તરોતાઝા

આરોગ્ય પ્લસઃ શરીરને પજવતા ચામડીના હઠીલા રોગ

સંકલન: સ્મૃતિ શાહ મહેતા

ચામડી એ આપણા શરીરનું સહુથી મોટામાં મોટું અંગ છે. તે શરીરના હાડકાં, સ્નાયુઓ તેમ જ આંતરિક અંગોનું રક્ષણ કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. તેમ જ ચામડી શરીરને બાહ્ય ચેપી વાતાવરણથી બચાવે છે અને શરીરની ઠંડી અને ગરમી સામે યોગ્ય રીતે રક્ષણ આપી શરીરના તાપમાનને સંતુલિત રાખે છે.

આમ ચામડી એ આપણા શરીરનું સહુથી બહારનું આવરણ છે, આથી એ બાહ્ય વાતાવરણના સીધા સંપર્કમાં સતત રહે છે. માટે ચામડીની સફાઇ યોગ્ય રીતે રાખવામાં આવે તો ચામડીને લગતા અનેક રોગ થઇ શકે છે. તેમ જ ચામડી આપણને સુંદરતા પ્રદાન કરે છે અને ચામડી આપણા શરીરના સ્વાસ્થ્ય માટે એક મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી ચામડીના રોગ ન થાય તેની આપણે અવશ્ય સાવધાની રાખવી જોઇએ.

કુદરતની ગોઠવણ પ્રમાણે આપણે ચામડી 30થી 40 હજાર કોષો દર મિનિટે નાશ પામે છે. તેમ જ દર 28 દિવસે આપણી ચામડી સંપૂર્ણ બદલાઇ જાય છે. આમ ચામડી શરીરને સ્વસ્થ રાખવા સતત પોતાનું કાર્ય કરતી રહે છે, પરંતુ આજના યુગમાં વધુ સુંદર દેખાવાના ગાંડપણમાં આપણે સાબુ, લોશન, શેમ્પૂ જેવા વિવિધ કોસ્મેટિક્સનો વધુ પડતો બિનજરૂરી ઉપયોગ કરીને ચામડીના તે કાર્યમાં વિક્ષેપ કરીએ છીએ, પરંતુ ઘણીવાર તો તે પદાર્થો જ ચામડીના અનેક રોગને આમંત્રણ આપે છે.

એક શકયતા એવી પણ છે કે, જે વ્યક્તિઓને વધુ સુંદર દેખાવાની ઘેલછા હોય છે તેમને ચામડીના રોગ થવાની સંભાવના વધારે છે. ભગવાને આપણને સુંદરતા આપેલી જ છે તો શું વધુ સુંદર દેખાવાની ઘેલછામાં રોગને આમંત્રણ આપવું તે ખરેખર ડહાપણ કહેવાય?

