ધૂમ્રપાન કરનારાએ આરોગ્ય વીમા વિશે શું શું જાણવું જરૂરી છે…?

વીમા સુરક્ષાકવચ – નિશા સંઘવી
ધૂમ્રપાન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે એ તો સાચું જ છે, એની સાથે સાથે એ પણ સાચું છે કે આરોગ્ય વીમાને પણ `નુકસાન’ થાય છે. ભારતમાં ધૂમ્રપાન કરનારાઓને આરોગ્ય વીમા પોલિસી મળી શકે છે, પરંતુ એને અનેક શરતો લાગુ પડે છે. એમના માટેની પોલિસીનું પ્રીમિયમ વધારે હોય છે, એમના આરોગ્યની ઝીણવટભરી તપાસ થાય છે. સૌથી મહત્ત્વનું એ કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિએ પોલિસી લેતી વખતે પોતાની ધૂમ્રપાનની આદત કે આરોગ્યને લગતી કોઈ પણ હકીકત છુપાવવી જોઈએ નહીં.
આ સાથે અહીં એ પણ નોંધવું રહ્યું કે ભારતમાં ધૂમ્રપાનથી થતી બીમારીઓને લીધે દર વર્ષે આશરે 10 લાખ લોકો મૃત્યુ પામે છે. જો વીમાધારક બીમાર પડે તો એની સારવારનો ખર્ચ વીમા કંપનીએ જ ઉઠાવવો પડે. ધૂમ્રપાન કરનારાઓ બીમાર પડવાની શક્યતા વધારે હોય છે. આમ, વીમા કંપનીએ એ લોકોના ક્લેમ ચૂકવવા માટે વધારે રકમ ખર્ચવી પડે. આ જ કારણ છે કે વીમા કંપનીઓ ધૂમ્રપાન કરનારાઓને વીમો આપતી વખતે વધુ સાવચેતી રાખે છે.
જે લોકો ધૂમ્રપાન કરતા હોય અને આરોગ્ય વીમો કઢાવવા કે રિન્યુ કરાવવા ઈચ્છતા હોય એમણે ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દા આપણે જાણી લેવા જોઈએ…
વીમા કંપનીઓ કઈ વ્યક્તિને ધૂમ્રપાન કરનાર (સ્મોકર) ગણે છે?
જે આ વસ્તુઓનું સેવન કરે છે એમને વીમા કંપનીઓ સ્મોકર ગણે છે:
- સિગારેટ બીડી-સિગાર- ગુટખા- ખૈની- હુક્કો, નિકોટિન પેચ કે નિકોટિન ગમ … ઈત્યાદિ તમાકુનું એક યા બીજી રીતે સેવન એ તમામ આ શ્રેણીમાં આવે…
- અહીં જણાવવું રહ્યું કે પોલિસી લેવા પહેલાંના 12 મહિનાની અંદર કોઈ પણ સ્વરૂપે તમાકુનું સેવન કર્યું હોય એમને પણ સ્મોકર ગણવામાં આવે છે. વળી, ક્યારેક ક્યારેક અથવા સોશ્યલ સ્મોકિગ કરતા હોય એમને પણ સ્મોકર ગણવામાં આવે છે.
સ્મોકર માટેનું પ્રીમિયમ
ધૂમ્રપાન કરવાથી બીમાર થવાનું જોખમ વધી જાય છે. આથી વીમા કંપની સ્મોકર પાસેથી વધુ પ્રીમિયમ લેતી હોય
છે. સામાન્યપણે નોન-સ્મોકરની તુલનાએ સ્મોકરનું પ્રીમિયમ 20થી 40 ટકા વધારે હોય છે.
પ્રીમિયમમાં કેટલો વધારો કરવામાં આવશે એનો નિર્ણય આ પરિબળ પર આધાર રાખે છે, જેમકે…
- ધૂમ્રપાન કરનારની ઉંમર
- સ્મોકિગનું પ્રમાણ
- સ્મોકિગની આદતનો સમયગાળો અને
- પ્રિ-એક્ઝિસ્ટિંગ કન્ડિશન્સ (દા.ત. સીઓપીડી-ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ, હાઇપરટેન્શન,
વગેરે)
ઉદાહરણ તરીકે 35 વર્ષના નોન સ્મોકર માટે પાંચ લાખના વીમાનું વાર્ષિક પ્રીમિયમ ધારો કે 10 હજાર રૂપિયા હોય તો એ જ પોલિસી માટે સ્મોકરનું પ્રીમિયમ 12 હજાર કે 15 હજાર અથવા એનાથી વધુ હોઈ શકે છે.
