`સ્મૃતિ પરિશુદ્ધ’ થતાં સ્વભાન ચાલ્યું જાય છે…

તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
સમાપત્તિના ચાર પ્રકારો છે:
(ઈં) સવિર્તક:
तत्र शब्दार्थज्ञानविकल्पैः सडकीर्णा सवितर्का समापति:। – यो. सू.; 1-42
`શાબ્દિક જ્ઞાન, યથાર્થજ્ઞાન અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન- આ ત્રણે વિકલ્પોથી સંકીર્ણ થયેલી સમાપત્તિને સવિતર્ક સમાપત્તિ કહે છે.’
આપણે આગળ જોઈ ગયા છીએ કે સમાપત્તિમાં વિષય અને ચિત્તનું તાદાત્મ્ય થાય છે. આ તાદાત્મ્યથી વિષયનું રહસ્ય પ્રગટ થાય છે. યૌગિક રહસ્યવિદ્યા પ્રમાણે પદાર્થ દેખાય છે તેટલો જ અને તેવો જ નથી. ભૌતિક પદાર્થ પણ રહસ્યપૂર્ણ ઘટના છે. આ જ્ઞાન શબ્દ ઈન્દ્રિયો કે તર્કથી મેળવી શકાય તેમ નથી. તે માટે વિશિષ્ટ દૃષ્ટિ (છઠ્ઠી ઈન્દ્રિય)નો વિકાસ થવો જોઈએ. સમાપત્તિમાં આ રહસ્યોદ્ઘાટન થાય છે. પરંતુ આ સવિર્તક સમાપત્તિ પ્રારંભની અવસ્થા છે. આ સમાપત્તિ ત્રણે પ્રકારના જ્ઞાનથી સંકીર્ણ થયેલી હોય છે.
`શાબ્દિક જ્ઞાન, યથાર્થજ્ઞાન અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન – આ ત્રણે વિકલ્પોથી સંકીર્ણ થયેલી સમાપત્તિને સવિતર્ક સમાપત્તિ કહે છે.’
શાબ્દિક જ્ઞાન એટલે શાબ્દિક વર્ણનથી મળેલું જ્ઞાન, ઈન્દ્રિયજન્ય જ્ઞાન એટલે પંચેન્દ્રિય દ્વારા મેળવેલું જ્ઞાન, તાર્કિક જ્ઞાનનો સમાવેશ પણ આમાં જ કરવામાં આવે છે; કારણ કે તર્ક પણ પ્રત્યક્ષ પર આધારિત છે. આ બંનેથી પર એક ત્રીજું રહસ્યપૂર્ણ જ્ઞાન છે, જેનાથી વિષયનું ખરું રહસ્ય પ્રગટ થાય છે. આ ત્રણે જ્ઞાનને અનુક્રમે શબ્દ, જ્ઞાન અને અર્થ કહેવામાં આવેલ છે. શાબ્દિક જ્ઞાન અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન હજુ હાજર છે, તેથી રહસ્યોદ્ઘાટન સંપૂર્ણ થતું નથી. આ ત્રણે પ્રકારનાં જ્ઞાનથી સંકીર્ણ હોવાથી આ સમાપત્તિ સવિર્તક સમાપત્તિ
ગણાય છે.
નિવિતર્ક:
स्मृति परिशुद्धौ स्वरूप शून्येवार्थमात्रनिर्भासा निर्वितका । – यो. सू.: 143
`સ્મૃતિ પરિશુદ્ધ થતાં સ્વભાન ચાલ્યુ જાય છે, ત્યારે ખરું જ્ઞાન પ્રકાશિત થાય છે. આ અવસ્થાને નિર્વિતર્ક સમાપત્તિ કહે છે.’
નિર્વિતર્ક સમાપત્તિ સવિતર્ક સમાપત્તિ પછીની ભૂમિકા છે. અહીં ત્રણે પ્રકારનાં જ્ઞાનની સંકીર્ણતા ચાલી જાય છે. માત્ર ખરું જ્ઞાન (રહસ્યપૂર્ણ જ્ઞાન) જ પ્રકાશિત થાય છે તેને अर्थमात्रनिर्भास કહે છે.
अर्थमात्रनिर्भासर्ङ्गी ની આ અવસ્થા આવે છે કેવી રીતે?
