જીવનના તથા સંપત્તિના ચાર તબક્કા…

ગૌરવ મશરૂવાળા
સંપત્તિની વ્યાખ્યા આપણે સમજીએ છીએ એના કરતાં વધુ વ્યાપક અને બહુ પરિમાણી છે.
શસ્ત્રો આપણા જીવનને ચાર મુખ્ય તબક્કામાં વિભાજિત કરે છે, જેમકે …
બ્રહ્મચર્યાશ્રમ- ગૃહસ્થાશ્રમ- વાનપ્રસ્થાશ્રમ -સંન્યસ્તાશ્રમ
આપણે સૌ સ્કૂલના દિવસોમાં આ વાત ભણી ચૂકયા છીએ. આપણી સંપત્તિને પણ આ ચાર તબક્કા અનુસાર વગીકૃત કરી શકાય છે ,ઉદાહરણ તરીકે…
બહ્માચર્યાશ્રમ જ્ઞાનપ્રાપ્તિ માટે છે. તેનો સંબંધ સાદગીભર્યાં જીવન સાથે પણ છે. આશ્રમમાં જુદા જુદા પ્રકારની વિદ્યાઓની સાથે સંપત્તિનું સર્જન કઇ રીતે કરવું અને કેવી રીતે વપરાશ કરવો તે ગુરુ પોતાના શિષ્યોને શીખવતા.
આ તબક્કો જીવનનાં પહેલાં પચીસ વર્ષ સુધી ચાલે છે.
બીજા તબક્કો છે ગૃહસ્થાશ્રમ-અત્યાર સુધી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે તેને વ્યવહારમાં મૂકીને સંપત્તિનું સર્જન કરવાનો તેમ જ માણવાનો આ કાલખંડ છે. આ તબક્કો ઉંમરના 26માંથી 50મા વર્ષ સુધી ચાલે છે. એ પછી આવે છે ત્રીજો તબક્કો છે,
વાનપ્રસ્થાશ્રમ.
આ ‘આપી દેવાનો’ સમય છે. જે કંઇ સંપત્તિ એકઠી કરી છે તે આપણી પછીને -આગલી પેઢીને સુપરત કરવાની છે, આપણા અનુભવો પણ તેમની સાથે વહેંચવાના છે. જિંદગીમાં જે કંઇ જ્ઞાન અને ડહાપણ મેળવ્યાં છે તેની શીખ એમને આપવાની છે. 51માંથી 75મા વર્ષ સુધી ચાલતા તબક્કામાં સંસારનો ત્યાગ કરવાની તૈયારી પણ શરૂ કરવાની છે.
સંન્યસ્તાશ્રમ જીવનનું અંતિમ ચરણ છે. આ તબક્કામાં સંસારની મોહમાયાનો ત્યાગ કરવાનો છે. હવે બાહ્ય જગતનાં કોઇ વળગણ નહીં જોઇએ. જીવનના આ આખરી તબક્કાનો સમયગાળો છે-76થી 100 વર્ષ.
નામ, જિંદગીનાં પહેલાં 25 વર્ષ સંપત્તિ-સર્જન વિશેના પાઠ શીખવા માટેનાં છે, પછીનાં 25 વર્ષ ધન કમાઇને તેનો ઉપયોગ કરવાં માટેનાં છે, તે પછીનાં પચ્ચીસ વર્ષ આગલી પેઢીને તે આપતાં જવા માટેનાં છે અને અંતિમ પચ્ચીસ વર્ષ મોહમાયામુક્ત થઇને જીવવા માટેનાં છે.
આ ચારેય તબક્કાનો સંબંધ જે-તે સમયનાં આપણા સ્વાસ્થ્ય અને લાગણીઓ સાથે પણ છે. જો આપણે આ માર્ગદર્શિકાને અનુસરીશું તો જીવનનો પ્રત્યેક તબક્કો માણી શકીશું, અલબત્ત, બને છે એવું કે આપણે આ તબક્કાઓનો ક્રમ ઊલટસૂલટ કરી નાખીએ છીએ જેને કારણે જિંદગીમાં અરાજકતા ફેલાઇ જાય છે.
