મોજની ખોજ: સાચ્ચે જ ખાઓ તો મોસમના સમ…

- સુભાષ ઠાકર
‘અરે બેન, તમને હજાર વાર કીધું તો પણ સમજતા કેમ નથી કે આ અઢી ઈંચની જીભડી સાડા પાંચ ફૂટના શરીરની પથારી ફેરવી નાખે છે. સ્વાદનો ચટાકો જીભ કરે ને ભોગવવું આખા શરીરે પડે છે. રોજ જમતી વખતે જાણે જીવનનું આ અંતિમ ભોજન હોય એમ એના પર તૂટી ન પડાય, સમજ્યા? પેટનો તો સ્વભાવ છે માગ્યા કરવાનો. ખાવામાં થોડુ ધ્યાન રાખો.’ ડોક્ટર તો સરોજ પર ખરા અર્થમાં ભડક્યા.
‘અરે સર, મારું ધ્યાન હંમેશાં ખાવામાં જ હોય છે તોયે પેટમાં..’ .
‘એટલે જ દુ:ખે છે. પણ હવેથી રાતના 200 ગ્રામ ઇસબગુલ ને 250 ગ્રામ ત્રિફલા નઈ લો ત્યાં સુધી પેટની તકલીફ રહેવાની. ગઈકાલે રાત્રે સૂતા પહેલાં છેલ્લે શું ખાધેલું યાદ છે?’ ડોકટરે પૂછયું.
‘બગાસા, સર… ઉપવાસમાં બગાસા તો ખવાય ને?’ ડૉક્ટરનો ચહેરો બારણામાં આંગળી ફસાઈ ગઈ હોય એવો થઇ ગયો ને મને નવાઈ કરતાં આઘાત વધુ લાગ્યો:
‘સોરી ડૉક્ટર, અમે પછી આવશું’ એટલું બોલી નીકળી ગયા.
ત્યાં છગનલાલ દલાલનો ફોન આવ્યો :
‘અરે ઠાકર, પેલી ભાયંદરવાળી રૂમ જોવા કેમ ના આવ્યા?’
‘અરે મારા ચંબુએ કાલે જોઈ ને મને કીધું : ‘પપ્પા રૂમ ખૂબ જ નાની છે એક માણસને પણ સૂઈ જવું હોય તો ઈંડા આકારમાં ટુટિયું વાળીને પડ્યા રહેવું પડે. સાલું, નથી તમારી રૂમમાં રસોડું કે નથી શૌચાલય. માત્ર એક દર્પણ, એક સ્ટુલ..ઉપર રમકડા જેવો પંખો…’
‘અરે, શાંત મારા પ્રભુ શાંત’ છગનલાલ બોલ્યા :
‘તમારા ચંબુએ રૂમ જોઈજ નથી એ લિફ્ટ જોઇને જ ‘આટલી રૂમમાં ફેમિલી કેમ સમાય? ન ચાલે’ એટલું બોલી તરત ભાગ્યો… હું બૂમ મારું એ પહેલા તો સ્કૂટરને કિક મારી સડસડાટ ભગાવી મૂકી… બોલો! તમે પોતે આવોને?.’
‘અરે મારે મારા વાઈફને…’
‘જોવાનીને…. હું ક્યાં વાઈફને જોવાની ના પાડુ છું, પણ એકની એક વાઈફને તો રોજ શું જોવાની? વાઈફ તો અમે પણ વસાવી છે…’
‘અરે, પણ વાઈફને પૂછવું તો પડે ને?’
‘પૂછો. વાઈફ તમારી, વિચાર તમારો, રૂમ લેવાની તમારે. હું કેમ ના પાડું? પણ ધ્યાનથી સાંભળો : વાઈફ તો બીજી પણ મળશે પણ એક વાર રૂમ જો હાથમાંથી ગઈ તો હાથ ઘસતા રહી જશો પછી કહેતા નઈ કે છગનલાલ બોલ્યા નઈ…’
‘ધીરે છગનલાલ ધીરે ..તમે યાર, સિત્તેર વર્ષે બીજી વાઈફની લાલચ આપી લલચાવો નઈ..હમણાં સાંભળી જશે તો છૂટાછેડા આપવા પડશે…ચાલો કાલે મળું…’ ફોન કટ કર્યો.
બીજા દિવસે રૂમ જોઈ તો રૂમમાં શિવલિંગ પર ગળતીમાંથી પાણીના બુંદ ટપકે એમ છતમાંથી પાણી ટપકતું જોઈ મેં પૂછ્યું : ‘છગનલાલ, આ ટપક-ટપક ક્યાં સુધી ચાલશે?’
