા ભયાનક ધરતીકંપને અઢી દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે. જોકે, કચ્છ ભૂકંપના અતિશય જોખમ ધરાવતા ઝોન-4માં આવતું હોવાથી અહીં સમયાંતરે ભૂકંપના આંચકા આવતા રહે છે. તાજેતરમાં અહીં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ આ ભૂકંપને વૈજ્ઞાનિકોએ ગંભીર ચૈતવણી સમાન ગણાવ્યો છે.
ભૂકંપની નવી ફોલ્ટ લાઇન એક્ટિવ
26 ડિસેમ્બર 2025ને શુક્રવારે સવારે કચ્છમાં આવેલા 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ પણ 30 કલાકના સમયગાળામાં 23 જેટલા ‘આફ્ટરશોક્સ’ અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે કચ્છની ધરતીમાં થયેલી ગંભીર હલચલની વૈજ્ઞાનિકોએ નોંધ લીધી છે. જિઓલોજીસ્ટના મતાનુસાર કચ્છના વિવિધ વિસ્તારોમાં આવેલી અને અત્યાર સુધી શાંત ગણાતી કાથરોલ ટેકરી, ગોરા ડોંગર અને ઉત્તર વાગડ નામની ત્રણ ફોલ્ટ લાઇન એકસાથે એક્ટિવ થઈ ગઈ છે. 2025ની શરૂઆતથી જ આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા વધ્યા છે. વાર્ષિક ડેટા પરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. વર્ષ 2025માં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર મહિનાના અંત સુધી કચ્છમાં ભૂકંપના 13 જેટલા આંચકા અનુભવાયા છે.
ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે
કચ્છ યુનિવર્સિટીના ભૂ-વિજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રૉફેસર ગૌરવ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે પરંપરાગત રીતે સક્રિય રહેતી નગર પારકર અને અલ્લાહ બંધ જેવી લાઇનો સિવાય હવે નોર્થવાગડ ફોલ્ટ પર એક્ટિવિટી વધવી એ ચિંતાનો વિષય છે. જોકે, 1 થી 3ની તીવ્રતાના નાના આંચકા આવવાને કારણે કચ્છ જમીનની અંદર સંગ્રહાયેલી ઊર્જા ધીમે-ધીમે મુક્ત થઈ રહી છે, જે મોટા ભૂકંપની શક્યતાને ઘટાડે છે, પરંતુ અનેક ફોલ્ટ લાઇન્સનું એકસાથે એક્ટિવ થવું એ કુદરતનો સ્પષ્ટ સંકેત છે કે ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે.
ગૌરવ ચૌહાણના અનુમાન અનુસાર ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. આ કટોકટીની સામનો કરવા માટે ભૂકંપશાસ્ત્રીઓ દ્વારા ભૂકંપ પ્રતિરોધક બાંધકામ અને નાગરિકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શિક્ષણ આપવાની ભલામણ કરી છે.
સમગ્ર પશ્ચિમ ભારતમાં આંચકા અનુભવાશે
ઉલ્લેખનીય છે કે, કચ્છ અગાઉથી જ 10 થી વધુ ફોલ્ટ લાઇન પર આવેલું છે. સાઉથ વાગડ ફોલ્ટમાં ભંગાણને કારણે 2001માં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવે જ્યારે તણાવ નવી ફોલ્ટ સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે, જેથી નિષ્ણાતો માને છે કે, જો અહીં મોટો ભૂકંપ આવશે, તો તેનો પ્રભાવ માત્ર કચ્છ પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં તેના આંચકા અનુભવાશે.
આપણ વાંચો: 31 ડિસેમ્બર પહેલા અંજારના વરસામેડી અને આદિપુરમાં પોલીસનો દરોડો, રૂ. 1.71 લાખનો દારૂ જપ્ત!



