આપણું FII કોણ કહેવાય?

- ગૌરવ મશરૂવાળા
મારા વાચકો, દર્શકો, કલાયન્ટ્સ ઘણી વખત મને પૂછતા હોય છે કે નિવૃત્તિ માટે રોકાણ ક્યારે શરૂ કરવું જોઈએ? મારો જવાબ હોય છે.
‘તમારી પહેલી આવક આવે એ જ દિવસથી નિવૃત્તિ માટેનું રોકાણ શરૂ કરવું જોઈએ.’
નિવૃત્તિ વખતે આપણને એવા વૃક્ષની જરૂર હોય છે. જે ખંખેરીને આપણે પૈસા મેળવી શકીએ. જેમણે પણ વૃક્ષારોપણ કર્યું છે કે બીજ વાવ્યું છે તેમને ખબર હશે કે વાવેલાં બધાં જ બીજમાંથી છોડ ઊગતો નથી. ઘણાં બીજ ફલિત થઈ શકતાં નથી. જે બીજ ટકી જાય છે તે જ મોટાં વૃક્ષ બની શકે છે. અમુક બીજ થોડા સપ્તાહ બાદ કે થોડા મહિના બાદ નષ્ટ થઈ જાય છે. પ્રતિકૂળ હવામાન નડ્યું હોઈ શકે છે કે પછી પ્રાણીઓ છોડ ખાઈ ગયાં હોઈ શકે છે.
આ જ વાતને આપણે આપણી બચત સાથે પણ સરખાવી શકીએ છીએ. કોઈક કટોકટીને કારણે આપણી બધી જ બચત ધોવાઈ જાય એવું બનતું હોય છે. એ કટોકટી અર્થતંત્રની આર્થિક સ્થિતિઓ, આપણી બીમારી પાછળ થયેલો ખર્ચ, વગેરેના સ્વરૂપે હોઈ શકે છે. ક્યારેક આપણા રોકાણના નિર્ણયો ખોટા પુરવાર થતા હોય છે.
દાખલા તરીકે આપણે એવા સાધનમાં રોકાણ કર્યું હોય જેમાં વળતર મળે જ નહીં. ક્યારેક એવું પણ બને કે આપણે જેમાં રોકાણ કર્યું હોય એ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના મેનેજરે લીધેલા રોકાણના નિર્ણયો ખોટા સાબિત થયા હોય અને એ સુધારી લેવાય ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હોય. જો આપણે એવી સ્કીમમાં રોકાણ કરેલું હોય તો એ ભૂલનું પરિણામ આપણે પણ ભોગવવું પડે છે.
જો આપણી કારકિર્દીના પ્રારંભિક કાળમાં આવું થાય તો આપણને બાજી સુધારી લેવા માટેનો સમય મળતો હોય છે, પરંતુ જેમના નિવૃત્તિ માટે રાખવામાં આવેલા ભંડોળની બાબતે આવી કટોકટી સર્જાય તેમના શું હાલ થાય? ઝાડ જેટલું વિશળ હોય એટલું સારું. વિશાળ વૃક્ષ વધારે છાંયડો આપે છે, વધુ ફળ-ફૂલ આપે છે અને વધુ મજબૂત તથા ઊંડાં મૂળ ધરાવતું હોય છે. સાથે એ પણ નોંધવું રહ્યું કે વૃક્ષોને મોટાં થવામાં ઘણો લાંબો સમય લાગે છે.
આથી આપણે ધીરજપૂર્વક તેની રાહ જોવી જરૂરી છે. જેટલો વધારે સમય આપીશું એટલું ઝાડ મોટું થશે. આથી, આપણે નિવૃત્તિકાળ માટેનું આયોજન જેટલું વહેલું શરૂ કરી દઈએ એટલું જ આપણા માટે સારું. ઉપરોકત વાત આપણે અહીં એક સામાન્ય કોષ્ટક દ્વારા સમજીએ, જેમકે….
