તરોતાઝા

કાંટાળી પણ કામની વનસ્પતિ: રણના લીલા સોના’ તરીકે ઓળખાતી નાગફણી’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

રણનું `લીલું સોનું ‘ કહેવાતી નાગફણી ખેડૂતોનું નસીબ બદલી દેતો કાંટાળો છોડ ગણાય છે. આ છોડને કાંટાવાળા નાશપતી તરીકે ઓળખવામાં આવે છે. મૂળ આ છોડનું ઉત્ત્પત્તિ સ્થાન મેક્સિકો મનાય છે.

આપને થશે કાંટાવાળા છોડના શું આરોગ્યવર્ધક ગુણો હશે? જી હા, છોડમાં કાંટા હોવા છતાં તેના સ્વાસ્થ્યવર્ધક ગુણો અનેક જોવા મળે છે. તેમાં ઉચ્ચ માત્રામાં ઍન્ટિ-ઑક્સિડન્ટની સાથે વિટામિન તેમજ ખનિજનું પ્રમાણ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકન દેશોમાં નોપલ કૅક્ટસ્‌‍ તરીકે જાણીતા ફળ, તો ક્યાંક તે શાક ગણાય છે. પાણીદાર શાક હોવાને કારણે તેને `રસીલા’નું ઉપનામ આપવામાં આવેલું છે.

નોપલ કૅક્ટસ્‌‍ શું છે તેવો સવાલ અચૂક આપના મનમાં ઊભો થશે. તો ચાલો જાણી લઈએ નોપલ કૅક્ટસ્‌‍ વિશે.
નોપેલ્સ યા નોપાલિટોસ નોપલ કૅક્ટસ્નો છોડ છે. લોકો તેનો ઉપયોગ શાક કે સલાડ તરીકે કરે છે. અમેરિકાના દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર તેમજ મેક્સિકોની રેસ્તોરાંમાં, ત્યાંની કરિયાણાની દુકાનમાં તેમજ ખેડૂત દ્વારા ભરાતા બજારમાં સરળતાથી મળી રહે છે.

તેનો વપરાશ વિવિધ રીતે થતો જોવા મળે છે. જેમ કે તેને શેકીને, ટાકૉઝમાં, જ્યૂસ, જામ, કૅન્ડી કે પછી હર્બલ ચા બનાવવામાં થાય છે. તેમજ વિવિધ પ્રકારની વાનગીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. સરળ રીતે તેનો ઉપયોગ કરવો હોય તો કાંદા-ટમેટાની સાથે સલાડના રૂપમાં ખાઈ શકાય છે. તેને કાપવામાં આવે ત્યારે તેનો દેખાવ લીલા મરચાં જેવો હોય છે. નોપલ્સમાં નાના બીજ હોય છે, તેને કાઢી લેવા જરૂરી છે. તેની છાલ કાઢી લેવી જરૂરી છે, ત્યારબાદ તેનો સ્વાદ મીઠાસભર્યો લાગે છે. નોપલ કૅક્ટસમાં નાના-નાના મોટે ભાગે લાલ રંગના ગોળાકાર ફળ ઊગે છે. તેનો ઉપયોગ આહારમાં કરી શકાય છે. મૅક્સિકોમાં કાંટેદાર નોપેલ્સનો જ્યૂસ એક લોકપ્રિય પીણું છે. વિયેટનામ નાગફણીના તેલનો સૌથી મોટો ઉપભોક્તા દેશ ગણાય છે. યુરોપમાં નાગફણીના તેલનો ભાવ 800 યુરો (લગભગ 64735 રૂા.)પ્રતિ લિટર છે.

કાંટાવાળા કૅક્ટસના છોડનો દેખાવ અત્યંત આકર્ષક લાગે છે. કૅક્ટસ માટે એવું કહેવાય છે કે તેમાં જેટલાં કાંટા વધુ તેટલાં વધુ ઝડપથી તે રોગને દૂર કરવામાં ગુણકારી. અનેક લોકો તેને `નાગફણી’ નામથી ઓળખે છે. તેનો ઉપયોગ દવા બનાવવામાં કરવામાં આવે છે.

નોપલ કૅક્ટસના સ્વાસ્થ્યવર્ધક લાભ
ત્વચા માટે ગુણકારી
કૅક્ટસનો છોડ પાણી જમા કરવા માટે અત્યંત જાણીતો છે. તેથી જ તેને `રસીલા’ના ઉપનામથી ઓળખવામાં આવે છે. ઍન્ટિ ઓક્સિડન્ટની સાથે વિટામિન તેમજ ઈલેક્ટ્રોલાઈટસ્ની માત્રા હોય છે. જે ત્વચા માટે સૂરજની ઉણપ પૂરનાર ગણાય છે. નોપલનું તેલ ત્વચા માટે અત્યંત ગુણકારી ગણાય છે. આ તેલના ઉપયોગથી ત્વચા ચમકદાર બને છે. તેનું મુખ્ય કારણ તેમાં રહેલાં વિટામિન એના ગુણો. વિટામિન એ ત્વચાને ડાઘ રહિત ચમકીલી બનાવવા માટે અત્યંત ગુણકારી ગણાય છે.