‘ક્યાં સુધી એટલે? હું થોડો હવામાનશાસ્ત્રી છું? અને મેં તમને ચોવીસ કલાક પાણીની સગવડ કીધેલી એ આ જ …પણ ચોમાસા પૂરતી જ છે એ કહેવાનું ભુલાઈ ગયું, પછી શિયાળામાં વાંધો નઈ આવે ને જે કાણામાંથી પાણી ટપકે છે એજ કાણામાંથી ઉનાળામાં તડકો આવશે યુ સી વેન્ટિલેસનની મગજમારી નઈ…’
‘પણ આ દીવાલમાંથી તો ભેજ આવે છે એ..’
‘અરે ઘર હોય તો ભેજ તો આવે ને. ભેજ વિનાનું ઘર ને ઘર વગરનો ભેજ ન હોય, સમજ્યા?’
‘એ બધું સમજ્યા, પણ રસોડાની કે શૌચાલયની મૂળભૂત સગવડ જ…’
‘અરે પ્રભુ, પણ તમે રસોડાને કે શૌચાલયને શું કરશો? અત્યારે મોંઘવારીમાં બે ટંક ભોજનના ફાંફા છે… લોકોને પૂરતું ભોજન ન મળતું હોય તો રસોડામાં જમી ને શૌચાલયમાં શું કેરમ રમવા જવાનું? તમે સમજો જરા… છતાં બધાએ ભેગા મળી સરકારને અરજી કરી છે કે શૌચાલયનો ઉપયોગ બરાબર કરવો હોય તો પહેલાં બે ટંકના રોટલાની વ્યવસ્થા કરો. સામેની ચાલીમાં 27 રૂમના 115 જણા વચ્ચે ચાર શૌચાલય છે’
‘ને આ બહાર ગટરની બાજુમાં ખાડા પડ્યા છે. એ ખાડામાં કોઈ પડી જાય… આટલો ભ્રષ્ટાચાર ’ મેં કીધું.
‘અરે વ્હાલા , એ ભ્રષ્ટાચાર નથી એ ભક્તિ છે. જુઓ, ખાડામાં જે પડે એને ડોક્ટર પાસે જવું પડે એટલે ડોકટરનો અને કમ્પાઉન્ડરના પેટનો ખાડો પુરાય,
જ્યાંથી દવા લે મેડિકલવાળાના પરિવારના પેટનો ખાડો પુરાય, વીમો ઉતરાવ્યો હોય તો એમના પેટનો ખાડો પુરાય અને પડેલા ખાડા પૂરવા ફરી રેતી સિમેન્ટ જોઇએ એટલે વેપારીના પેટનો ખાડો ને જે મજૂરો ફરી એ ખાડો પૂરે એટલે એમના પેટનો ખાડો… કેટલા ગણાવું? રસ્તા પર પડેલો એક ખાડો કેટલાના પેટના ખાડા પૂરે છે?’
ત્યાં મારી નજર એમની છત્રી ઉપર પડી ‘તમારી છત્રી ઉપર જ ‘છત્રી’ કેમ લખ્યું છે?’
‘એ છત્રી એટલે છગનલાલ ત્રિપાઠી…વચ્ચેનું ટપકું પલળી ગયું છે!’
‘યુ નો, મારી પાસે એવી છત્રી હતી કે વરસાદ આવે ત્યારે ઉઘાડવા બેસું તો વરસાદ બંધ થાય ત્યારે જ ઉઘડી શકે અને આમેય અમારા એરિયામાં તો કોઈ લાંબા કાળાભમ્મર વાળવાળી સુંદર તરુણીએ સૂર્યોદય સમયે માથાબોળ નાહીને ભીજાયેલ કેશની લટોમાં હાથ ફેરવીને એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝાટકો આપે ને ત્યારે જેટલું પાણી ઊડે એટલો ઝરમર ફોરા જેટલો જ પડે છે ને સાચું કહું તો મને તો આવા વરસાદમાં પલળવાનું ગમે છે, કારણકે એ વખતે મને કોઈ રડતા જોઈ શકતું નથી…!’
આ વરસાદ એટલે શું? વર એટલે શ્રેષ્ઠ ને સાદ એટલે અવાજ
…કુદરતનો શ્રેષ્ઠ અવાજ.
તો હે રૂપિયામાં રમતા માણસો ઈશ્વર કૃપાથી આપના ત્યાં રૂપિયાનો વરસાદ વરસતો હોય તો બહાર નીકળી પેલા ફૂટપાથ પર છત અને દીવાલ વગરના ઘરમાં રહેતા ગરીબોની આંખમાંથી નીતરતા શ્રાવણ-ભાદરવાને લુંછવા પ્રયત્ન કરજો, કારણ કે તમારા બંગલા ફ્લેટ કે સોસાયટીના દરવાજા પર ઊભેલો વોચમેન તમારા દરવાજા સુધી તેને નહિં પહોંચવા દે મોસમના સમ ખાઈને કહો કે તમે એની આંખોના વરસાદને લુંછશો ને? શું કહો છો?