લાંબા ગાળાના સંપત્તિસર્જનનો રસ્તો છે My SENSEX અર્થાત My Sensible Expense…

ગૌરવ મશરૂવાળા
‘માર્કેટનું તમને શું લાગે છે?’
ફાઇનાન્શિયલ પ્લાનરની હાજરી હોય ત્યાં આ પ્રશ્ર્ન અચૂક પુછાતો જ હોય છે. આ સવાલ બીજો કોઈ નહીં, પણ સ્ટોક માર્કેટ માટે જ હોય એ ધારી લેવાનું હોય છે. ખરી રીતે તો અમને ફાઇનાન્શિયલ પ્લાનરોને ઈક્વિટી હોય, સોનું હોય, રિયલ એસ્ટેટ હોય કે પછી ડેટ હોય, કોઈની પણ માર્કેટ વિશે કોઈ પણ આગાહી કરવા વિશે કંઈ જ શીખવવામાં આવતું નથી. રોકાણવિષયક સલાહ આપવી એ પણ ફાઇનાન્શિયલ પ્લાનરની પ્રેક્ટિસમાં નાનો અમથો હિસ્સો હોય છે. વળી, ફક્ત રોકાણ વિશે સલાહ આપવી એ જ ફાઇનાન્શિયલ પ્લાનરનું મુખ્ય કામ હોતું નથી.
હવે આપણે ફરી મુખ્ય પ્રશ્ર્ન પર પાછા આવીએ. ‘માર્કેટનું તમને શું લાગે છે?’ એવું પુછાય ત્યારે લોકોના મગજમાં સેન્સેક્સ જ રમતો હોય છે. ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ’ પર લિસ્ટેડ શેરોમાંથી 30 શેરનો બનેલો આ ઇન્ડેક્સ છે. ઈક્વિટીના તમામ રોકાણકારો માટે આ નિર્દેશાંક મહત્ત્વનો છે, પરંતુ નાણાકીય આયોજન કર્યા વગર ફક્ત સેન્સેક્સની હિલચાલના આધારે નાણાકીય નિર્ણયો લેવામાં આવે તો નાણાકીય નુકસાન થવાનું મોટું જોખમ સર્જાઈ શકે છે.
અહીં આદર્શ સ્થિતિ તો એ છે કે દરેક વ્યક્તિ કે પરિવારને પોતાના સેન્સેક્સની પડી હોવી જોઈએ. આપણે તેને My Sensex અર્થાત્ My Sensible Expense એટલે કે સમજદારીપૂર્વકનો ખર્ચ કહીશું.
વાસ્તવિક જીવનની સ્થિતિ પરથી આ વાતની ચર્ચા કરીએ. ધારો કે પરિવારમાં 15 દિવસ પછી લગ્ન છે. તમે બધી તૈયારીઓ કરી લીધી છે અને કંકોત્રીઓ વહેંચી દેવાઈ છે. પરિવારમાં લગ્નનો માહોલ છે. એવામાં શેરબજારનો સેન્સેક્સ તૂટે છે. આવી સ્થિતિમાં શું કોઈ પરિવાર લગ્ન રદ કરશે કે ઊજવણીના ખર્ચમાં કાપ મૂકશે?
આપણા જીવનના પ્રસંગો સેન્સેક્સની હિલચાલ પર નિર્ભર હોતા નથી. આમ છતાં સંપત્તિસર્જન આપણા રોકાણની રકમ પર નિર્ભર હોય છે. રોકાણ ત્યારે જ કરી શકાય જ્યારે બચત હોય. આમ આપણી બચત જેટલી વધુ હોય એટલું રોકાણ વધુ રહે.
બચતનો આધાર આપણી આવક અને ખર્ચ પર છે. આવકમાંથી પહેલાં રોકાણ કરવું અને પછી ખર્ચ કરવો. આ રીતે જોઈએ તો ક્રમ આવો હોવો જોઈએ: કમાઓ-બચાવો (રોકાણ કરો)-ખર્ચ કરો. આપણી બચત અને રોકાણ જેટલાં વધારે હશે એટલું ભવિષ્યનું સંપત્તિસર્જન વધારે હશે. વર્તમાનમાં ખર્ચવા માટે ઓછી રકમ ઉપલબ્ધ રહેશે.