ચાલો, આપણે જીવનના વિવિધ તબક્કાની દૃષ્ટિએ પણ આ કોન્સેપ્ટનો વિચાર કરીએ. નાની ઉંમરે જવાબદારીઓ ઓછી હોય છે. વળી, કમાનાર વ્યક્તિ પર નિર્ભર કોઈ વ્યક્તિ ન હોય એવું પણ શક્ય છે. માતા-પિતા પોતે પણ કામ કરતાં હોય અને તેમની પોતાની આવક હોય તેથી એ સંતાન પર નભતાં ન હોય એવા પણ સંજોગો હોય છે.
ઘણીવાર માણસ માતા-પિતાની સાથે રહેતો હોવાને કારણે તેણે પોતે ઘર ચલાવવા માટે કોઈ જ ખર્ચ કરવો પડતો નથી અથવા તો બહુ ઓછો ખર્ચ કરવો પડે છે. એવી સ્થિતિમાં તેને પોતાના સ્વતંત્ર ઘરની પણ જરૂર ન હોય. આવા સંજોગોમાં એ વ્યક્તિ આસાનીથી બચત કરી શકે છે. મનુષ્યની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ તેના પર નિર્ભર વ્યક્તિઓ વધતી જાય. તેણે માતા-પિતાનું ધ્યાન રાખવાનું હોય, સંતાનોની જવાબદારી હોય, અલગ ઘરની જરૂર પડે, વગેરે.
જીવનમાં આગળ વધતાં સંતાનો પાછળના ખર્ચ પણ શરૂ થઈ જાય છે. આવક વધતી હોય છે, પરંતુ તેની સાથે સાથે ખર્ચ પણ વધતા જતા હોય છે.
સામાન્ય રીતે નાની ઉંમરે માણસની આશાઓ-આકાંક્ષાઓ પણ વધારે હોય છે. એ ઉંમરે પૈસાની શક્તિ વીજપ્રવાહ જેવી શક્તિશાળી હોય છે. એ શક્તિને યોગ્ય રીતે વાળવામાં આવે તો એ આશીર્વાદ બને, પરંતુ એ પ્રવાહના તાર ઉપર જો આંગળી લગાડી દઈએ તો આંચકો લાગે. આમ, આ શક્તિ ઊર્જાને કાળજીપૂર્વક અને જવાબદારીપૂર્વક સંભાળી લેવાની આવશ્યકતા હોય છે.
આપણી કારકિર્દીની શરૂઆતમાં આપણે ભૌતિક ઈચ્છાઓ પાછળ ખર્ચ જરૂર કરવા, પરંતુ સાથે સાથે નિવૃત્તિ માટે પણ રકમ અલગ કાઢવી જોઈએ. નાની ઉંમરે વાવેલું બીજ પછી વટવૃક્ષ બની જાય છે. Fii એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શું કરે છે તેની વાત આપણે ત્યાં ઘણા મોટા પ્રમાણમાં થતી હોય છે.
આપણે Fii એટલે કે Foreign Institutional Investors (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) કરતાં -Firts Income Investment (મારી પ્રથમ આવકનું રોકાણ)ને મહત્ત્વ આપવું જરૂરી છે. આ જ રોકાણ ભવિષ્યમાં My Future Income Incubation એટલે કે ભવિષ્યની મારી આવકનો ઉછેર બને છે.
સંપત્તિની વહેંચણી
આપણે પ્રવાસ હજી હમણાં જ શરૂ કર્યો હોય કે પછી તેમાં આગળ વધી રહ્યા હોઈએ, આપણે મુકામ પર પહોંચ્યા બાદ શું કરવાનું છે તેનો વિચાર કરી લેવામાં કોઈ વાંધો નથી. જીવનનાં સુવર્ણ વર્ષો કહેવાય છે એવા નિવૃત્તજીવન માટેની જોગવાઈ કરવી એ પણ જીવનભર કમાયેલા ધનની વહેંચણી કરવાની પ્રક્રિયાનો જ ભાગ છે. એ આયોજન થઈ ગયા બાદ સંપત્તિની સ્વજનોમાં એટલે કે વારસદારોમાં વહેંચણી કરી લેવાનો સમય આવે છે.