આરોગ્ય એક્સપ્રેસઃ ત્વચાનો રંગ બદલી નાખતો રોગ વિટિલિગો…

રાજેશ યાજ્ઞિક
વિટિલિગો (ઉચ્ચારણ `વિટ-ઇલ-આઇ-ગો’ ) જે પાંડુરોગ તરીકે પણ ઓળખાય છે. એ ત્વચાની એક એવી સ્થિતિ છે જેમાં તમારી ત્વચા તેનો રંગ અથવા રંગદ્રવ્ય ગુમાવે છે. આના કારણે તમારી ત્વચા તેના કુદરતી રંગ કરતાં હળવી દેખાય છે અથવા સફેદ થઈ જાય છે.
તમારી ત્વચાના જે જે વિસ્તાર તેના રંગદ્રવ્ય ગુમાવે છે તને `મેક્યુલ્સ’ કહેવામાં આવે છે. જો તે 1 સેન્ટિમીટરથી ઓછા પહોળા હોય, અથવા જો તે 1 સેન્ટિમીટરથી મોટા હોય તો પેચ કહેવામાં આવે છે.
શરીરના જે ભાગ પર વાળ હોય ત્યાં જો વિટિલિગો થાય તો તમારા વાળ સફેદ કે ચાંદી જેવા રંગના થઈ શકે છે. તે સામાન્ય રીતે તમારા હાથ, પગ અને ચહેરા પર શરૂ થાય છે. વૈશ્વિક સ્તરે, લગભગ 1 ટકા વસતિ પાંડુરોગથી પીડાય છે.
આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મેલાનોસાઇટ્સનો નાશ કરે છે. મેલાનોસાઇટ્સ એ ત્વચાના કોષો છે જે મેલાનિન ઉત્પન્ન કરે છે, જે રસાયણ ત્વચાને રંગ આપે છે અથવા રંગદ્રવ્ય આપે છે.
વિટિલિગોનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ તે એક સ્વયંપ્રતિરક્ષા (ઓટોઈમ્યુન) વિકાર હોવાનું માનવામાં આવે છે, જ્યાં તમારી રોગપ્રતિકારક શક્તિ રંગદ્રવ્ય બનાવતા કોષો પર હુમલો કરે છે. વિટિલિગોનાં કારણો વિશે વધુ જાણવા માટે સંશોધન ચાલુ છે, અત્યાર સુધીના વિવિધ અભ્યાસ દર્શાવે છે કે લગભગ 30 ટકા વિટિલિગોના કેસો આનુવંશિક હોય છે.
આનો અર્થ એ છે કે આ સ્થિતિ વારસાગત છે અને તમને તમારા જૈવિક પરિવારમાંથી વિટિલિગો વારસામાં મળી શકે છે. ક્યારેક, ત્વચા પર ઈજા, ભાવનાત્મક પરિબળો અથવા તણાવને કારણે વિટિલિગો વધુ ખરાબ થઈ શકે છે.
વિટિલિગોના વિવિધ પ્રકારો કયા છે? વિટિલિગોના 4 મુખ્ય પ્રકાર છે:
*નોન-સેગમેન્ટલ વિટિલિગો સપ્રમાણ હોય છે એટલે કે તે સામાન્ય રીતે શરીરની બંને બાજુએ અને શરીરના એક સરખા અંગ પર જોવા મળે છે.
*સેગમેન્ટલ વિટિલિગો સામાન્ય રીતે બાળપણમાં થાય છે અને ત્વચાના ફક્ત એક જ વિસ્તારને અસર કરે છે.
*મિશ્ર વિટિલિગો એ સેગમેન્ટલ અને સેગમેન્ટલ વિટિલિગોનું મિશ્રણ છે અને તે દુર્લભ છે.
અવર્ગીકૃત વિટિલિગોના 3 પેટા પ્રકાર છે: પંકટેટ, ફોલિક્યુલર અને હાઇપોક્રોમિક.
શું વિટિલિગોથી અન્ય તકલીફો થઇ શકે?
આમ તો વિટિલિગો મુખ્યત્વે એક કોસ્મેટિક સ્થિતિ છે, પરંતુ તેના કારણે કેટલીક ગૂંચવણો ઊભી થઇ શકે છે.