સામાન્ય અવસ્થામાં માત્ર શબ્દજન્ય અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન જ હોય છે. સવિતર્ક સમાપત્તિમાં એક ડગલું આગળ વધીને `અર્થ’ જ્ઞાનનો ઉદય થાય છે. પરંતુ હજુ ત્રણે જ્ઞાનની મિશ્રિત અવસ્થા છે. આ મિશ્રણનું કારણ શું છે? સ્મૃતિ. કારણ કે શાબ્દિક જ્ઞાન અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન (તર્કજન્ય જ્ઞાન સહિત) સ્મૃતિ પર આધારિત હોય છે.
પ્રત્યક્ષીકરણ આ પ્રકારના જ્ઞાનનો પાયો છે. અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સ્મૃતિ વિના બની શકે જ નહિ. તેથી સ્મૃતિ આ મિશ્રણમાં કારણભૂત છે. સ્મૃતિની પરિશોધન થતાં નિમ્ન પ્રકારનાં બંને જ્ઞાન આડખીલીરૂપ બનતાં અટકે છે; અને ખરું રહસ્યજ્ઞાન પરિશુદ્ધ સ્વરૂપો પ્રગટે છે. આ તથ્યને અહીં દ્વારા સૂચિત કરેલ છે.
સવિતર્કમાંથી નિર્વિતર્કમાં જતાં બીજી પણ એક ઘટના ઘટે છે. તે છે स्वरुपशून्यमिव – – સ્વભાવની ચેતનાનો લોપ. સવિતર્ક કરતા નિર્વિતર્ક સમાપત્તિમાં વધુ ઊંડાણ છે. ચેતના વધુ ઊંડી જતાં સ્વભાન ચાલ્યું જાય છે. તેને જ સ્વરૂપશૂન્યમિવ કહેવામાં આવે છે.
સ્વરૂપ (સ્વભાન)નો અર્થ અહીં અહંકારી ચેતના છે. ઇમ શબ્દ વાપર્યો છે, તે બતાવે છે કે અહીં પણ સ્વનું ભાન સંપૂર્ણપણે ચાલ્યું જતું નથી.
(ઈંઈંઈં-ઈંટ) સવિચાર અને નિર્વિચાર:
સમાપત્તિના ઉપરોક્ત બંને પ્રકારોનાં સ્વરૂપ અને સંબંધ જેવાં જ સ્વરૂપ અને સંબંધ સવિચાર અને નિર્વિચાર સમાપત્તિના પણ છે. ભિન્નતા માત્ર એટલી છે કે અહીં સમાપત્તિનો વિષય સૂક્ષ્મ છે.
ऐतयैव सविचारा निर्विचारा त सूक्ष्मविषया व्याख्याता॥ यो. सू.; 1-44
`આનાથી (પ્રથમ બંને સમાપત્તિના વર્ણનથી) સૂક્ષ્મ વિષયવાળી સવિચાર અને નિર્વિચાર સમાપત્તિની પણ વ્યાખ્યા થઈ ગઈ.’
પ્રથમ બન્ને સ્વરૂપો અને આ બંને સ્વરૂપોનો ભેદ `સૂક્ષ્મવિષયા’ શબ્દ દ્વારા સૂચિત થાય છે.
સૂક્ષ્મ વિષયોમાં તન્માત્રાઓ, મન, અહંકાર અને અવ્યક્ત પ્રકૃતિ સુધીના પદાર્થોનો સમાવેશ થાય છે.
निर्विचार वैशारधैडध्यात्म प्रसाद:। यो. सू.: 1-47
એટલે કે નિર્વિચાર સમાપત્તિનો અભ્યાસ દૃઢ થતાં અધ્યાત્મનો પ્રસાદ મળે છે. તે જ અવસ્થા વિશે આગળ જતાં કહે છે:
ऋतंभरा तत्र प्रज्ञा । यो. सू.; 1-48
`તે અવસ્થામાં ઋતંભરા પ્રજ્ઞાનો ઉદય થાય છે.’
ઋત એટલે વિશ્વ વ્યવસ્થાનું સત્ય. તેનું જ્ઞાન આ પ્રજ્ઞાથી થાય છે, તેથી તેને ઋતંભરા પ્રજ્ઞા
કહે છે.
- ઉન્નત અંતરંગ યોગ:
ધારણા, ધ્યાન, સંપ્રજ્ઞાત સમાધિ તથા તેના પ્રકારો અને સમાપત્તિ તથા તેના પ્રકારો વિશે આપણે જોયું. હવે પછી આપણે સમાધિના ઉચ્ચ સ્વરૂપો વિશે જોઈશું. આમ તો ધારણાથી પ્રારંભીને કૈવલ્ય સુધીના સમગ્ર ક્ષેત્રને અંતરંગયોગ કહે છે. પરંતુ તેના પણ જો બે વિભાગો કરીએ તો ધારણાથી સંપ્રજ્ઞાત સમાધિ સુધીના ક્ષેત્રનો પ્રથમ વિભાગ અને ત્યાર પછીના ઉચ્ચ સ્વરૂપના સમાધિ પ્રકારોથી કૈવલ્ય સુધીનો બીજો વિભાગ ગણાય છે. પ્રથમ વિભાગ યમાદિના બહિરંગયોગની તુલનાએ અંતરંગ યોગ છે, પરંતુ બીજા વિભાગની તુલનાએ તો તે પણ બહિરંગ છે.
