ભુજ

ગાંધીધામ અને કુંભારિયામાં બે વ્યક્તિના આપઘાતઃ આદિપુરમાં ગાંજા સાથે એકની ધરપકડ

રાપરમાં 17 વર્ષની કિશોરીનો મૃતદેહ લટકતો મળતા પંથકમાં ચકચાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ ગાંધીધામના આઝાદ નગરમાં રહેતા ઉમર જુસબ લાખા (ઉ.વ. ૪૩)એ તેમ જ સીમાવર્તી રાપરનાં કુંભારિયા ગામના સીમાડામાં લીમડાના વૃક્ષ પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ નીમુ જેસંગ કોળી (ઉ.વ.૧૭)એ કોઈ અજ્ઞાત કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં પંથકમાં ચકચાર પ્રસરી છે.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હતભાગી ઉમર લાખાએ કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર અર્થે તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

બીજો આપઘાતનો કિસ્સો રાપરના કુંભારીયા ગામમાં સામે આવ્યો હતો. જેમાં નીમુ નામની કિશોરી દુકાને જાઉં છું તેમ કહીને ઘરેથી બહાર નીકળી ગઇ હતી. બાદમાં પરત ન આવતાં પરિવારે વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન ગામના નિર્જન સીમાડામાં સ્થિત લીમડાના વૃક્ષ પર દુપટ્ટા વડે ફાંસો ખાધેલી અવસ્થામાં તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો.

આદિપુરમાં માદક પદાર્થ ગાંજા જથ્થા સાથે એક યુવકની ધરપકડ
ગાંધીધામ શહેરના આંબેડકર નગર વિસ્તારમાં એક કરિયાણાની દુકાનમાં માદક પદાર્થનું વેંચાણ કરતા દુકાનદાર પકડાવાની ઘટનાની હજુ શાહી પણ સુકાઈ નથી તેવામાં આદિપુર શહેરના મુંદરા સર્કલ આસપાસ એક ઝૂંપડામાંથી પોલીસે રૂા. ૨,૪૬૦ના ગાંજા સાથે શખ્સને ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, આદિપુરના મુંદરા સર્કલ નજીક આવેલા એક ઝૂંપડામાં માદક પદાર્થનું છૂટક વેંચાણ થતું હોવા અંગે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે અહીં છાપો મારીને રવિ મુન્ના વડેચાની અંગજડતી લેતાં ખિસ્સામાં થી રૂા.૨,૪૬૦નો ૨૪૬.૮૨૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન માદક પદાર્થ ઉપરાંત મોબાઇલ ફોન, રોકડ રૂપિયા મળીને કુલ રૂા. ૧૪,૬૬૦નો મુદ્દામાલ અંકે કરાયો હતો. હાલ રવિ વડેચા ગાંજો ક્યાંથી લાવ્યો હતો એ જાણવા પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી.

ભુજમાં ૧.૦૯ લાખના મરી-મસાલાની ચોરી
ભુજના ભુજિયા ડુંગર પાસે આવેલી જથ્થાબંધ બજારમાં એક દુકાનમાંથી રૂા.૧,૦૯,૩૫૦ની કિંમતના મરી-મસાલાની ચોરી થતાં વેપારી આલમમાં ચકચાર પ્રસરી જવા પામી હતી. આ અંગે પીયૂષગિરિ મદનગિરિ ગોસાઈએ ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જથ્થાબંધ બજારમાં તેમની ‘ચાચાજી ચા ભંડાર’ નામની દુકાનમાં કામ કરતા ભાવેશ બડગાઈ નામના શખ્સે ગત તા. ૧૫-૭-૨૦૨૫થી ૧૫-૧-૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન તેમની નજર ચૂકવીને અલગ-અલગ સમયે કુલ રૂા. ૧,૦૯,૩૫૦ની કિંમતના મરી-મસાલાની ચોરી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button