સંવેદનશીલ ત્વચા: તમારી ત્વચાના જે ભાગમાં મેક્યુલ્સ અને પેચમાં મેલાનોસાઇટ્સનો અભાવ હોય છે તે તમારી ત્વચાના બાકીના ભાગ કરતાં સૂર્યપ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ હોઈ શકે છે. આનાથી તમારી ત્વચા ટેન થવાને બદલે ઝડપથી બળી શકે છે.
આંખની અસામાન્યતાઓ: વિટિલિગો ધરાવતા લોકોના રેટિનામાં (આંખનો આંતરિક સ્તર જેમાં પ્રકાશ-સંવેદનશીલ કોષો હોય છે) કેટલીક અસામાન્યતાઓ અને તેમના આઇરિસ (આંખનો રંગીન ભાગ)માં રંગમાં થોડો ફેરફાર હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, રેટિના અથવા આઇરિસમાં બળતરા થાય છે, પરંતુ દ્રષ્ટિ સામાન્ય રીતે પ્રભાવિત થતી નથી.
વિટિલિગો ધરાવતા લોકોને અન્ય સ્વયંપ્રતિરક્ષા રોગો થવાની શક્યતા વધુ હોય છે જે તેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે કાર્ય કરે છે તેના પર અસર કરે છે. સામાન્ય સ્વયંપ્રતિરક્ષા રોગોમાં હાઇપોથાઇરોડિઝમ, ડાયાબિટીસ અને એનિમિયાનો સમાવેશ થાય છે. વિટિલિગોથી પીડાતા લોકો તેમની ત્વચાના દેખાવ અંગે ક્ષોભ અનુભવી શકે છે.
વિટિલિગોનું નિદાન થયેલા કેટલાક લોકોમાં આત્મસન્માન ઓછું થાય છે. આ ચિંતા અથવા હતાશાનું કારણ બની શકે છે. વિટિલિગો માટે કેટલાક સારવાર વિકલ્પ છે, પરંતુ સારવાર ધીમી હોઈ શકે છે અને વિટિલિગોવાળા વિસ્તારોને સંપૂર્ણપણે સમાન ત્વચાના રંગ સાથે મેળ બેસતો નથી:
અસરગ્રસ્ત વિસ્તારોને છુપાવવા માટે મેકઅપ અને રંગોનો ઉપયોગ કરીશ શકાય. બળતરા ઘટાડવા, રંગદ્રવ્ય કોષોનો નાશ કરવા અથવા પડોશી કોષોને વધુ રંગદ્રવ્ય ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સારવારનો ઉપયોગ કરવો. જેમાં અહીં દર્શાવેલા ઉપાય સામેલ છે, જેમકે…
- ત્વચા પર લગાવવામાં આવતી કોર્ટિસોન ક્રીમ અથવા મલમ
- પ્રકાશ ઉપચાર (લાઈટ થેરપી)
- પ્રકાશના સંપર્કમાં આવતી વખતે વપરાતું ક્રીમ, દવાઓ (જેમ કે ટેક્રોલિમસ, પિમેક્રોલિમસ અથવા કેલ્સીપોટ્રિઓલ)
- રી-પિગમેન્ટેશન શસ્ત્રક્રિયાનો ઉપયોગ કરીને તમારા પોતાના રંગદ્રવ્ય કોષોને વિટિલિગોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનાંતરિત કરે છે.
- ડિપિગમેન્ટેશન, જેમાં જો તમને વ્યાપક વિટિલિગો હોય તો ત્વચાનો રંગ સુસંગત બનાવવા માટે અસરગ્રસ્ત ત્વચાના બાકીના વિસ્તારોમાંથી રંગદ્રવ્ય દૂર કરવાનો સમાવેશ થાય છે.
વિટિલિગો એ ચામડીનો સામાન્ય રોગ છે. તે સ્પર્શથી ફેલાતો નથી. તે સાથે રહેવાથી, ખાવાથી કે પીવાથી ફેલાતો નથી. તેમ જ તે સામાજિક જોડાણો દ્વારા ફેલાતો નથી.
તેની સારવાર માટે આજે ઘણી આધુનિક પદ્ધતિઓ ઉપલબ્ધ છે, જેમ કે લેસર, ફોટોથેરાપી અને મેલાનોસાઇટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી. યોગ્ય સમયે યોગ્ય સારવારથી આ રોગનું નિદાન શક્ય છે. જો તમને વિટિલિગો પરેશાન કરે છે તો ત્વચારોગ નિષ્ણાત તમને સારવાર અને સંચાલન કરવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ: રોગ-વિકાર -સિન્ડ્રોમ વચ્ચે તફાવત શું…?