તરોતાઝા

પ્રાકૃતિક રીતે જ દુખાવાથી રાહત અપાવે ઔષધિય ગુણ ધરાવતાં `કોકમ’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતા ધરાવતો દેશ. વિવિધ બોલી, વિવિધ પહેરવેશ, વિવિધ રહેણી-કરણી અહીંયા જોવા મળે છે. વિવિધ તહેવારોનો આનંદ માણવાની સાથે ઓત-પ્રોત થઈને રહેતી પ્રજા તરીકે આગવી ઓળખ ધરાવે છે. ફળ-ફૂલ-શાકભાજીની સાથે અનાજમાં વિવિધતા ઊડીને આંખે વળગે તેવી હોય છે. તેથી જ ભારતીયો ભોજનપ્રિય તેમજ સ્વાદરસિયા તરીકે ઓળખાય છે. બીજા રાજ્યની વાનગીનો સ્વાદ માણવા ખાસ તે રાજ્યની મુલાકાત લેતાં હોય છે. અરસ-પરસ સંપ-સહકારથી લોકો રહે છે.
ચાલો આજે માણી લઈએ મહારાષ્ટ્રમાં તેમજ કોંકણ પ્રદેશમાં મબલખ ઊગતાં કોકમના લાભ વિશે. મહારાષ્ટ્રની મુલાકાત લો ત્યારે કોકમનું શરબત પીવાનું ભૂલતાં નહીં. આ ફળની ખાસ વાત એટલે તેનો દેખાવ કાચું હોય ત્યારે સફરજન જેવો હોય છે. પાકી ગયા બાદ તેનો રંગ ઘેરો જાંબુડી બને છે. તેનો ફળ તરીકે તેમ જ તેનો રસ બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે. મોટે ભાગે તેની સૂકવણી ઘરે ઘરે ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે કોકમનું નામ વાંચતા તેમાં સમાયેલી ખટાશ વિશે પ્રથમ વિચારવામાં આવતું હોય છે.

શતકોથી કોકમની હાજરી મસાલાના ડબ્બામાં વાનગીનો સ્વાદ વધારનાર તરીકે જોવા મળે છે. દાળ-શાકમાં વપરાતાં કોકમનું શરબત સુપાચ્ય તેમજ સ્વાદિષ્ટ હોય છે. શરીરમાં થતો દુખાવો દૂર થઈ જાય છે. કોકમ ઍન્ટિ-ઑક્સિડન્ટ, વિટામિન ઈ, ફાઈબરની સાથે વિવિધ પોષક તત્ત્વો ધરાવે છે. તેનું સેવન કરવાથી ત્વચા મુલાયમ બને છે.

કોકમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય
કોકમના ફળનો રસ પી શકાય, સ્મૂધી બનાવીને, સલાડમાં કોકમનો પાઉડર છાંટી શકાય છે. દાળ-શાકમાં
કોકમના ફૂલને પાણીમાં પલાળીને વાપરી શકાય. આમલીને બદલે કોકમની ચટણી બનાવીને
પરોઠા, સમોસા કે ભજિયા સાથે ઉપયોગમાં લઈ શકાય. પાકેલાં કોકમના ફળની છાલ કાઢીને ખાઈ શકાય.
100 ગ્રામ કોકમમાં 60 કૅલરી છે. કોકમનો ઉપયોગ વ્યક્તિ કોઈપણ જાતનાં ખચકાટ વગર કરી શકે છે. તેનું કારણ છે તેમાં વિવિધ મિનરલ્સ-વિટામિન સમાયેલાં છે. વિટામિન એ આંખની તંદુરસ્તી માટે આવશ્યક છે.
વિટામિન બી-3 શરીરને શક્તિવર્ધક બનાવવાની સાથે ન્યૂરોલોજીકલ ફંકશનમાં સુધારો લાવે છે. (વય વધવાની સાથે ભૂલી જવાની તકલીફ) વિટામિન સી પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.

કોકમના મુખ્ય ગુણધર્મ તેમાં રહેલી એસિટીક એસિડ, હાઈડ્રોક્સી સાઈટ્રિક એસિડ. જે ભૂખને દબાવી દે છે. જેને કારણે વધતાં વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. થોડું ભોજન કરવાથી પણ ધરાઈ
જવાય છે.

પાચન માટે લાભકારક
કોકમમાં ફાઈબરનું પ્રમાણ હોય છે. ફાઈબરયુક્ત આહાર લેવાથી આંતરડાંમાં જમા થયેલ વિષાણુયુક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ મળે છે. કોકમનો ઉપયોગ કરવાથી પેટ ફૂલી જવું, ખાટા ઓડકાર છાતીમાં બળતરાં કે પિત્તની સમસ્યાથી રાહત મળે છે. પાચન ક્રિયા મજબૂત બને છે. લાંબા સમયથી રહેતી કબજિયાતથી રાહત મેળવી શકાય છે.

બૅકટેરિયાથી થતાં ચેપી રોગથી દૂર રાખે છે કોકમમાં ઍન્ટિ ફંગલ તેમજ ઍન્ટિ બૅક્ટેરિયલ ગુણધર્મ છે. પ્રદૂષણને કારણે કે શરીરમાં બૅક્ટેરિયા પ્રવેશતાં ચેપી રોગ થવાની શક્યતા વધી જાય છે. કોકમનો ઉપયોગ તેનાથી રાહત અપાવે છે. ઘેરો ઘાવ હોય તેવા સંજોગોમાં કોકમના ઉપયોગને કારણે ઘામાં રૂઝ ઝડપથી આવી જતી હોય છે. શરીરમાં રહેલાં મુક્ત રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે.