કોણે કેટલો ખર્ચ કરવો જોઈએ અને સમગ્ર પરિવાર માટે કે દરેક સભ્ય માટે કેટલો ખર્ચ કરવો જોઈએ તેના વિશે હું કંઈ કહી શકું નહીં. એ નિર્ણય તો દરેકે જાતે જ લેવાનો હોય છે.
ચાળીસીમાં આવી પહોંચેલાં એક યુગલ સૂચિ-સૌરભ. એ યુગલે એક દિવસ મને સવાલ કર્યો કે એ લેન્ડ રોવર ખરીદવા માગે છે, શું અમને એ પરવડશે? સૂચિ અગ્રણી વકીલ હતી અને સૌરભ જાણીતો આર્કિટેક્ટ હતો. એમની દીકરી પ્રીતિ ઈંગ્લેન્ડમાં ડોક્ટરી ભણવા ગઈ હતી.
મારો જવાબ હતો, ‘હા, તમને ચોક્કસ પરવડશે.’ આ જવાબ સાંભળીને એમને સારું લાગ્યું. બીજા દિવસે એમણે મને ફરી ફોન કર્યો. એ યુગલ મને બને તેટલું વહેલું મળવા માગતું હતું. મને જરા અજુગતું લાગ્યું, પણ મેં એમને અપોઇન્ટમેન્ટ આપી. એમને એ વાતની ફિકર હતી કે એમના લાંબા ગાળાના સંપત્તિસર્જન પર આ ખર્ચની કેટલી અસર થશે.
મને તો એમાં સાદી ગણતરી દેખાતી હતી. જો એ હાલ 50 લાખ રૂપિયા ખર્ચી કાઢે તો એમનું નિવૃત્તિ માટેનું ભંડોળ લગભગ સાડા ત્રણ કરોડ જેટલું ઓછું થઈ જાય. આ ગણતરી વળતરના અમુક દરના આધારે હતી, પરંતુ લગભગ એટલો જ આંકડો આવતો હોય છે.
મારી ગણતરી જાણ્યા બાદ એમણે કહ્યું કે એમને એ મોંઘી કાર નથી જોઈતી. મેં એમને બજેટને સંતુલિત કરવા માટે ખર્ચને ઘટાડવાની સ્ટેપ ડાઉન પદ્ધતિ સમજાવી. મેં એમને કહ્યું, ધારો કે તમે દર મહિને ચાર વખત ફાઇવ સ્ટાર હોટેલમાં જમવા જાઓ છો. તેમાં સ્ટેપ ડાઉન કરો એટલે કે મહિને ત્રણ વાર જાઓ અથવા તો ક્યારેક ફાઇવ સ્ટારમાં અને ક્યારેક તેનાથી થોડી ઊતરતી જગ્યાએ જમવા જાઓ.
બીજો વિકલ્પ ચારમાંથી એક વખત બહારથી ઘરે જમવાનું મગાવવાનો છે. ઘરે કોઈ રસોઈયાને બોલાવીને જમવાનું બનાવડાવવાનો વિકલ્પ પણ શક્ય છે. આમાંથી કયો વિકલ્પ પસંદ કરવો એ એમના પોતાના પર છે.
પંદર દિવસ પછી સૌરભે મને ફોન પર કહ્યું કે એમણે સેક્ધડ હેન્ડ BMW કાર ખરીદી લીધી છે. ઘણા ઓછા કિલોમીટર ચલાવાયેલી એ કાર એમને 20 લાખમાં મળી હતી. આ દંપતી બાકીના 30 લાખ રૂપિયાનું રોકાણ કેવી રીતે કરવું તેની ચર્ચા કરવા મને મળવા માગતું હતું.
ફાઈનાન્શિયલ પ્લાનર તરીકે મારે કહેવાનું કે હંમેશાં My Sensex અર્થાત્ My Sensible Expense એટલે કે સમજદારીપૂર્વકના ખર્ચ પર લક્ષ આપવું. બચત અને રોકાણ વધારવાં, જેથી લાંબા ગાળે સંપત્તિસર્જન કરી શકાય…
આ પણ વાંચો…આર્થિક મામલે અવ્યવહારુ ચંચળ વર્તન