ટાઈફૉઈડ શું છે…?

આરોગ્ય પ્લસઃ સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
આપણે જાણીએ છીએ કે તાવ એ એક સર્વત્ર વ્યાપક વ્યાધિ છે. તાવ એ એક એવી કુદરતી ક્રિયા પ્રક્રિયા છે, જેના દ્વારા માનવ શરીરમાં એક યા બીજી રીતે જમા થયેલા ઝેરી તત્ત્વો (Toxic) બહાર આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તાવ આવે એ સ્વાભાવિક છે.
આપણે આ અગાઉ શરદી-ક્ફ-મલેરિયાના તાવ વિશે વિગતે જાણી ગયા. હવે આ વખતે વાત કરીએ ટાઈફૉઈડના તાવ વિશે…
*શું હોય છે ટાઈફૉઈડનાં લક્ષણ?
*શરૂઆતમાં શરીર તૂટે, માથું દુ:ખે, કબજિયાત અને બેચેની જણાય. આ તાવમાં વાયુ અને કફની પ્રધાનતા સાથે પિત્ત પણ હોય છે.
*ઠંડીને લઈને ધ્રૂજારી, ઝાડા, ઊલટી, માથાનો અસહ્ય દુ:ખાવો વર્તાય.
*પેટ ઉપર દબાવવાથી ત્યાં દુ:ખાવો થાય અને વિશેષ કરીને જમણી બાજુ પેટના ભાગમાં દર્દ અધિક થાય.
*ભૂખ બિલકુલ મરી જાય, અનિદ્રામાં વધારો અને તેથી ચુસ્તી વર્તાય.
*આ તાવ લાંબો સમય ચાલી શકે છે.
ટાઈફૉઈડ થવાનાં કારણ…
*આ તાવ સાલ્મોનેલા ટાઈફી નામના બૅકટેરિયાથી થાય છે.
*આવા બૅકટેરિયાયુક્ત દૂષિત પાણી, દૂધ કે અન્ય ખોરાક લેવાથી આ તાવ આવી શકે છે.
ટાઈફૉઈડમાં આહાર
*આ તાવની શરૂઆતમાં 1થી 2 દિવસ માત્ર ગરમ પાણી ઉપર રહી ઉપવાસ કરવા શ્રેષ્ઠ છે.
*ત્યારબાદ ધીરે-ધીરે હલકો અને પ્રવાહી ખોરાક લેવો. જેથી આંતરડાને આરામ મળે. શક્ય હોય તેટલા પ્રવાહી વધુ લેવા.
*ફ્રૂટજ્યૂસ, મગનું ઓસામણ, સૂપ, નાળિયેરનું પાણી વગેરે લઈ શકાય.
*આ રોગમાં ઝાડા કે મરડો થવાથી વધુ સંભાવના હોવાથી વધારે રેસાવાળો તથા મસાલેદાર આહાર ન લેવો.
- દહીં અને છાશ લઈ શકાય, પરંતુ દૂધનો ત્યાગ રાખવો.
ટાઈફૉઈડના ઉપચારો
- માથા પર વારંવાર ઠંડા પાણીના પોતા મૂકવા.
- જરૂરિયાત મુજબ વારેવારે ફળોનો રસ પીવો.
- 10 ગ્રામ તુલસીનો રસ અને 2 ગ્રામ મરીના ચૂર્ણને 2 ચમચી મધમાં મેળવીને લેવું.
- 500 મિ.લી. પાણીમાં 8થી 9 લવિંગ ઉમેરીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. પછી ગાળીને દિવસ દરમ્યાન તે પાણી પીવું.
- દિવસમાં 2થી 3 મોસંબીનો રસ લેવો કે સફરજન ખાવું.
- 1 કપ છાશમાં 3 ચમચી કોથમીરનો રસ ઉમેરી દિવસમાં 2થી 3 વાર પીવો.
- હૂંફાળા પાણીમાં અડધી ચમચી જીરૂનો પાવડર અને 1 ચમચી મધ ઉમેરીને પીવું.
- જો દર્દીને કબજિયાત રહેતો હોય તો તેને રોજ 2-4 અંજીર ખાવા. રાત્રે 1 ચમચી ઈસબગુલ પાણીમાં લેવું.
સાવધાની
*દર્દીએ ખાસ સંપૂર્ણ આરામ કરવો. ભૂલેય કોઈ પણ શારીરિક કે માનસિક શ્રમ કરવો નહીં.
*દર્દી વધુને વધુ આનંદમાં રહે તેવું વાતાવરણ રાખવું.
*દર્દીએ સંડાસ ગયા પછી વ્યવસ્થિત રીતે હાથ-પગ ધોવા. નહિતર આ રોગમાં દર્દીનો ચેપ અન્ય લોકોમાં ફેલાવાની ખૂબ જ સંભાવના હોય છે.
*દર્દીની પથારી, ચાદર, કપડાં તથા તેની દરેક વસ્તુઓ યોગ્ય રીતે સાફ કરી, જંતુરહિત કરી, અલગ રાખવી.
*ઘરના સભ્યોએ ખાદ્યપદાર્થો સંપૂર્ણ જંતુરહિત રહે તેની ખાસ સાવધાની રાખવી.
*દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિને તે દર્દીનો ચેપ ન લાગે તેની ખાસ સાવધાની રાખવી. જેમ કે, દર્દીનો સ્પર્શ કર્યા બાદ તુરંત જ હાથ વ્યવસ્થિત ધોઈ નાખવા.
*રસોઈ કરનાર વ્યક્તિને ટાઈફૉઈડ થયો હોય તો સંપૂર્ણ સારવાર થયા બાદ ચિકિત્સકની સલાહ બાદ જ રસોડામાં જવું. જેથી અન્ય લોકોને આહાર દ્વારા તેનો ચેપ ન લાગે.
આપણ વાંચો: બોરોન એક સુપરહીરો એલીમેન્ટ