સ્મોકર માટે તબીબી પરીક્ષણો ને અંડરરાઇટિગ
સ્મોકરને પોલિસી આપતાં પહેલાં સામાન્ય રીતે આ તબીબી પરીક્ષણો ફરજિયાત કરાવવામાં આવે છે:
- છાતીનો એક્સ-રે
- ઈસીજી
- લંગ ફંક્શન ટેસ્ટ
બ્લડ ટેસ્ટ (કોલેસ્ટરોલ, સુગર, વગેરે માટે)
ઉક્ત પરીક્ષણોના આધારે વીમા કંપનીઓ આમાંથી કોઈ પણ નિર્ણય લેતી હોય છે:
- વધુ પ્રીમિયમ (જેને લોડિગ કહેવાય છે) લઈને પોલિસી આપવી
- વેઇટિગ પિરિયડ લાગુ કરવો અથવા અમુક એક્સક્લુઝન રાખવાં
- જો આરોગ્ય સામેનું જોખમ ઘણું જ વધારે હોય તો વીમો લેવા માટેની અરજી ફગાવી દેવી
ક્યારેક ક્લેમ ફગાવી દેવામાં આવે…
ધૂમ્રપાન કરતા હોવાનું જાહેર નહીં કરનાર પોલિસીધારકનો ક્લેમ ફગાવી દેવાનો વીમા કંપનીને અધિકાર હોય છે.
આથી આરોગ્ય વીમો લેવા માટેનું પ્રપોઝલ ફોર્મ નહીં ભરનાર વ્યક્તિએ ધૂમ્રપાનની આદત છુપાવવી જોઈએ નહીં.
ધારો કે કોઈ વ્યક્તિ આદત છુપાવે અને પછીથી એને કેન્સર અથવા હૃદયરોગ જેવી તકલીફ થઈ જાય તો વીમા કંપની ખોટી રજૂઆત કરવા બદલ એની પોલિસી રદ કરી શકે છે અથવા એનો ક્લેમ ફગાવી શકે છે. ક્યારેક જ ધૂમ્રપાન કરતા હો તો પણ એ વાત છુપાવવી જોઈએ નહીં. વીમા કંપની ધૂમ્રપાન વિશે તથા વીમા માટે અરજી કરનારની આરોગ્યની સ્થિતિ જાણવા માટે તબીબી પરીક્ષણો કરાવવા ઉપરાંત ડેટા એનાલિસીસ પણ કરાવે છે.
ધૂમ્રપાનને લગતી કઈ બીમારીઓ છે ને આરોગ્ય વીમા હેઠળ કઈ બીમારીઓ કવર કરવામાં આવે છે?
ધૂમ્રપાનને લીધે અહીં દર્શાવ્યા મુજબની અનેક બીમારીઓ થઈ શકે છે. વીમા કંપનીઓ વેઇટિગ પિરિયડ લાગુ કરીને અને ડિસ્ક્લોઝર માગી લઈને આ બીમારીઓને કવર કરે છે:
– ફેફસાંનું કેન્સર- ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ – મોંનું કેન્સર-હૃદયરોગ- પક્ષાઘાત-શ્વસનતંત્રનાં ઇન્ફેક્શન- હાઇ બ્લડ પ્રેશર…
આ બીમારીઓ પોલિસી હેઠળ કવર કરવામાં આવી હોય તો એની સારવાર (હોસ્પિટલાઇઝેશન, સર્જરી, વગેરે)ને આવરી લેવામાં આવે છે. જો કે, એના માટે પોલિસીની શરતોનું પાલન થયેલું હોવું જોઈએ.
ધૂમ્રપાન કરનારાઓ જો આરોગ્ય વીમાનો લાભ લેવા માગતા હોય તો એમણે આ વાતોનું ધ્યાન રાખવું:
- ધૂમ્રપાન કરતા હોવાનું પ્રામાણિકપણે જાહેર કરી દેવું. આ જાહેરાત વીમો લેવા માટેના પ્રપોઝલ ફોર્મમાં કરવાની હોય છે.
