મોજની ખોજઃ ICUમાં ઈશ્વર બધાને કાનમાં કહે છે આઈ સી યુ…

- સુભાષ ઠાકર
‘જો બેટા, નીચેવાળાને ભલે થતું હોય કે ડોહો હવે ઉપરવાળા પાસે ઉપર ઉપડે તો સારું, પણ મને લાગે છે એકાદ વર્ષ તો હું માંદા-માંદા પથારીમાં જ કાઢી નાખીશ’ ચંપકલાલ બોલ્યા
‘એમ થોડું ચાલે, પરિવાર કેટલી આશા સાથે તમને ક્યારે કાઢી જવાનું વિચારે છે ને તમારે હજુ વર્ષ કાઢવું છે?’ ચંબુ થોડો ઉગ્ર થયો:
‘બાપુ તમારાં મૃત્યુના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા છે. જમાઈએ કપાતે પગારે રજા લીધી, બેને એની બેનપણી પાસેથી ઉછીની સફેદ સાડી મગાવી, મારા સાઢુભાઈ પાર્લાથી સીધા મારામાર આવી ગયા, કેટલા લોકોએ એમના પ્રોગ્રામ કેન્સલ કરી તમારી સ્મશાનયાત્રામાં જોડાઈ જવાનુ નક્કી કર્યું ને હવે હું એમ કઉ કે ‘બાપુજી જીવે છે’ તો મારી તો વાટ લાગી જાય ને અમારે પણ બીજા કામ હોય કે નઈ? જેને હું રોજ ‘જયશ્રીકૃષ્ણ’ કહેતો હોઉ એને ‘બાપુજીનું જ જેશ્રીકૃષ્ણ થઈ ગયું છે’ કહેતા મારો જીવ કેવો બળતો હશે?.
127 તો કોલમાં જે નહોતા માનતા એમને ‘તમે નથી’ મનાવતાં આંખે પાણી આવ્યા છે. અરે, ‘ફેસબુક’ ઉપર તો જેવું મુક્યું કે બાપુજી ગયા કે તુર્ત જ 2000 લાઈક આવ્યા ને 200 કોમેન્ટ આવી અભિનંદન.. વેલડન…! વિશ્વાસ ન હોય તો આ જુઓ. અમે દોણી, ખાદીનું કફન, સ્મશાનની ફી, ડેથ સર્ટિફિકેટ,ગંગાજળની લોટી બધાની માંડ માંડ વ્યવસ્થા કરી ને હવે તમે જીવવાની જીદે ચડ્યા છો? અરે, ICUમાં દાખલ કર્યા પછી ઈશ્વર બધાને કાનમાં કહે છે આઈ સી યુ. તમે સમજ્યા?’
‘સમજ્યો પણ મને વિશ્વાસ છે કે સ્વજનોની દુઆ, ડોકટરની દવા, મારી જીવવાની ઈચ્છા ને જીવન સામે લડી લેવાની કળા મને હજી જીવાડશે ને મને હમણાં મરવાની ઉતાવળ નથી એટલે નથી.’
‘પણ અમને તો હોયને, હવે અમે પૈસેટકે પૂરા ખંખેરાઈ ગયા છીએ. બધા દવામાં જ ખર્ચી કાઢશું તો કારજના તંબુરામાંથી કાઢશું? થોડું સમજો. તમે ન મરો તો અમારા આખા મરણ પ્રસંગનું પોપટ થઇ જાય’ ચંબુ ભડક્યો ‘અરે પોપટ થાય કે કબૂતર, મરણ પહેલાં મારા મરણનું ડિક્લેરેસન… શરમ નથી આવતી?’ બાપુ પણ ભડક્યા ‘અરે પણ તમારી હેડકી જોઈ એમ લાગ્યું કે હવે આ છેલ્લી..એટલે ડિકલેર થઈ ગયું. માફ કરો, બસ? પણ હવે મરણનું જાહેર કરી જીવતા દેખાડું તો ગામમાં ઈજ્જત ન જાય?’
‘કમાલ છે તારી તો, ગઈ કાલે તું જ કહેતો હતો કે હમણાં મરશો નઈ, કફનના પૈસા નથી.’