હૃદયને નિરોગી રાખવામાં ઉપયોગી
ફાઈબરની માત્રા ધરાવતાં કોકમ હૃદયને નિરોગી રાખવામાં ઉપયોગી બને છે. કોકમમાં પોટેશિયમ, મૅંગેનિઝ, વિટામિન બી કૉમ્પલેક્સ, મેગ્નેશિયમ જેવાં પોષક તત્ત્વો સમાયેલાં છે. જે હૃદયના ધબકારા તેમજ બ્લડપ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. નિયમિત પ્રમાણભાન રાખીને કોકમનો ઉપયોગ કરવાથી હૃદય સંબંધિત વિવિધ તકલીફથી બચી શકાય છે.

અતિસારમાં લાભકારી
ગરમીની શરૂઆત થાય તેની સાથે જો ખોરાકમાં જરાપણ ગરબડ થાય તો પાચનક્રિયા બગડી જતી હોય છે. અતિસારની તકલીફ પજવવા લાગે છે. કોકમનું શરબત પેટમાં ચૂક આવવી કે ઝાડા છૂટી પડવાની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે લાભકારી છે.

શરીરને ઠંડક પહોંચાડે છે
ઉનાળાની ગરમીમાં અનેક વખત લોકો અચાનક બેબાકળા બનીને ચક્કર ખાઈને પડી જતાં હોય છે. તો ક્યારેક બેભાન બની જતાં હોય છે. કોકમની તાસીર ઠંડી છે. તેથી તેનું શરબત પીવાથી શરીરનું તાપમાન અંદરથી ઠંડું કરે છે. ગરમીથી રાહત મેળવવા વિવિધ રાજ્યોમાં કેરીનો પન્નો, વરિયાળીનું શરબત, લીંબુનું શરબત કે ગુલાબનું શરબત પીવામાં આવતું હોય છે. તે જ પ્રમાણે મહારાષ્ટ્રમાં કોકમનું શરબત પીને શરીરને અંદરથી ટાઢક પહોંચાડવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ત્વચા માટે ગુણકારી
કોકમમાં ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણધર્મ સમાયેલાં હોય છે. જેને કારણે તે ત્વચા માટે અત્યંત ફાયદાકારક ગણાય છે. તેનું સેવન મુક્ત રેડિકલ્સ તેમજ પ્રદૂષણને કારણે થતાં નુકસાનથી બચાવે છે.
વિટામિન ઈને કારણે ઉનાળામાં તાપથી બચાવે છે. ત્વચા મુલાયમ તેમજ ચમકદાર બનવામાં ઉપયોગી બને છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી
સપ્રમાણ માત્રામાં ભોજન તંદુરસ્ત જીવન માટે આવશ્યક છે. મોટા ભાગે તેનું પ્રમાણભાન ન રહેવાને કારણે, અંકરાતિયાની જેમ વ્યક્તિ ભોજન લેતી જ રહેતી હોય છે. આવા સંજોગોમાં ધીમે ધીમે તેનું વજન વધતું જાય છે. આકર્ષક બાંધાને બેડોળ બનાવી દે છે. અનેક વખત એવું બને છે કે અન્ય વ્યક્તિ દ્વારા ટીકા કરવામાં આવે ત્યારે સંકોચ અનુભવે છે. વજનને નિયંત્રણમાં લેવા માટે યેનકેન અખતરા કરે છે. જેને કારણે શરીર નબળું પડવાની સાથે રોગને આમંત્રણ આપી બેસે છે. આવા સંજોગોમાં ભારતીય રસોડામાં આગવું સ્થાન ધરાવતાં કોકમનો ઉપયોગ રામબાણ ગણાય છે. તેનું મુખ્ય કારણ કોકમમાં હાઈપોકોલેસ્ટેરોલેમિક ઘટક છે. જે કૅલરીનું ચરબીમાં રૂપાંતર કરવાનું અટકાવે છે. જેને કારણે શરીરમાં ચરબી જમાં થતી નથી. ચરબી હોય તો તે પીગળવામાં મદદ કરે છે.

ડાયાબિટીસથી બચાવમાં લાભકારી
કોકમ શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા વધારે છે. જે લોહીમાં ગ્લુકોઝનું લેવલ નિયમિત કરે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

કોકમની ચટણી: પલાળેલાં લીલા કોકમ 12-14 નંગ, 1 ચમચી જીરું, 1 ચમચી મરી, 1 નંગ લીલું મરચું, 1 નાની વાટકી લીલું નાળિયેર, સ્વાદાનુસાર સંચળ અથવા આખું મીઠું,? 3 મોટી ચમચી ગોળ. (ગોળનું પ્રમાણ કોકમથી બે ગણું લેવું.)
બનાવવાની રીત : સૌ પ્રથમ કોકમને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળીને રાખવા. જીરૂ તથા મરીને લોખંડના તવા ઉપર શેકી લેવું. મિક્સરમાં શેકેલું જીરું, મરી તથા આખું મીઠું કે સંચળ ભેળવીને વાટી લેવું. મિક્સરમાં પલાળેલાં કોકમ ગોઠવવા. લીલું મરચું તથા તાજું કાપેલું નાળિયેર મૂકવું. સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરીને ચટણી વાટી લેવી. આ સ્વાદિષ્ટ ચટણી તાજી ખાવી વધુ હિતાવહ છે. વળી આમલીની ખટાશ ભેજ વાળા વાતાવરણમાં માફક ન આવતી હોય તેમને માટે કોકમની ચટણીનો વિકલ્પ સારો ગણી શકાય. ગમે તેટલો ભારે ખોરાક બાદ એક નાની ચમચી કોકમની ચટણીને ખાવાથી ભોજન પચવામાં મદદ મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…