- જેટલું જલદી થઈ શકે એટલી ઉંમરે વીમો લઈ લેવો. ઉંમર નાની હોય તો આરોગ્યને લગતી તકલીફો પણ ઓછી હોય અને એને લીધે વીમો મળવાની શક્યતા વધી જાય છે.
- અલગ અલગ વીમા કંપનીની પોલિસીઓની તુલના કરી લેવી: કોઈક કંપની ધૂમ્રપાન કરનારાઓ માટે બીજી કંપનીઓ કરતાં ઓછી અથવા મર્યાદિત શરતો રાખતી હોય છે.
- તબીબી પરીક્ષણો કરાવી લેવાનો આગ્રહ રાખવો. ફુલ હેલ્થ ચેકઅપ કરાવી લીધું હોય તો પોલિસી સહેલાઈથી અને ઓછી શરતો સાથે મળી શકે છે.
- લાઇફસ્ટાઇલનો રેકર્ડ રાખવો: જો ધૂમ્રપાન છોડી દીધું હોય તો એને લગતો રેકર્ડ રાખવો. શક્ય હોય તો ધૂમ્રપાન છોડી દીધાનું તબીબી પ્રમાણપત્ર પણ લઈ લેવું અને વીમા કંપનીને જાણ કરવી.
- વીમાની રકમ વધારે રાખવી: ધૂમ્રપાનને લીધે લાંબા ગાળે મોટું નુકસાન થતું હોવાથી એના વ્યસનીઓએ ઓછામાં ઓછા 10થી 15 લાખનો આરોગ્ય વીમો લઈ લેવો જોઈએ.
- વેલનેસ બેનિફિટ જાણી લેવા: કેટલીક વીમા કંપનીઓ આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપીને વેલનેસ બેનિફિટ આપે છે. આ બેનિફિટ પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ સ્વરૂપે અથવા લોયલ્ટી પોઇન્ટ્સ સ્વરૂપે આપવામાં આવે છે. ધૂમ્રપાન છોડવું એ પણ આરોગ્યપ્રદ જીવનશૈલી છે.
ધૂમ્રપાન છોડી દીધા બાદ શું પ્રીમિયમ ઘટી શકે?
હા, જો તમે ધૂમ્રપાન છોડી દો અને એક-બે વર્ષ સુધી એ આદત છૂટેલી રહે તો તમે પોલિસી રિન્યુ કરાવતી વખતે
નવેસરથી તમારી આરોગ્યની સ્થિતિનું આકલન કરાવી શકો છો. ઉપરાંત, તમે ધૂમ્રપાન છોડી દીધું હોવાનું પુરવાર કરતું પ્રમાણપત્ર કે મેડિકલ રેકર્ડ વીમા કંપનીને સુપરત કરી શકો છો. વીમા કંપની તમારી સ્થિતિની સમીક્ષા કરીને તમને નોન સ્મોકર જાહેર કરી શકે છે. કંપની કદાચ પ્રીમિયમમાં ઘટાડો પણ કરી શકે છે. પ્રીમિયમમાં ઘટાડો કરવો કે નહીં એ વીમા કંપનીનો અબાધિત અધિકાર હોય છે. દરેકના કિસ્સામાં એવું બને એ જરૂરી નથી.
ટૂંકમાં….
અહીં ખાસ જાણી લો કે તમે ધૂમ્રપાન કરો છો એટલે તમને આરોગ્ય વીમો મળી જ શકે નહીં એવું નથી. સ્મોકરના કિસ્સામાં કંપની વધારાની ચકાસણી કરીને પ્રીમિયમમાં વધારો લાગુ કરી શકે છે. સ્મોકરે ફક્ત એટલું ધ્યાન રાખવું કે પોતાની આદત વીમા કંપનીથી છુપાવવી નહીં. શક્ય હોય તો નાની ઉંમરે જ વીમો લઈ લેવો. જો તમારી પાસે પહેલેથી આરોગ્ય વીમા પોલિસી હોય તો સમયસર રિન્યુઅલ કરાવી લેવું અને ધૂમ્રપાન છોડી દીધું હોય કે શરૂ કર્યું હોય તો સંબંધિત સ્થિતિની જાણ વીમા કંપનીને કરવી.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ચેતેશ્વર પૂજારા ભારતીય ક્રિકેટનો અનસંગ હીરો