તરોતાઝા

માહ..દી…દાલ.. શિયાળામાં શરીરને બનાવશે મજબૂત

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

મા..દી… દાલ, કાલી દાલ, માહ..દી..દાલ, માન..દી…દાલ વગેરે નામે ઓળખાતી ખાસ દાલ વિશે આજે આપણે જાણકારી મેળવીશું. શિયાળો શરૂ થાય તેની સાથે પંજાબમાં આખા અડદનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે. જેમ ગુજરાતી રસોડામાં તુવેરની દાળની સોડમ પ્રસરતી હોય છે, તે જ પ્રમાણે પંજાબી રસોડામાં આખા અડદનો ઉપયોગ કરીને તૈયાર થતી મા..દી.. દાલની સોડમ પ્રસરતી હોય છે.
શરીર સૌષ્ઠવની દૃષ્ટિએ જોઈએ તો, પંજાબીઓનું શરીર ખડતલ તથા મજબૂત જોવા મળે છે. તેનું મુખ્ય કારણ છે તેમના રોજબરોજના ખોરાકમાં શરીરને તંદુરસ્ત રાખી શકાય તેવા આહારને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમાં આખા અડદનો સમાવેશ મુખ્ય જોવા મળે છે. મા..દી ..દાલને કાળી દાલ પણ કહેવામાં આવે છે. પરંતુ તે દાલ મખનીથી અલગ હોય છે. મા..દી..દાલમાં આખા અડદનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે દાલ મખનીમાં કાળા આખા અડદ કે અડદની થોડી દાળ, રાજમા તથા ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેમાં માખણ-દહીંનો મસ્કો તથા ક્રીમનો ઉપયોગ વધુ થતો જોવા મળે છે. મખનીનો અર્થ જ થાય છે માખણવાળું.

કાળી દાલ કે મા..દી.. દાળ એ પંજાબી રસોડામાં બનતી એક હલકી-ફૂલકી દાળમાં ગણતરી પામે છે. જેમાં થોડા જ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આખા અડદને પલાળીને ઉપયોગમાં લેવામાં આવે તો તેનો સ્વાદ વધુ ખીલે છે. આખા અડદ માટે એવું કહેવાય છે કે તેની તાસીર ઠંડી હોય છે. તેથી તેને બનાવતી વખતે ઘીમાં હિંગનો વઘાર કરવાથી તેના ગુણો વધી જાય છે. તેમાં કૅલ્શ્યિમ, પોટેશ્યિમ, આયર્ન, ઝિંક, કાર્બોહાઈડે્રટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. શક્તિવર્ધક ગણાય છે. આખા અડદ શુક્રાણુવર્ધક ગણાય છે. પેશાબ સંબંધિત સમસ્યા, રક્તપિત્ત જેવા રોગથી રાહત માટે તેનો ઉપયોગ થતો આવે છે. મહેનતનું કામ કરતી વ્યક્તિઓ માટે અડદ એક વરદાન સમાન ગણાય છે.

વિવિધ ભાષામાં અડદને અલગ-અલગ રીતે ઓળખવામાં આવે છે જેમ કે સંસ્કૃતમાં માષ કે ધાન્યવીર, હિન્દીમાં ઉડદ કે ઉર્દી, બંગાળીમાં માષ કલાય, મરાઠીમાં ઉડીદ કે મગા, મલયાલીમાં ઉજુન્નૂ, કોંકણીમાં ચીરીન્ગો,ગુજરાતીમાં આખા અડદ કે અરદ.

માહ..દી…દાલના સ્વાસ્થ્યવર્ધક લાભ વિશે જાણી લઈએ :
પાચનક્રિયા મજબૂત બનાવવા માટે ઉપયોગી : આખા અડદમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે, જેને કારણે કબજિયાતની તકલીફમાં તેનો ઉપયોગ કરવાથી ત્વરિત ફાયદો થાય છે. પેટમાં વારંવાર ચૂક આવવી, કે કબજિયાતને કારણે પેટ ઉપર સોજાની તકલીફમાં ગુણકારી ગણાય છે.
સ્પર્મની માત્રા વધારવામાં મદદગાર:
એવું કહેવાય છે કે અડદનું સેવન કરવાથી પુરુષોમાં સ્પર્મની માત્રામાં ઝડપથી વધારો થવા લાગે છે. નપુસંકતા કે શીધ્રપતન જેવી તકલીફ ધરાવતી વ્યક્તિ જો અડદની દાળનું નિયમિત સેવન કરે તો શરીર સમય જતાં મજબૂત બનવા લાગે છે. રાત્રિના સમયે અડદનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેનું મુખ્ય કારણ છે તે પચવામાં ભારે હોય છે. જેને કારણે રાત્રિના સમયે અડદનું સેવન કબજિયાતની તકલીફ વધારે છે. રાત્રિના ભોજનમાં અડદનું સેવન કરવાથી તેને પચવામાં સારો એવો સમય લાગે છે. નિષ્ણાત આયુર્વેદાચાર્યોનું કહેવું છે કે રાત્રિના સમયે અડદનું સેવન સ્વાસ્થ્યને સુધારવાને બદલે નબળું બનાવે છે.