ચામડીના રોગોમાં રાખવાની સાવધાની

  • ચામડી પર થતા કાળા ડાઘને અટકાવવા વધુ તડકામાં ફરવાનું ટાળવું.
  • ચામડીમાં થતી એલર્જી તથા વાઢિયાને અટકાવવા સાબુ ડિટર્જન્ટવાળા પાણીમાં હાથ-પગ બહુ ન પલાવવા.
  • દાદર જેવી તકલીફમાં દર્દીએ હલકાં તથા ખુલ્લાં વસ્ત્રો પહેરવાં. દિવસમાં બે વાર જંતુનાશક સાબુથી વ્યવસ્થિત સ્નાન કરવું. તેથી પરસેવો ઓછો થવાથી તકલીફ ઓછી થાય.
  • ચામડીમાં થતા ખસ, દાદર વગેરે જેવા ચેપી રોગને ફેલાતા અટકાવવા દર્દી માટે નાહવાના સાબુ, રૂમાલ તથા અન્ય વસ્ત્રો વગેરે અલગ રાખવા. તથા તેને યોગ્ય રીતે ગરમ પાણીથી સ્વચ્છ કર્યા પછી જ ફરી વાપરવાં.
  • પગમાં થતી કપાસી અટકાવવા ચામડીને ઘસારો ન લાગે તેવા નરમ ચપ્પલનો ઉપયોગ કરવો.
  • પગમાં થયેલા વાઢિયાને આરામ આપવા વાઢિયાવાળા ભાગને હૂંફાળા પાણીમાં થોડીવાર ડૂબાડી રાખવો. ત્યારબાદ પગને પાણીમાંથી બહાર કાઢી, હળવા હાથે રૂમાલ વડે તેના ઉપરથી નીતરતું પાણી લૂછી લઇને, કોપરેલ કે ઘી જેવા તૈલી પદાર્થો ત્યાં ઘસવા.
  • ખીલને થતા અટકાવવા દિવેલથી બેથી ત્રણ વાર ચહેરાને વ્યવસ્થિત રીતે સ્વચ્છ કરવો. પરસેવા તથા ધૂળથી બચવું.
  • નિયમિત લાલ પાંદડાવાળા શાકભાજી તથા ફળફળાદિ યોગ્યમાત્રામાં લેવાથી ચામડીને યોગ્ય પોષણ મળી શકે છે.
  • ચામડીના રોગથી બચવા તૈલી, વધુ ગરમ, ખાટાં, ખારા અને વધુ તીખા પદાર્થો ન લેવા. તેમ જ વિરુદ્ધ આહારનું સેવન ચામડીના રોગનું મૂળ છે.
  • ચામડીના રોગના દર્દીઓએ કબજિયાત ન થાય તેની સાવધાની ખાસ રાખવી.
  • રોજ 15થી 20 મિનિટ માટે પ્રાત:કાળનો સામાન્ય તડકો ચામડી માટે ખૂબ જ ફાયદાકાર ક છે. જ્યારે વધુ પડતો તીખો તડકો ચામડીને ખૂબ જ નુકસાનકારક છે.
  • ત્વચાના વિકારોની જો વધુ સમસ્યા હોય તો દર્દીએ ચિકિત્સકના માર્ગદર્શન અનુસાર માત્ર ગરમ પાણી પર રહી અમુક (5-7) ઉપવાસો કરવા.
  • જો ગરમીના દોષથી ત્વચાની બીમારી થાય તો આહારમાં ઘી, દૂધ, માખણ, ઘઉં, ચોખા, દૂધી, પરવળ, તૂરિયાં, કેળાં, સફરજન, કાકડી જેવા સાત્ત્વિક પદાર્થ લેવાં.
  • જો કફદોષથી ત્વચાના વિકાર થયા હોય તો આહારમાં મરી, આદું, મેથી, રાઈ, રિંગણા, સરગવો, બાજરી, ચણાનો લોટ જેવાં સૂકા, ગરમ તથા મસાલેદાર પદાર્થો લેવાં.

ચામડીના વિવિધ રોગ:
કડું અને કરિયાતું સરખા વજનમાં લઈને મેળવી ચૂર્ણ કરવું, સવારે અને રાત્રે એક ચમચી ચૂર્ણ ફાકીને પાણી પીવું. આ ઉપચારથી ચામડીના મોટા ભાગના રોગ દૂર થઈ શકે છે.

ગૂમડાં:
1) દરરોજ સવારે લીમડાનાં પાનનો રસ પીવાથી પેટ સાફ આવે છે અને ગૂમડાં થતાં નથી ને થયેલા હોય તો તે મટી જાય છે.

2) લીમડાના પાંદડાને વાટીને લેપ બનાવી ગૂમડાં પર લગાડવો.

3) આવળાને વાટીને તેનો લેપ ગૂમડાં પર લગાડવાથી ગૂમડૂં પાકીને ફૂટી જાય છે.

4) ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પોટલી બનાવી ગૂમડાં પર બાંધવાથી ગૂમડું પાકીને ફૂટી જાય છે.

5) ગૂમડાં પર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગૂમડું ફૂટી જાય છે.

6 ) સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું બેસી જાય છે.

7 ) પાલક અથવા તાંદળજાના પાનનો લેપ બનાવી ગૂમડાં પર બાંધવાથી ગૂમડું પાકી જાય છે.

8 ) ગાજરને બાફી તેનો લેપ બાંધવાથી ગૂમડાં મટી જાય છે.

9) હળદરની રાખ અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગૂમડૂં ફૂટી જાય છે.

ચામડીને સ્વચ્છ, સુંવાળી અને ચમકીલી કઈ રીતે રાખશો …

કારેલાંનાં પાનનો રસ ચામડી ઉપર ચોપડવાથી ચામડી સંબંધી કોઈ પણ જૂના રોગ મટે છે. દૂધમાં લીંબુનો રસ મેળવી સવાર-સાંજ ચહેરા પર માલિશ કરવાથી ત્વચા ઊજળી અને ગોરી બને છે.

રસ કાઢી લીધેલા લીંબુના ફાડિયા ચહેરા પર ઘસવાથી ત્વચાની કાળાશ દૂર થાય છે. ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોઢા પર માલિશ કરવાથી ત્વચા સ્વચ્છ અને ગોરી બને છે.

તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ચામડી ચમકવાળી બને છે. કાકડીનો રસ ચોપડવાથી ચામડી સ્વચ્છ અને ચમકવાળી બને છે.