પહેલાં પચ્ચીસ વર્ષ જ્ઞાનપ્રાપ્તિનાં છે. સંપત્તિ કે દુન્યવી સુખોને માણવાનો આ સમય નથી. જોકે, આ વર્ષોમાં ભૌતિક સુખો અને જાતીય આનંદ માણવાનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. કેટલાંય મા-બાપ સંતાનોને બહુ જલદી ભૌતિક સુખસગવડો આપી દે છે. કાચી ઉંમરે બાળકો પોતાની રીતે આ બધી ભૌતિક સુવિધાઓ હાંસલ કરવા માટે સક્ષમ હોતાં નથી. પોતાના માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય તે સમજવા જેટલી પરિપકવતા પણ તેમનામાં હોતી નથી. છતાંય તેમને આ સુવિધાઓ મળે છે. તેમને એની ટેવ પડી જાય છે. આને કારણે તેમની માનસિકતા અને દૃષ્ટિકોણ એવી કારકિર્દી તરફી બની જાય છે, જેનાથી એમનું આ જીવનધોરણ ભવિષ્યમાં પણ જળવાઇ રહેશે તેવી ખાતરી મળતી હોય. જ્ઞાન તેમના માટે કેવળ પૈસા કમાવાનું માધ્યમ બનીને રહી જાય છે.
આ બાળકો ગૃહસ્થાશ્રમના મધ્ય ભાગમાં એટલે કે ત્રીસીનાં અંતિમ વર્ષોથી ચાળીસીનાં પ્રારંભિક વર્ષોમાં પહોંચે છે ત્યાં સુધીમાં મોટા ભાગનાં દુન્યવી સુખ માણી ચૂકયાં હોય છે અને હવે તેમને અર્થપૂર્ણ જીવન જીવવા માટે વહેલી નિવૃત્તિ લઇ લેવાની ઇચ્છા જાગે છે. શરીર ગૃહસ્થાશ્રમનાં સુખો માણવા માટે સક્ષમ હોવા છતાં હવે તેઓ માનસિક શાંતિ ઝંખે છે. તેનો વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશવા આતુર બની જાય છે.
અહીં બને છે એવું કે પ્રથમ બે તબક્કા દરમિયાન મોજમજા કરવાના ઉતાવળ થઇ ગઇ હોવાથી તેમણે આ બેમાંથી એકેય તબક્કાને પૂરેપૂરા માણ્યા હોતા નથી. આથી આપણે જોઇએ છીએ કે નિવૃત્તિકાળમાં વયસ્ક લોકોને એ બધું કરવું હોય છે જે સામાન્યપણે જુવાનિયાઓ કરતા હોય. આ વડીલો અમુક બાબતોમાં અસંતુષ્ટ રહી ગયા હોય છે. કમનસીબે તકલીફ એ થાય છે કે હવે તેનું શરીર સાથ આપતું નથી. દિલથી યુવાન ભલે હોય, પણ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, કોલેસ્ટેરોલની દવાઓ, વગેરેને કારણે તેમના હૃદયના બૂરા હાલ થઇ ચૂકયા હોય છે.
યુવાન માણસની માફક ન જીવી શકવાને કારણે આ વડીલો અસલામતી અનુભવવા લાગે છે. તેથી તેઓ આગલી પેઢીના હાથમાં લગામ સોંપી શકતા નથી. એ વસિયતનામું પણ બનાવવા માગતા નથી. એ જીવનધોરણને વધુને વધુ ઊંચે લઈ જવા માગે છે. જીવનશૈલી સંબધિત બીમારીઓ આનું જ પરિણામ છે.
અસલામતીની લાગણીને લીધે અહમના સવાલ પણ ખડા થાય છે, કેમ કે આવા માણસોને અન્યોને ધ્યાન અને મહત્ત્વ જોઇતું હોય છે. ઉદાહરણ તરીકે, આપણે ઘણીવાર જોઇએ છીએ કે અમુક દાદા-દાદી અવારનવાર પોતાનાં પૌત્ર- પૌત્રીઓ માટે મોંઘીદાટ ભેટસોગાદો ખરીદતાં રહે છે અને પછી ફરિયાદ કરે છે કે કશુંક જોઇતું હોય ત્યારે જ બાળકો અમને યાદ કરે છે.
હકીકતમાં જીવનના ચાર તબક્કા શારીરિક સ્થિતિ, માનસિક અવસ્થા, માનવીય લાગણીઓ, ઝંખનાઓ અને વર્તણૂકને આધાર નક્કી કરવામાં આવ્યા છે. એના ક્રમમાં ઊલટસૂલટ ન કરીએ. ક્રમ આઘોપાછો કરી નાખવાથી જીવનનો લય અને પ્રવાહિતા ખોરવાઇ જાય છે. તેને કારણે જીવનના કોઇ પણ તબક્કામાં સંપત્તિને પૂરેપૂરી માણી શકાતી નથી.
આ પણ વાંચો…મારું પોતાનું અર્થતંત્રઃ પૈસા ને લક્ષ્મી વચ્ચેનો તફાવત…



