મોજની ખોજઃ …ને હું માણસમાંથી લેખક બન્યો!

- સુભાષ ઠાકર
આજે મોજની ખોજનો પ્રથમ જન્મદિન. કોલમ શરૂ થઇ એ પહેલા…
‘હેલ્લો નીલેશભાઈ? તંત્રી ઓફ મુંબઈ સમાચાર? ખુદ? પોતે? જાતે? પંડે?’
‘હા, બોલોને ’
‘બોલીશ નઈ, લખીશ. હું સુભાષ ઠાકર, સર આપના અખબારમાં મારે લેખક તરીકે ચમકવું છે.’
‘હા પણ તમે તો બીજા…’
‘નઈ સાહેબ બીજા કોઈ અખબારમાં નઈ કે કોઈ લેખકોની તફડંચી નઈ, મૌલિક. આ પહેલાં ‘કાયર બન્યો શાયર’ અને ‘ચોરેલા લેખોની (લેખકોની નઈ)આત્મકથા’ની બુક માત્ર એક જ વ્યક્તિએ ચપોચપ ખરીદી ત્યારે હું અંદરથી ગદગદિત થઇ ગયેલો. પછી ખબર પડી કે એ ખરીદનાર એક ભેળપુરીવાળો ભૈયો હતો ને એમાં ભેળપુરી-સેવપુરી વિટાળીને આપતો.
સર, ભેળપુરી-સેવપુરી ખાતા ખાતા મારી કલમની કમાલ પણ જાણી ને માણી શકો. કાલે હું એક મસ્ત લેખ લઇ આવુ છુ. આપ સાથ આપશો તો મારામાં માણસ મટી લેખક બનવાની તાકાત છે. આપણે સાક્ષાત એકબીજાને મળી સત્સંગ કરશું…ઓકે?’
ફોન મુક્યાના બીજા દિવસે ઓફિસમાં ‘સાહેબ આ મારો લેખ. એક્ચ્યુઅલી આ લેખનો જન્મ કઈ રીતે થયો હું સમજાવું.’
‘પ્લીઝ, હમણાં ન સમજાવો હું વાંચીને રાખીશ. તમે નેક્સ્ટ વીક..’
‘નેક્સ્ટ વીક? અરે સાહેબ કાલ કોને જોઈ છે એટલે આજે જ તમે આ…’
‘પ્લીઝ, તમે આવો પછી કહેજો.’
‘અરે પ્લીઝ (ખુશ) તો તમે વાંચીને થશો જ. ઊલટાનું તમે મને તક આપી તકદીર બદલો તો પ્લીઝ તો મારે કહેવાનું કે તમારે? છતાં તમારી નમ્રતા.. તમે લેખ વાંચીને રાખજો હું આવતે અઠવાડિયે મળું…’
બીજા અઠવાડિયે ઓફિસમાં પહોંચ્યો:
‘મારો લેખ વાંચ્યો? ગમ્યો? ગમે જ. મૌલિક છે. સર, મારો આ નશ્વર દેહ ઈશ્વર પાસે પહોચે એ પહેલાં મારા મગજની ફેકટરીમાં પ્રગટેલા તંદુરસ્ત વિચારો લોકોને પહોંચાડવા માગું છું.’
‘પણ યાદ રાખો વિચારો નબળા નીકળ્યા તો લોકો સ્મશાન સુધી પહોંચાડતા વાર નઈ કરે’
‘એવું અશુભ ન બોલો. એવું લાગશે તો લોકો સ્મશાન પહોંચાડે એ પહેલા હું પોતે જાતે જ ચીતા ઉપર સુઈ જઈશ. બસ? આમેય અંતે તો ત્યાં જ પહોંચવાનું છે. ડેથ તો નક્કી છે ડેટ જ નક્કી નથી. સર, આ લેખ રોજબરોજની ઘટના ઘટે એમાંથી લખ્યો છે.’
‘અરે હશે મારા બાપ એની ક્યાં ના છે, પણ…’
‘હશે નઈ છે જ ‘હશે’માં શંકા છે ને શંકા જ્યારે મોટું…’
‘પણ મારી વાત તો સાંભળો.’
‘સાંભળો? તમારે જ બોલવાનું મને બોલવાની આદત જ નથી. અરે મારી સંભાળવાની તૈયારી ન હોત તો અહી સુધી આવી લેખ આપુ શું કામ?.’
‘પણ તમે સાંભળવા નઈ પણ સંભળાવવા આવ્યા હોય એવું લાગે.’
