અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
‘અમેરિકા’ વેચાઈ ગયું, 12 મિલિયન ડૉલરમાં!
ઉતાવળે અભિપ્રાય નહીં બાંધી લેતા. યુધિષ્ઠિર ચોપાટમાં ‘ઈન્દ્રપ્રસ્થ’ શહેર હારી બેઠા હતા એમ વિચિત્ર ખોપડીના ડોનલ્ડ ટ્રમ્પ કંઈ અમેરિકા હારી નથી બેઠા કે નથી એમણે વેચી માર્યું. જોકે, ‘અમેરિકા’ વેચાઈ ગયું એ વાત સાચી છે.
અલબત્ત, એની નીલામી થઈ એમ કહેવું બહેતર રહેશે. હરાજીમાં ઊપડી ગયું એ ‘અમેરિકા’ નામનું ટોયલેટ છે. ઈટલીના આર્ટિસ્ટે બનાવેલું કલાત્મક 18 કેરેટ સોનાનું 101 કિલો વજનનું જાજરૂ 121 લાખ ડૉલરમાં અમેરિકન બ્રાન્ડ ‘રિપ્લેઝ બિલીવ ઈટ ઓર નોટ’ દ્વારા ખરીદવામાં આવ્યું છે.
કેવું કહેવાય ને કે ન માની શકાય એવી આઈટમ ગળે ન ઊતરે એવા ભાવમાં માનો યા ના માનો તરીકે ઓળખાતી કંપનીએ જ ખરીદ્યું છે. 2016માં યુએસના એને ન્યૂયોર્ક શહેરના ગુગનહાઈમ મ્યુઝિયમમાં પબ્લિક ટોયલેટ તરીકે બેસાડવામાં આવ્યું હતું. ત્યારબાદ એને ઓક્સફર્ડશાયરના મહેલમાં ખસેડવામાં આવ્યું હતું, પણ 2019માં કેટલાક ચોરટાઓ આ ટોયલેટ ઉપાડી ગયા ત્યારે એની ખૂબ ચર્ચા થઈ હતી.
રસપ્રદ વાત એ છે કે ‘અમેરિકા’ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ઓફર કરવામાં આવ્યું હતું, પણ અમેરિકન મ્યુઝિયમમાં અંદાજે એક લાખ લોકોએ એનો ઉપયોગ કર્યો હોવાની જાણકારી મળતા ટ્રમ્પની ઈચ્છા મરી ગઈ હતી.
નીલામી કંપની ‘સદેબિઝ’ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા અનુસાર બોલીની શરૂઆત સોનાના એ દિવસના ભાવ (આશરે 10 મિલિયન ડૉલર)થી થઈ હતી. અલબત્ત, ટોયલેટના નવા માલિક એના પર ખુદ પોતે એકલા બેસસે કે બીજા કોઈને પણ બેસવા દેવા કે નહીં એ વિશે અવઢવમાં છે.
આપણ વાચો: અજબ ગજબની દુનિયા (10-12-2025)
ફિલ્મી સ્ટાઈલમાં પલાયનમાં પાવરધો
‘ઐસી કોઈ જેલ નહીં બની જો હમે કૈદ કર સકે’ ડાયલોગ થોડા શબ્દોની હેરફેર સાથે હિન્દી ફિલ્મોમાં તમે ઘણીવાર સાંભળ્યો હશે. જેલના સળિયા તોડી નાસી છૂટેલા કેદી માટે સહાનુભૂતિ ન હોય, પણ એમની કમાલ માટે વિસ્મય જરૂર થાય. યુરોપિયન દેશ અલ્બેનિયાના 41 વર્ષના રહેવાસી ટોમા ટોલન્ટ હિન્દી ફિલ્મ કે એના સંવાદથી વાકેફ હોવાની સંભાવના શૂન્ય છે, પણ એ ડાયલોગના ભાવાર્થને તેણે બરાબર પચાવ્યો છે.