અડદમાંથી બનતી વિવિધ વાનગી અટલે માદી..દાલ, અડદના વડાં, ત્રેવટી દાળમાં જો અડદની દાળને બદલે આખા અડદને પલાળીને ઉમેરવામાં આવે તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. દક્ષિણ ભારતીય વાનગીઓ જેવી કે ઈડલી, વડા, ઢોંસા વગેરેમાં અડદની દાળનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. શિયાળો શરૂ થાય તેની સાથે, સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં પ્રત્યેક શનિવારે અડદ દાળની સાથે બાજરીના રોટલાનો આસ્વાદ અચૂક માણવામાં આવે છે. અડદનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ખાસ શિયાળું મીઠાઈ એટલે અડદિયા પાકની સોડમ આપને શિયાળામાં ઘરે ઘરે જોવા મળે.
ઍનિમિયાની તકલીફમાં લાભકારક:
અડદમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જેથી અડદની દાળનું સેવન કરવાથી શરીર બળવર્ધક બને છે. આયર્નને કારણે શરીરમાં લાલ રક્તકોશિકા (આરબીસી)ની માત્રા વધારવામાં મદદ કરે છે. વળી તેમાં યોગ્ય માત્રામાં ઑક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. શરીરના પ્રત્યેક અંગમાં ઑક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચે ત્યારે જ અંગોનું કામ સુચારુ રીતે ચાલે છે.

હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી :
અડદમાં સારા પ્રમાણમાં ફાઈબર, મેગ્નેશ્યિમ, પોટેશ્યિમ જેવા પોષક ગુણો સમાયેલા હોય છે. જે હૃદયની તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી ગણાય છે. જે લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે. કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પોટેશ્યિમ શરીરમાં લોહીના પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. રક્તકોશિકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
હાડકાંને મજબૂત બનાવે છે :
અડદની દાળમાં મેગ્નેશ્યિમ, આયર્ન, પોટેશ્યિમ, ફોસ્ફરસ તથા કૅલ્શ્યિમ જેવા સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ મિનરલ્સ સમાયેલાં હોય છે. જે હાડકાંની ડેન્સિટી મજબૂત બનવામાં મદદ કરે છે. શિયાળામાં ખાસ અડદનો વિવિધ રીતે ઉપયોગ કરવાથી ઢળતી વયમાં થતી હાડકાં સંબંધિત સમસ્યાથી બચી શકાય છે.
નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી બીમારીમાં કારગર : અડદની દાળ નર્વસ સિસ્ટમને મજબૂત કરવામાં ઉપયોગી આહારમાં સ્થાન ધરાવે છે. મગજની તંદુરસ્તી જાળવી રાખવામાં ઉપયોગી બને છે. નર્વસ સિસ્ટમની નબળાઈને કારણે થતી તકલીફ જેવી કે લકવા, મોં ઉપર થતી લકવાની અસર કે વારંવાર શરીરમાં નબળાઈનો અનુભવ થવો વગેરે તકલીફથી રાહત આપવામાં મદદ કરે છે.

માહ..દી દાલ બનાવવાની રીત:
સામગ્રી :1 કપ આખા અડદ 4-5 કલાક પલાળેલાં, ચપટી હિંગ,1 નંગ કાંદો, 2 મધ્યમ ટામેટાં, 3-4 નંગ લસણ, 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ, 1 નાની ચમચી ધાણાજીરું, 1 નાની ચમચી જીરું, 1 ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું પાઉડર, 1 નાની ચમચી ગરમ મસાલો, 2 ચમચી શુદ્ધ ઘી, સ્વાદાનુસાર મીઠું, સજાવટ માટે કોથમીર તથા લીલા મરચાં લાંબા કાપેલાં.

બનાવવાની રીત : સૌ પ્રથમ એક કપ આખા અડદને 4-5 કલાક પલાળી દેવાં. ત્યારબાદ તેને કુકરમાં બાફવા. બાફતી વખતે તેમાં ચપટી હળદર તથા મીઠું ભેળવવું. 3 સિટી બાદ દાળને 15-20 મિનિટ ધીમા તાપે સીઝવવી. એક કડાઈમાં 2 ચમચી ઘી લેવું. તેમાં જીરું ભેળવીને સાંતળવું. હિંગ નાંખવી. ઝીણાં સમારેલાં કાંદા સાંતળવા. ઝીણાં સમારેલાં ટમેટા ભેળવવા. આદુ મરચાં લસણની પેસ્ટ ભેળવીને બરાબર હલાવી લેવું. હળદર, ધાણાજીરુ, સ્વાદાનુસાર મીઠું ભેળવીને બરાબર મિક્સ કરવું. મસાલો બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બાફેલી અડદ ઉમેરવી. બરાબર ભેળવ્યા બાદ ગરમ મસાલો ઉમેરવો. કોથમીર, મરચાં તથા લીંબુથી સજાવીને ગરમાગરમ ફૂલકાં, બાજરીના રોટલાં-પરાઠા, નાન કે સ્ટીમ રાઈસ સાથે પીરસવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…