ગ્લિસરિન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ તેનું માલિશ કરવાથી ચામડી સુંવાળી બને છે. મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા પર લગાડવાથી ચામડી સ્વચ્છ બને છે.

એક ડોલ પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી સ્નાન કરવાથી ચામડી સ્વચ્છ બને છે.

  1. લીમડાના પાન પાણીમાં ઉકાળી તેનાથી સ્નાન કરવાથી ગૂમડાં તથા બીજા ચામડીનાં દર્દો મટે છે.

કાળા ડાઘ-સફેદ કોઢ અને કરચલી:

તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુંનો રસ ઉમેરી મોઢા પર લગાડવો અને સૂકાઈ જાય પછી મોઢું ધોઈ નાખવું. આમળાના ચૂર્ણને હળદર તથા દૂધ સાથે મેળવી મોઢા પર ઘસીને ચોળવું.

લીમડા તથા મેંદીના પાન સરખા વજને લઈ તેનું ચૂર્ણ છ મહિના સુધી રોજ લેવાથી સફેદ કોઢ મટી જાય છે. રૂને કુંવારપાઠાના ગર્ભમાં અથવા તો મધમાં ભીંજાવી પાટો બાંધવાથી દઝાયેલી ચામડી પર રહી ગયેલા સફેદ ડાઘ નીકળી જાય છે.

સંતરાની છાલને સૂકવી, તેનો પાઉડર કરી, ગુલાબજળમાં મેળવી તેને મોં પર લગાડી અડધો કલાક રહેવા દઈ પછી ધોવાથી ચામડી મુલાયમ બને છે, ડાઘા નીકળી જાય છે અને ચહેરાની કરચલી દૂર થાય છે.

દૂધ અને તલનું તેલ કે દિવેલને સરખે ભાગે લઈ નિયમિત શરીર ઉપર માલિશ કરવાથી ચામડીની કરચલી દૂર થાય છે. ચાર ચમચી છાશમાં બે ચમચી ટામેટાનો રસ મિશ્ર કરી રોજ મોઢા પર લગાવી 15 મિનિટ રાખીને ધોઈ નાખવાથી ચામડી પરના કાળા ડાઘા દૂર થાય છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : ડાયાબિટીસથી કેમ બચવું?

1 ચમચી બદામનો પાઉડર, 1 ચમચી ચંદન, 1 ચમચી હળદર અને અડધી ચમચી મધને ભેગું કરી રોજ 30 મિનિટ સુધી મોઢા પર લગાવીને ધોઈ નાખવાથી ચામડી પરની કરચલી દૂર થાય છે.

ખીલ:

1) કુંવારપાઠાનું લાબરું ખીલ ઉપર ઘસવું.

2) નારંગીની છાલ ખીલ પર ઘસવી કે છાલના ચૂર્ણનો લેપ કરવો.

3) મૂળાનાં પાનનો રસ ખીલ ઉપર ચોપડવો.

4) 1 ચમચી ખાવાનો સોડાને ટામેટાના ગર્ભ સાથે ભેગું કરી તેનો લેપ મોઢા પર લગાડવો. અઠવાડિયામાં 1થી 2 વાર આ પ્રયોગ કરવો.

5) લીંબુની ચીર ખીલ ઉપર થોડીવાર ઘસવી. ત્યાર પછી થોડા કલાકો પછી મોઢું ધોઈ નાખવું.

6) મેથીના પાંદડાને પાણીમાં ઘસી તેનો લેપ 10-15 મિનિટ સુધી ખીલ પર ઘસવો, ત્યાર પછી હૂંફાળા પાણીથી ચામડી ધોઈ નાખવી.

7) મુલતાની માટી – ગુલાબજળ અને ચંદન સરખા પ્રમાણમાં ભેગું કરી ચામડી પર લગાડવું. સૂકાઈ જાય પછી હૂંફાળા પાણીથી ચામડી ધોઈ નાખવી.

8) ગરમ પાણીમાં રૂમાલનો ટુકડો ભીંજવીને નીચોવી સાધારણ ગરમ હોય ત્યારે તેને મોઢા પર 10 મિનિટ મૂકવો.

9) પાકા ટામેટાની ચીર ખીલ ઉપર ધીરે ધીરે ઘસવી, તેથી લાગેલ રસ થોડીવાર સૂકાવા દેવો, ત્યારબાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવું.

10) છાશમાં ચણાનો લોટ અને હળદર મેળવી, તેનાથી મોઢું ધોવાથી ખીલના ડાઘ અને મોઢા પરની કાળાશ દૂર થાય છે. (ક્રમશ:)

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : વિટામિન બી-1 નષ્ટ થવા ના દેતા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button