त्रयमन्ड्गं पूर्वेभ्य:॥ यो. सू.; 3-7
`આ ત્રણે (ધારણા, ધ્યાન, સંપ્રજ્ઞાત સમાધિ) પૂર્વે કહેલાની તુલનાએ અંતરંગ છે.”
तदपि बहिरंड्ग निर्बीजस्य। यो. सू.; 3-8
`તે પણ નિર્બીજની તુલનાએ બહિરંગ છે.’
સમાધિનાં આ ઉચ્ચ સ્વરૂપો એટલે કે ઉન્નત અંતરંગયોગ વિશે પતંજલિએ બહુ સંક્ષેપમાં નિર્દેશ કર્યો છે અને તેમ થવાનું કારણ એ છે કે આ અવસ્થાઓ વિશે કાંઈ પણ કહેવું બહુ મુશ્કેલ છે. આ અશબ્દ અવસ્થાઓ છે. તેમનું નિર્વચન ન કરી શકાય. આમ છતાં જે કહેવાયું છે, તેને આધારે આપણે તેમને સમજવાનો પ્રયત્ન કરીએ. જે અનુભવગમ્ય છે, તેને શબ્દગમ્ય બનાવવાનો પ્રયત્ન હંમેશાં અપૂર્ણ રહેવાનો, એટલું ધ્યાનમાં રાખવું જોઈએ.
યોગસૂત્રમાં ઉન્નત અંતરંગયોગની ચાર અવસ્થાઓનો નિર્દેશ કરવામાં આવ્યા છે –
(1) અન્ય સમાધિ (2) નિર્બીજ સમાધિ (3) ધર્મમેઘ સમાધિ (4) કૈવલ્ય.
(1) અન્ય (અસંપ્રજ્ઞાત) સમાધિ:
સમાધિના આ સ્વરૂપથી ઉન્નત અંતરંગયોગનો પ્રારંભ થાય છે. અન્ય’ શબ્દસંપ્રજ્ઞાત સમાધિથી આગળની સમાધિ’ એમ સૂચવવા માટે વપરાયો છે. અર્થાત્ અહીં અન્ય’નો અર્થઅસંપ્રજ્ઞાત સમાધિ’ છે; જો કે પતંજલિએ અસંપ્રજ્ઞાત’ શબ્દનો પ્રયોગ કર્યો નથી. આ શબ્દનો પ્રયોગ અન્ય ભાષ્યકારો દ્વારા થયો છે.
અસંપ્રજ્ઞાત એટલે પ્રજ્ઞાહીન, એવો અર્થ નથી, પણ સંપ્રજ્ઞાતથી અન્ય અર્થાત્ જુદી, એવો અર્થ છે. સંપ્રજ્ઞાત સમાધિ પ્રજ્ઞાયુક્ત છે. અહીં પણ પ્રજ્ઞા તો છે જ અને વધુ વિકસિત છે. સમાધિના આ અને આગળના સ્વરૂપનું નિર્વચન શક્ય નથી, તેમ સૂચવવા માટે ‘अन्य’ શબ્દનો પ્રયોગ થયો છે. આમ વસ્તુત: આ ‘अन्य’ શબ્દ દ્વારા પતંજલિએ ઘણું કહી
દીધું છે.
સમાધિના પ્રસ્તુત સ્વરૂપ વિશે પતંજલિ એક સૂત્ર આપે છે:
विराम प्रत्ययाभ्यासपूर्वः संस्कार शेषोडन्य:। यो. सू.; 1-18
પ્રત્યયોના વિરામનો અભ્યાસ જેની પહેલા કરવામાં આવ્યો છે અને જેમાં હજુ સંસ્કારો શેષ રહ્યા છે, તેવા સમાધિ સ્વરૂપનેઅન્ય’ કહેવામાં આવે છે.
આ વ્યાખ્યામાં `અન્ય’ સમાધિ વિશે ત્રણ લક્ષણો સૂચિત કરવામાં આવ્યાં છે.
(ક્રમશ:)