My WPI- My Wealth Passing Instruments | મુંબઈ સમાચાર
તરોતાઝા

My WPI- My Wealth Passing Instruments

  • ગૌરવ મશરૂવાળા

રોકાણકારોમાં જાગરૂકતા લાવવા માટેના એક કાર્યક્રમમાં શ્રોતાઓમાંથી એકે મને સવાલ કર્યોં :

‘તમારા મતે માણસે વસિયતનામું ક્યારે બનાવવું જોઈએ?’

આવો સવાલ જ્યારે પણ પૂછાય ત્યારે મારો સ્ટાન્ડર્ડ જવાબ હોય છે :

‘તમે જ્યારે પહેલું બેન્ક ખાતું ખોલાવો ત્યારે.’

મારા આ જવાબમાં ક્યાંક થોડી અતિશયોક્તિ હોઈ શકે છે, કારણ કે જો સગીર વયની વ્યક્તિનું બેન્ક ખાતું ખોલાવ્યું હોય તો વસિયતનામું બનાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી!

જોકે, મારા જવાબ પાછળનું કારણ એ છે કે જ્યારે પણ માણસ બેન્કમાં ખાતું ખોલાવે ત્યારથી જ સંપત્તિસર્જન શરૂ થઈ જતું હોય છે અને જે ઘડીએ સંપત્તિનું સર્જન થાય તે જ ઘડીથી તેને સ્વજનોને આપવા વિશેનો વિચાર શરૂ થવો જોઈએ. ભલે એ સંપત્તિ કમાનારના મરણ પછી આપવાની હોય, તેનું વસિયતનામું પહેલેથી જ તૈયાર કરેલું હોવું જોઈએ.

હવે આપણે સંપત્તિનો વારસો આપવાના બે તબક્કાની ચર્ચા કરીએ. પહેલા તબક્કામાં એ જોવું જોઈએ કે વ્યક્તિના મરણ સમયે તેની તમામ પ્રકારની સંપત્તિ કોઈ સ્વજનના અખત્યાર હેઠળ હોય. આ કામ નોમિનેશન દ્વારા શક્ય બને છે.

અહીં મને મુંબઈથી અમદાવાદ વચ્ચેના મારા પ્રવાસ દરમિયાન થયેલા અનુભવની વાત કરું. એ દિવસે બે જણ કંઈક આવી વાતચીત કરી રહ્યાં હતાં : ‘હું છેલ્લા થોડા મહિનાઓથી આમથી તેમ ધક્કા ખાઈ રહ્યો છું. મારા પપ્પાએ બેન્કમાં ઘણી મોટી રકમ ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે રાખી હતી, પરંતુ નોમિનેશનમાં આવશ્યક ફેરફાર કરાવ્યો ન હતો. પહેલાં મારાં મમ્મીનું નામ નોમિની તરીકે હતું, પણ તેમનાં અવસાન પછી મારા પપ્પાએ નોમિનીમાં નામ બદલ્યું નહીં. પપ્પાના મૃત્યુ પછી હવે એ રકમ પાછી મેળવવામાં ઘણી તકલીફ થઈ રહી છે. એમ તો બેન્કના મેનેજર મને મદદ કરી રહ્યા છે, પણ તેમાં ઘણો સમય લાગી ગયો છે.’

આપણે જાણીએ છીએ કે નોમિનેશન કરાવવાથી નોમિનીને એ સંપત્તિનો અખત્યાર મળે છે, પણ સાથે જ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નોમિની તો એ ઍસેટના ટ્રસ્ટી જ કહેવાય. આખરે તો એ સંપત્તિ વસિયતનામા અનુસાર વારસદારને જ આપવાની હોય છે. જો વસિયતનામું ન હોય તો એ સંપત્તિનું શું કરવું તેને લગતા અનેક બીજા કાયદા પ્રમાણે કામ લેવું પડે છે.

હવે વસિયતનામાના બીજા તબક્કા પર આવીએ.

