સંપત્તિસર્જન માટે બનાવો My GST (My Goal SavingTarget)…

ગૌરવ મશરૂવાળા
જો વિમાનભાડા પરનો GST વધારી દેવામાં આવે તો આપણામાંથી કેટલા લોકો સપરિવાર વિદેશપ્રવાસે જવાનું માંડી વાળે? આ જ રીતે જો સરકાર હોટેલોના જમણવારના હોલના ભાડા પરનો GST ઘટાડી નાખે તો આપણામાંથી કેટલા લોકો ઘટેલા ભાડાનો લાભ લેવા માટે દીકરા કે દીકરીનાં લગ્ન વહેલાં લેવડાવી દે?
GSTના દરની અસર આપણા જીવનખર્ચ પર પડે એ વાત સાચી, પરંતુ એ આપણા હાથની વાત નથી એટલી જ બીજી સાચી વાત એ છે કે GST ના દર વધે કે ઘટે, આપણા જીવનનાં અમુક નાણાકીય લક્ષ્યો પૂરાં કર્યા વગર છૂટકો હોતો નથી.
સંતાનોના શિક્ષણનો ખર્ચ, એમનાં લગ્નનો ખર્ચ, આપણા નિવૃત્તજીવનનો ખર્ચ એ બધા ખર્ચ આપણાં નાણાકીય લક્ષ્યો હોય છે.
આ ઉપરાંત કેટલીક ઈચ્છાઓ-આકાંક્ષાઓ પણ હોય છે, જેમાં સપરિવાર વિદેશ ફરવા જવું, વધુ મોટો ફ્લેટ લેવો, લક્ઝુરિયસ કાર લેવી, વગેરેનો સમાવેશ થાય છે.
આમાંથી મોટાભાગની વસ્તુઓનો ૠજઝના કે બીજા કોઈ કરના વધારા-ઘટાડા સાથે સંબંધ રાખી શકાતો નથી. આ વાસ્તવિકતા હોવા છતાં આપણે ૠજઝ તથા બીજા કરવેરાના દર પર નજર રાખતા હોઈએ છીએ.
ઉક્ત મુદ્દાની ઉદાહરણ સાથે વાત કરું. ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની કારકિર્દીમાં મેં જોયું છે કે ઘણા લોકો કેન્દ્રીય બજેટની રાહ જોતાં બેઠા રહે છે અને પોતાના નાણાકીય આયોજનનો કે રોકાણનો નિર્ણય લેવાનું બજેટ આવે ત્યાં સુધી મોકૂફ રાખે છે.
ખરી રીતે તો લોકો પોતાના નાણાકીય આયોજનને પાછળ ઠેલવા માટેનાં અલગ અલગ બહાનાં કાઢતા હોય છે. જોકે, તેમ કરવાને લીધે સંપત્તિસર્જનના માર્ગમાં અવરોધ આવે છે.
GSના દરમાં ફેરફાર કરવા માટે GST કાઉન્સિલની બેઠક હોય ત્યાં સુધી વેપાર બંધ રાખી શકાય ખરો?
આથી જ કહેવાનું કે સંપત્તિસર્જન માટે કે પછી પોતાનાં નાણાકીય લક્ષ્યો સિદ્ધ કરવા માટે નાણાકીય આયોજન આવશ્યક છે. આથી આપણે ખરી ચિંતા GST એટલે કે ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટેક્સ (Goods and Services Tax)ની નહીં, પણ ગોલ સેવિંગ ટાર્ગેટ (Goal Saving Target)ની કરવી જોઈએ.
સૌથી પહેલાં તમામ નાણાકીય જવાબદારીઓ અને ઈચ્છા- આકાંક્ષાઓની યાદી બનાવી લેવી જોઈએ. તેને My GDP – My Goals and Dreams Plan કહી શકાય. એ યાદીમાંની દરેક વસ્તુને પ્રાથમિકતા આપવી પણ જરૂરી છે. એ પ્રાથમિકતાના આધારે દરેક માટે નાણાંની ફાળવણી કરવાનું અને લક્ષ્યપ્રાપ્તિ કરવાનું સહેલું બની જાય છે.
દરેક નાણાકીય લક્ષ્ય પૂરું કરવા માટે કેટલા પૈસાની જરૂર છે એ નક્કી કરી લેવું. વિવિધ પ્રકારનાં નાણાકીય લક્ષ્યો પૂરાં કરવા માટે દર મહિને જરૂરી રકમની ગણતરી કરવામાં મદદરૂપ થનારાં સંખ્યાબંધ કેલ્ક્યુલેટર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જો ગણતરી કરવાનું ફાવતું ન હોય તો નિષ્ણાતની મદદ લેવામાં કંઈ ખોટું નથી.
બધાં જ લક્ષ્યો પૂરાં થાય એટલી બચત કરવાનું હંમેશાં શક્ય હોતું નથી. આથી જ દરેક લક્ષ્યની પ્રાથમિકતા નક્કી કરી લેવી જરૂરી છે. એ નક્કી થયા બાદ નિર્ણયો લેવાનું આસાન બની જાય છે. જેમની પ્રાથમિકતા ઊંચી હોય તેમના માટે નાણાં પહેલાં ફાળવવાં અને એનાથી પ્રાથમિકતા હોય તેને પછી.
નાણાકીય લક્ષ્યોની યાદી બનાવીને તેની પ્રાથમિકતા નક્કી કરવાનો લાભ એ છે કે તેનાથી રોકાણ ક્યાં કરવું તેનો નિર્ણય સહેલાઈથી લઈ શકાય છે. રોકાણના વિકલ્પોમાં ઈક્વિટી, સોનું, ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ, રિયલ એસ્ટેટ, વગેરે સામેલ છે.
રોકાણ સીધું કરવું કે મ્યુચ્યુઅલ ફંડ જેવાં માધ્યમનો ઉપયોગ કરવો એ વિચાર કરી લેવા જેવી બાબત છે. રોકાણ માટેનાં બીજાં માધ્યમો વિશે પણ વિચાર કરી લેવો.
આ પણ વાંચો…My LOAN એટલે My Lost Opprtunity on Asset Nourishment