ફેમિલી ફ્લોટર પ્લાનની કવરેજની રકમ ક્યારે વધારવી?

નિશા સંઘવી
આરોગ્ય વીમા પોલિસીમાં ફેમિલી ફ્લોટર નામના એક જ પ્લાન હેઠળ સમગ્ર પરિવારને નાણાકીય રક્ષણ મળે છે. જોકે, આજકાલ તબીબી સારવારનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે પરિવાર માટેનું કવચ સતત વધુ ને વધુ મજબૂત બનાવતાં રહેવું પડે છે. આમ, શરૂઆતમાં જેટલી રકમ માટે વીમો લીધો હોય એ સમય જતાં અપૂરતી સાબિત થાય છે. પરિણામે, યોગ્ય સમયે ફ્લોટર પ્લાનમાં કવરેજ વધારતાં રહેવું જોઈએ, જેથી તબીબી સારવારનો ખર્ચ ખિસામાંથી કરવો ન પડે.
અહીં સવાલ એ છે કે યોગ્ય સમય કયો?
આજની કોલમમાં આપણે આ પ્રશ્નનો ઉત્તર જાણીએ
કયા સંજોગોમાં એ વધારી શકાય .
1) પરિવારમાં નવા સભ્યનો ઉમેરો:
પરિવારમાં કોઈનાં લગ્ન થાય અથવા કોઈને સંતાન થાય ત્યારે કવરેજ વધારવું જરૂરી છે.
આ પણ વાંચો:આરોગ્ય પ્લસ : જીવ-જંતુઓ તથા પ્રાણીઓના ડંખ વખતે પ્રાથમિક સારવાર
2) ઉંમર વધવાની સાથે વધેલી જરૂર:
જેમ ઉંમર વધે તેમ તેમ તબિયત બગડવાનું જોખમ વધે ત્યારે વર્તમાન પોલિસીના કવરેજની રકમ ઓછી પડે છે. આવા વખતે કવરેજ વધારવું સલાહભર્યું છે.
3) ગંભીર બીમારી:
પરિવારમાં એક અથવા વધુ સભ્યને કેન્સર, હૃદયરોગ, હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની-લિવરની તકલીફ, વગેરે જેવી ગંભીર બીમારી થાય એ સ્થિતિમાં વધુ કવરેજની જરૂર પડે છે. આરોગ્ય વીમા કંપનીઓ ક્રિટિકલ ઇલનેસ ટોપ-અપ કે રાઇડર આપતી હોય છે, જે કવરેજ વધારવા માટેનો ઓછો ખર્ચાળ વિકલ્પ છે.
4) મેટ્રો શહેરમાં સ્થળાંતર:
શહેરોમાં તબીબી સારવારનો ખર્ચ વધારે હોય છે. આ જ કારણ છે કે ગામમાં અને શહેરમાં રહેતા લોકોના પ્રીમિયમમાં પણ તફાવત હોય છે. જો ગામમાંથી શહેરમાં સ્થળાંતર કર્યું હોય તો સ્વાભાવિક રીતે જ સારવારનો ખર્ચ વધી જાય અને વધુ કવરેજની જરૂર પડે.
5) બીજું કોઈ કારણ ન હોય તોપણ, મોટા તબીબી ખર્ચને પહોંચી વળવાની તૈયારી કરી રાખી હોય તો ઘણી માનસિક શાંતિ રહે છે. આથી આરોગ્ય વીમાના કવરેજમાં વધારો કરવાનું પગલું પરિવારને આર્થિક રક્ષણ આપીને માનસિક શાંતિ આપે છે.
કવરેજની રકમમાં ઉમેરો કઈ રીતે કરાવવો?
ચરણ 1 – વીમા કંપનીનો સંપર્ક સાધો:
કવરેજ વધારવા માટે શું કરવું એની જાણકારી સંબંધિત વીમા કંપની પાસેથી મેળવી લો.
ફક્ત પોલિસીના નવીનીકરણ વખતે જ કવરેજ વધારી શકાય છે કે વચ્ચે પણ ક્યારેય એ શક્ય છે એના વિશે માહિતી મેળવી લો.
ચરણ 2 – કવરેજ કેટલું વધારવું છે એ નક્કી કરી લો
તમારા પરિવારના સભ્યોની સંખ્યા, એમની આરોગ્યની સ્થિતિ, તબીબી સારવારના ખર્ચની સ્થિતિ, પરિવારની જીવનશૈલીને લગતાં જોખમો, વગેરે પરિબળોને ધ્યાનમાં લઈને કવરેજની રકમ કેટલી વધારવી છે એનો નિર્ણય લો.
ચરણ 3 – મેડિકલ ચેક અપ કરાવી લો
જો ફેમિલી ફ્લોટર પોલિસીમાં મોટી ઉંમરની વ્યક્તિઓ હોય અથવા પહેલેથી જ અમુક બીમારી ધરાવતા સભ્યો હોય તો વીમા કંપની કવરેજની રકમ વધારતાં પહેલાં મેડિકલ ચેક અપ કરાવવાનું કહી શકે છે. આવું કહેવામાં આવે તો મેડિકલ ચેક અપ કરાવી લેવું.
આ પણ વાંચો:સ્વાસ્થ્ય સુધા: ગરમીમાં કાકડી ખાવાથી શરીરને મળશે અનેક લાભ
ચરણ 4 – નવા પ્રીમિયમની રકમ જોઈને નિર્ણય લો
તમે કવરેજની રકમ વધારવાનો નિર્ણય લીધા બાદ અથવા ટોપ અપ પ્લાન લીધા બાદ વીમા કંપની તમને સંબંધિત પ્રીમિયમની જાણ કરશે. પારિવારિક ધોરણે પ્રીમિયમની રકમ વિશે વિચાર કરી લેવો અને એ રકમ બજેટમાં બેસતી હોય તો કવરેજ વધારી લેવું અથવા ટોપ અપ પ્લાન લઈ લેવો.
ટૂંકમાં …
આરોગ્ય વીમામાં કવરેજની રકમ પૂરતી હોય એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પોલિસીનો મૂળ હેતુ જ પરિવારને તબીબી સારવારને પગલે આવી પડનારી આર્થિક મુશ્કેલી અથવા વધનારા આર્થિક બોજથી બચાવવાનો છે. આમ, કવરેજની રકમ વધારવા માટેના યોગ્ય વિકલ્પની પસંદગી કરીને પરિવારને નાણાકીય સલામતી પૂરી પાડવી.