‘લાગે એની ક્યાં ના છે? પણ જગતમાં જે લાગે એવું ક્યાં કઈ હોય છે? તમે બોલો ને હું ન સાંભળું એવું બને ખરું? ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી? ક્યાં હીરો ને ક્યાં પથ્થર? ક્યાં.’
‘તમારો લેખ ને ક્યાં તમે?’
‘ત્યાં આપની ભૂલ છે લેખ મારો ને લેખક પણ હું જ. અરે સર, બીજા બધા લેખકો કોઈની નકલ કરે પણ આજે મને કહેવા દો…’
‘રહેવા દો આજે મને કહેવા દો અત્યાર સુધી તમે જ બધું કીધું છે. તમારો લેખ વાંચી…’
‘સમજી ગયા હશો કે લેખ સામાન્ય નથી’
‘અરે, સામાન્ય હોય કે અસામાન્ય પણ તમે..’
‘મેં જ લખેલો છે. મારી પાસે કોમ્પ્યુટર નથી એટલે મેલ કે ફીમેલ નથી કર્યો એટલે અક્ષર વાંચવામાં કદાચ તકલીફ..’
‘ના વાંચવામાં જરાય તકલીફ નથી પડી, પણ..’
‘વેરી ફાઈન આમતો હું બીજાને તકલીફ પડે એવું લખતો કે બોલતો નથી પણ હવે જખ મારે છે બીજા લેખકો. ભલે કોઈ વાંચે ન વાંચે પણ’
‘તમારું ‘પણ’ હમણા ખીસામાં મૂકી દો ને તમારા લેખવાળું કવર ખોલો.’
‘જ્યાં મારું નસીબ ખુલું ખુલું થઇ રહ્યું છે ને આપ મને મારું જ કવર ખોલવાનું કહો છો? આપનો આભાર હું કયા શબ્દોમાં માનુ?’
‘શબ્દ શોધવાનું માંડી વાળો’ નીલેશભાઈ થોડા ભડક્યા.
‘એકઝેટલી. શબ્દને હું શું કામ શોધુ, શબ્દો તો કોઈ નબળા લેખક શોધે મને તો શબ્દો શોધતા આવે. હું તો જેવી કલમ ઉપાડું કે ધડધડ ધડધડ લખવાનું ચાલુ…આપણી તો…’
‘જીભમાં પણ જાદુ છે’
‘વાહ આપને કેવી રીતે ખબર? સર, આપ મહાન છો. દરેકે દરેક વ્યક્તિએ ક્યાં ક્યારે ને કેટલુ બોલવું એનું ભાન કે જ્ઞાન નથી. બોલવા બેઠા એટલે બેઠા, મને જરાય ન ગમે. તમે જ ક્હો લેખ સિવાય કોઈ ફાલતું વાત મેં કરી?’
‘ઓ ભગવાન, આપ કઈ જાતના માણસ છો?’
‘ઔદીચ્ય બ્રાહ્મણ ને ભગવાન નઈ સર મારું નામ સુભાષ જે. ઠાકર જે ફોર જયંતીલાલ. હવે મારો લેખ વાંચીને હું શું કરું? છતાં આપની આજ્ઞા છે તો…’
ને મેં કવર ખોલ્યું પણ આ શું? 100 ગ્રામ સિંગદાણા 50 ગ્રામ રવો, બે ડઝન કેળા…’
‘અરે સાહેબ વાઈફે આ કાગળ ભૂલથી..ભૂલ કોનાથી નથી થતી પણ કાલે મારો લેખ લઇ…’
‘તસ્દી ન લેતા કોઈની સાથે મોકલાવજો.’
‘અરે તસ્દી શેની સર, એ બહાને આપણો સત્સંગ થશે આપની વાણીનો લાભ મળશે કોઈ સાધુ સંતની વાણી મને બહુ ગમે. સાંભળવાનું વધારે બોલવાનું ઓછુ. મૌનનું પણ મહત્ત્વ હોય છે. બધાને એમ જ કે હું બોલુ ને મને સાંભળો પણ આપણને નથી, ચાલો નીકળું…’
‘એક મિનિટ, સાંભળો? કાગળ પર છપાય ને હજારો લોકો વાંચે એના કરતાં એકાદ માણસના અંત:કરણમાં છપાય એવું લખશો તો મને વધુ આનંદ થશે.’
શું કહો છો?
આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ હરીફાઈના ભાવથી કે દેખાવ કરવા માટે યૌગિક ક્રિયાઓ ન કરવી