ડાયાબિટીસમાં લાભકારક
ડાયાબિટીસની સમસ્યામાં નોપલ કૅક્ટસનું સેવન ઉપયોગી બને છે. તેનું મુખ્ય કારણ છે તેમાં રહેલ ફાઈબરના ગુણો. જેને કારણે ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
નોપલ કૅક્ટસ કે નાગફણીનો ઉપયોગ સલાડની સાઈડ ડીશ તરીકે કરવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી તેનો ભોજનમાં ઉપયોગ ર્ક્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેથી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

કૅન્સરમાં ઉપયોગી
નોપલ કૅક્ટસનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે તો કૅન્સર જેવી બીમારીથી બચવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ તેમાં ઍન્ટિ- કાર્સિનોજેનિક ગુણ છે. આ કૅક્ટસમાં વિટામિન સી ભરપૂર માત્ર્ાામાં છે. જેે વ્યક્તિની રોગપ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

હાડકાં મજબૂત બનાવવામાં ગુણકારી
નોપલ કૅક્ટસ કે નાગફણીનો ઉપયોગ કરવાથી હાડકાં મજબૂત બને છે. તેનું મુખ્ય કારણ છે તેમાં રહેલી કૅલ્શ્યિમની ભરપૂર માત્રા.
જો યુવાનીમાં કૅલ્શ્યિમયુક્ત આહાર લીધો હોય તો શરીરમાં કૅલ્શ્યિમનું પ્રમાણ જળવાઈ રહે છે. જે દાંત તેમજ હાડકાંની મજબૂતાઈ જાળવવામાં મદદ કરે છે.

કૅક્ટસ્નું શાક
કૅક્ટસ્નો ઉપયોગ કરતાં પહેલાં તેનાં પાનનો ઉપરનો ભાગ છોલી લેવો જરૂરી છે. હૂંફાળા પાણીમાં થોડી વખત રાખીને તેને સાફ કરવા જોઈએ. ત્યારબાદ તેને થોડો સમય સૂકવી રાખવાં. જેથી તેનું પાણી સૂકાઈ જાય. ચીકાશ નીકળી જાય. સામગ્રી: 2 નંગ કૅક્ટસ્ના પાન, જરૂર મુજબ ઘી, ચપટી હિંગ, 1 ચમચી જીરું. 1 ચમચી વરિયાળી, સ્વાદાનુસાર મીઠું, 1 નાની ચમચી આમચૂર પાઉડર, 1 નાની ચમચી લાલ મરચું પાઉડર, ચપટી હળદર, 1 નંગ કાંદો ઝીણો સમારેલો.
બનાવવાની રીત : એક કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરવું. તેમાં જીરું, હિંગ, વરિયાળી, લાલ સૂકા મરચાં નાખીને હલાવી લેવું. તેમાં સાફ કરેલાં નોપલ કૅક્ટસ્ને ભેળવવાં. ધીમા તાપે સિઝવવું.
બરાબર પાકે એટલે તેમાં સ્વાદાનુસાર મીઠું, આમચૂર પાઉડર, હળદર, 1 નંગ ઝીણો સમારેલો કાંદો ભેળવવો. શાક તૈયાર છે. કોથમીરથી સજાવીને તેનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. ગરમાગરમ ફૂલકાં, પરાઠા કે જુવારનાં રોટલાં

સાથે કરવો.

કૅક્ટસની ખેતી રણ પ્રદેશમાં મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે. જેમાં રાજસ્થાન તથા કચ્છનો સમાવેશ થાય છે. કૅક્ટસની ખેતી દ્વારા ખેડૂતોને તેમનાં પાળેલાં ઢોરને ચારણ આપવામાં સુગમતા રહે છે. તેના સેવન થકી પાળેલાં ઢોર સારા પ્રમાણમાં દૂધ આપવાં લાગ્યા છે.
નાગફણીનો ઉપયોગ ઔષધ બનાવવામાં, ચામડું બનાવવામાં, લાલ રંગની ડાઈ બનાવવામાં, સૌંદર્ય પ્રસાધનમાં, બળતણ તરીકે તથા વિવિધ વાનગીમાં કરી શકાય છે. હવેથી કાંટાવાળા છોડને નકામો ન માનતાં તેને ખપમાં લઈને તેના લાભ મેળવજો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…