‘અરે કીધું હતું મારા બાપ, પણ હવે વ્યવસ્થા થઇ ગઈ. પ્લીઝ તમે વિચારો, હું આવું…’ એટલું બોલી ચંબુ બહાર નીકળી ગામનો કોઈ ઢંઢેરો પીટતો હોય એમ બધાને નજીક બોલાવી બોલ્યો :
‘મારા સ્વજનો, હમણાં સુધી રાહ જોવા બદલ સૌનો અંતરથી આભાર ને બધાને સોરી વેરી સોરી ને માફ કરો. જુઓ, ટપકવું કે ટકવું એ ઈશ્વરની અંતિમ ઈચ્છા હોવા છતાં હમણાં પૂરી થાય એવું લાગતું નથી ને આંસુ સાથે કબૂલ કે બાપુજી હજી જીવે છે. ગયા નથી પણ હવે તમે બધા આવી જ ગયા છો પણ હવે થોડી વારમાં ટપકી પડવાના એ નક્કી.
એમનો અંદરનો જીવાત્મા પાપ-પુણ્યના પોટલાં બાંધીને બેઠો છે ને મરવા સિવાય બીજું કોઈ કામ પેન્ડિંગમાં નથી પડ્યું. છેલ્લાં ચાર દિવસથી ફેફસાંમાં કફ ભરાવાથી સીટીઓ વાગે છે ને પોતે જ ગાય છે ‘ગાડી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ’ બસ, હવે ડૉક્ટર આવી એકવાર બોલે કે ‘સોરી’ કે તુર્ત જ આપણે વીડિયો કેમેરાની જેમ ઉપાડી સ્મશાન તરફ રવાના. આપ સૌએ અઢી કલાક રાહ જોઈ પણ હવે અઢી મિનિટથી વધુ નઈ કાઢે એવું લાગે છે.’
‘અરે તને જે લાગવું હોય એ લાગે સાલું, આ પહેલાં પણ બે વાર બધાએ કપાતા પગારે રજા લીધેલી ત્યારે પણ બાપુજી બચી ગયેલા’ કોઈ બોલ્યુ.
‘અરે, તમારી જેમ અમારો પરિવાર પણ રાહ જુવે છે કે ડોહો ઉપડે તો અમને અને બાપુજીને મુક્તિ મળે પણ ઈશ્વર પાસે આવા કેટલાય કેસ પેન્ડિંગમાં પડ્યા હોય.. બસ , માત્ર અઢી મિનિટનો ખેલ બાકી છે…’
‘અરે ટોપા, તો મર્યા પછી બધાને બોલાવવા જોઇએને?’
‘મારામાં બુદ્ધિ છે સાવ ખાલી નથી, પણ ડૉકટરે કીધું કે જેને બોલાવવા હોય એને બોલાવી લો એટલે…’
‘અરે ડૉક્ટર તો કહે બાપુજી તારા છે કે ડૉકટરના? આ પહેલાં પણ બે વાર..’ બધા એકસાથે બોલ્યા
‘અરે, એ બા વખતની વાત છે તમે ફરી એ વાત..’
ત્યાં રમણલાલ બોલ્યા ‘ડોહો સાવ કાઢી નાખવા જેવો નહતો પણ સાલુ જેની ખબર કાઢવા આવ્યા એને જ કાઢી જવા પડશે એની ખબર જ ન પડી.’
‘તો હજી પણ ક્યાં પડી છે, કોને કાઢવાના છે?’ અચાનક બારણામાંથી બાપુજી પોતે જ બહાર આવી બોલ્યા:
‘આટલા બધા ધોળાં કપડામાં… કોણ મરી ગયું?’
બધા ડઘાઈ ગયા પણ કોઈ બોલ્યું : ‘તમે’ પણ આખો મામલો શાંત પડી ગયો ને બાપુજી બોલ્યા ‘ગભરાઓ નહી. હું એટલું જ કહેવા રોકાયો છું કે
‘રખ્ખા કરો નજદીકિયા જિંદગીકા ભરોસા નહિ ફિર કહોગે ચુપચાપ ચલેં ગયે ઓર હમે બતાયા ભી નહી!’
શું કહો છો?
આપણ વાંચો: એનિમિયા પણ ક્યારેક ઘાતક બની શકે છે