‘એસ્કેપ કિંગ’ તરીકે નામના મેળવનાર આ શખ્સ તાજેતરમાં ઈટલીના મિલાન શહેરની એક કડક સલામતી વ્યવસ્થાના ફૂરચે ફૂરચાં ઉડાડી પલાયન થવામાં સફળ રહ્યો હતો. હોલિવૂડ ફિલ્મના પ્લોટની જેમ આ કેદી જેલના વર્કશોપમાંથી કાનસ નામનું ઓજાર બધાની નજર ચૂકવી ચોરી પોતાની કોટડીની દીવાલની બારીના ધાતુના સળિયા કાપી પથારીની ચાદરનું દોરડું બનાવી ભાગી જવામાં સફળ રહ્યો.
આ વાંચી તમને હિન્દી ફિલ્મનું દ્રશ્ય પણ યાદ આવી ગયું હશે. આમાં મજાની વાત એ છે કે કડક ચોકી પહેરા છતાં ભાગવામાં એ કારણસર સફળ રહ્યો કે સુરક્ષા કર્મચારીઓની ડ્યૂટી બદલાઈ રહી હતી એ જ સમયે મિસ્ટર ટોમાએ છલાંગ મારી હોવાથી સિક્યોરિટી એલાર્મ વાગ્યું જ નહીં. જોકે, ભાગવામાં માહેર આ શખ્સ સંતાઈ જવામાં હોશિયાર ન હોવાથી પકડાઈ ગયો. અગાઉ ત્રણ વાર પલાયન થઈ જવામાં સફળ રહેલા આ કેદીની ‘આવડત’ લોકોમાં કુતૂહલનો વિષય બની ગયો છે.
આપણ વાચો: અજબ ગજબની દુનિયા: ડબલા સર્વિસના ડબ્બા ગૂલ
બિહાર સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો બોટલ દે દો!
રજા પડે એની મજા માણવા વલસાડ, સુરત કે એની આસપાસ રહેતી દોસ્તારોની ટોળી દમણ પહોંચી જાય એ વણલખ્યો શિરસ્તો છે. દમણ જ કેમ એનો જવાબ હિન્દી ફિલ્મ ગીત ગાઈને આપવો હોય તો ‘થોડી સી જો પી લી હૈ, ચોરી તો નહીં કી હૈ’ જેવા ઢગલાબંધ ઉદાહરણ હાજર છે.
ડ્રાય સ્ટેટ (દારૂબંધી હોય એવાં રાજ્યો)માં રહેતા છાંટોપાણીના શોખીનો શરાબની બાબતમાં આંગળી આપો તો પહોંચો પકડે એવા હોય છે. રાજ્યની સરહદ ઓળંગી નથી અને ચિયર્સના ગગનભેદી નારા થયા નથી. દારૂબંધીનો કાયદો ગુજરાત ઉપરાંત બિહાર તેમ જ મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ છે.
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં વરરાજાને પરણાવવા જાન બિહારથી નીકળી હતી. રસ્તામાં બીજો ઘણો આનંદ કર્યો પણ ‘ઢક્કન ખોલ કે’ જેવી મજા તો ન જ આવે. બિહારની સરહદ પાર કરી ઝારખંડમાં દાખલ થયા કે ‘મૈંને હોઠોં સે લગાઈ તો હંગામા હો ગયા’ દરેકે દરેક જાનૈયાના મોઢે રમવા લાગ્યું અને સુકાઈ ગયેલા હોઠ ભીના થવા લાગ્યા. કેટલાક લોકો તો વધુ પડતું લીધું હોવાથી ઢળી પડ્યા પછી જાન સમયસર માંડવે માંડ માંડ પહોંચી.
બિહારથી આવતા ‘તરસ્યા’ લોકોને બરાબર ઓળખતા ઝારખંડના કેટલાક ભેજાબાજ લોકોએ બિહારની સરહદ પૂરી થાય અને ઝારખંડની સીમા શરૂ થાય ત્યાં ‘વ્યવસ્થા’ તૈયાર રાખી હોય છે. બિહારી બારાત ઝારખંડ જવાની હોય તો લોકો હોંશે હોંશે વરઘોડામાં સામેલ થાય છે – ‘ભીના થવા’ મળશે એ આશાએ…
આપણ વાચો: અજબ ગજબની દુનિયા!