આપણે જાણી ગયા છીએ કે સંપત્તિ ધરાવનાર માણસના મરણ પછી તેની સંપત્તિ કોને આપવી એ જણાવતો

દસ્તાવેજ એટલે વસિયતનામું. વસિયતનામું બનાવવાનું ઘણું સહેલું છે. સાદા કાગળ પર પણ એ લખી શકાય. કાયદો હાથે લખેલા વસિયતનામાનો સ્વીકાર કરે છે. ખરું પૂછો તો ક્યારેક હાથે લખેલા વસિયતનામા પર વિશ્ર્વાસ મૂકવાનું વધારે સહેલું હોય છે. તેને ‘હોલોગ્રામ વિલ’ કહેવાય છે. વસિયતનામું સ્ટેમ્પ પેપર પર બનાવવું જરૂરી નથી. પોતાની પાસેની તમામ ઍસેટ્સની યાદી બનાવવી જોઈએ અને એમાંથી કઈ ઍસેટ કોને આપવાની છે એ સ્પષ્ટપણે લખવું જોઈએ. વસિયતનામું બનાવ્યા વગર મૃત્યુ પામેલી વ્યક્તિની સંપત્તિનું વિભાજન ઈન્ડિયન સક્સેસન ઍક્ટસ હિન્દુ લો, મુસ્લિમ લો વગેરેની જોગવાઈઓ પ્રમાણે થાય છે.

સંપત્તિ જેને મળવી જોઈએ તેને જ મળે એવું ઈચ્છતા હો તો નોમિનેશન અને વસિયતનામું એ બન્ને કરાવી લેવાં જોઈએ. તેનાથી સંપત્તિનું વિભાજન સહેલાઈથી થઈ શકે છે.

વસિયતનામું બનાવવાથી કંઈ યમરાજ કોઈના ઘરે વહેલા આવી જતા નથી. વસિયતનામું ડેશ વોરન્ટ નથી! વાસ્તવિક જીવનમાં જોવાં મળ્યું છે કે વસિયતનામું કર્યા વગર મૃત્યુ પામેલી વ્યક્તિના સ્વજનોનું જીવન પછીથી આ પૃથ્વી પર જ નરક સમાન બની જાય છે. આથી, વસિયતનામું બનાવવામાં ઢીલ કરવી જોઈએ નહીં.

મારા એક ફાઈનાન્શ્યલ પ્લાનર મિત્રે એક કોન્ફરન્સ દરમિયાન મારી સાથેની વાતચીતમાં કહ્યું, ‘ગૌરવ, આજે હું મારા એક ક્લાયન્ટનું વસિયતનામું વાંચી રહ્યો હતો. એ રાજવી ઘરાણાના છે અને તેમની પાસે પુષ્કળ રિયલ એસ્ટેટ અને દર-દાગીના છે. તેમનું જટિલ વસિયતનામું બનાવવું તેનાં કરતાં તો કોઈ સંપત્તિ ન હોય એ જ સારું.’

આના પરથી કહી શકાય કે વસિયતનામું જરાપણ જટિલ કે અસ્પષ્ટ હોવું જોઈએ નહીં. ગૂંચવાડાભર્યું વસિયતનામું એ દર્શાવે છે કે વ્યક્તિ મરણ પછી પણ પોતાની આસક્તિ છોડવા માગતી નથી. માણસે મરણ પહેલાં જ અસલામતી દૂર કરી દેવી જોઈએ.

હવે પછી અર્થતંત્રના WPI (હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ)ની ચર્ચા કરતાં પહેલાં My WPI- My Wealth Passing Instrumentsની વાત કરજો.

મોંઘવારીનો ઈન્ડેક્સ ઊંચો જાય કે નીચો જાય, આપણે પછીની પેઢીને સંપત્તિ સોંપીને જવું જરૂરી છે. સંપત્તિની સોંપણીનું સાધન એટલે કે વેલ્થ પાસિંગ ઈન્સ્ટ્રુમેન્ટ એટલે વસિયતનામું.

સમીક્ષા તથા દેખરેખ

આ જગતમાં જો કંઈ કાયમ હોય તો એ પરિવર્તન છે. આથી જ આપણે આપણા નાણાકીય આયોજનમાં બદલાતા સમય પ્રમાણે પરિવર્તન-ફેરફાર લાવવું જરૂરી છે. એમ કરવાથી આપણે લક્ષ્ય તરફ જવાનો રસ્તો છોડીને આડા ફંટાતાં બચી જઈએ છીએ. એટલું જ નહીં, આપણાં લક્ષ્યો પણ બદલાઈ ગયાં હોય તો નવાં લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ.

આપણ વાંચો:  ફોકસઃ ધારીએ તો નાની જગ્યામાં પણ સાધન વગર કસરત કરી શકાય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button