સંતરાનું વિટામિન ને છાલથી માલામાલ
એક વાતથી બે ફાયદા થાય એ માટે વપરાતી ‘આમ તો આમ ગુઠલિયોં કે ભી દામ’ કહેવતથી ‘મુંબઈ સમાચાર’ના વાચકો સુપેરે પરિચિત હશે. આ કહેવતનો ભાવાર્થ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના રહેવાસીઓ અનુભવી રહ્યા છે. નાગપુર મહારાષ્ટ્રના શિયાળુ પાટનગર તરીકે ખ્યાતિ ધરાવવા ઉપરાંત ‘સંતરાના શહેર’ તરીકે પણ નામના ધરાવે છે.
જોકે, ચીની પ્રાંતે સંતરાને લઈને નાગપુર કરતાં અનેકગણી લોકપ્રિયતા મેળવી છે. અહીં સંતરાને ખૂબ મળતા આવે એવા ‘ક્લેમેન્ટાઈન’ ફ્રૂટ ખાઈ વિટામિન ‘સી’નું પોષણ મેળવવા ઉપરાંત એ ફળની છાલ વેચી અનેક લોકો માલામાલ થઈ રહ્યા છે. આ વાંચીને કદાચ બે ઘડી વિશ્વાસ નહીં બેસે, પણ હકીકત એ છે કે 10 વર્ષ જૂની છાલની કિંમત પ્રતિ કિલો 12 હજાર રૂપિયા છે. ચોંકી ગયા હો તો આગળ વાંચો:
જો છાલ 50-60 વર્ષ જૂના ‘ક્લેમેન્ટાઈન’ની હોય તો લાખો રૂપિયા પણ એના ઊપજે. માર્કેટમાં આ છાલની એવી ડિમાન્ડ છે કે માલ આવતાની સાથે ‘આઉટ ઓફ સ્ટોક’ થઈ જાય. જોકે આ કોઈ ઘેલછા કે ગાંડપણ નથી, બલકે સદીઓ જૂની પરંપરા જે આજે ઈન્વેસ્ટમેન્ટ સ્વરૂપમાં મહોરી ઉઠી છે. પારંપરિક ચિકિત્સામાં આ છાલ ઔષધીય ગુણોને કારણે વિશેષ મહત્ત્વ ધરાવે છે. એમાંય કોવિડ મહામારી પછી આયુર્વેદ માટે આસ્થા વધી હોવાથી છાલ આર્થિક છત્ર બની ગઈ છે.
લ્યો કરો વાત!
મોડર્ન સાયન્સ દિવસે દિવસે જે નવા સંબંધો અને સમીકરણો શોધી રહ્યું છે અને નવી શોધખોળો કરી રહ્યું છે એ જોતા આંખો આશ્ચર્યથી પહોળી થતી જાય છે અને મગજ હેરત પામતું જાય છે.
એક અહેવાલ પ્રમાણે વૈજ્ઞાનિકો શનિ નામના ગ્રહ (અહીં ખગોળશાસ્ત્રની વાત છે, જ્યોતિષની નહીં, પ્લીઝ)ના ઉપગ્રહો તેમ જ એના વલયમાંથી સંગીત ઉત્પન્ન કરવામાં સફળ રહ્યા છે. ગ્રહની તાલબદ્ધ ભ્રમણકક્ષાને મ્યુઝિકલ ઓક્ટેવ (આપણે સાત સૂરની સરગમ કહીએ અને વિદેશમાં ઓક્ટેવ કહેવાય)માં રૂપાંતરિત કરવામાં સફળ રહ્યા હતા.
અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’એ બે દાયકા પહેલા તરત મુકેલા કેસીની સ્પેસક્રાફ્ટના મિશનની પૂર્ણાહુતિની ઉજવણી નિમિત્તે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ અવકાશયાન કેટલાક સમયથી શનિ ગ્રહની માહિતી એકઠી કરી રહ્યું હતું. વૈજ્ઞાનિકોના મતે વલયોને કારણે ગ્રહમાળાનો શનિ એક માત્ર ગ્રહ છે, જ્યાં સંગીતનો ધ્વનિ પેદા થાય છે.



