My LOAN એટલે My Lost Opprtunity on Asset Nourishment | મુંબઈ સમાચાર
તરોતાઝા

My LOAN એટલે My Lost Opprtunity on Asset Nourishment

મારું પોતાનું અર્થતંત્ર – ગૌરવ મશરૂવાળા

થોડા દિવસ પહેલાં ટીવી પર એક રસપ્રદ મુલાકાત ચાલી રહી હતી. એન્કર એક રાક્ષસનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. તેમાં આવી કંઈક વાતચીત ચાલી રહી હતી:

એન્કર: તારું અત્યાર સુધીનું સૌથી વધુ ક્રૂર કૃત્ય કયું?

રાક્ષસ: (હસે છે) હું ફક્ત ક્રૂર કૃત્યો જ કરું છું. મારું કામ જ એ છે.
એન્કર: અમારા દર્શકોને કહે કે તું એવાં કયાં કૃત્યો કરે છે, જેના વિશે સાંભળીને એમને કમકમાટી ઊપજશે?

રાક્ષસ: હું વિશ્વયુદ્ધો કરાવું છું, બોમ્બમારા કરાવું છું, રોગચાળા ફેલાવું છું, બાળકોને અનાથ બનાવું છું, વગેરે, વગેરે.
એન્કર: તારી પ્રવૃત્તિઓમાં તું શિરમોર ગણતો હોય અને તેનું અભિમાન હોય એવું એક કૃત્ય બતાવ.
રાક્ષસ (વિચાર કરીને ચહેરા પર સ્મિતનો ભાવ લાવીને): મેં ક્રેડિટ કાર્ડનું સર્જન કર્યું છે!
પેમેન્ટ કરવાના વિકલ્પ તરીકે ક્રેડિટ કાર્ડમાં કંઈ ખોટું નથી. ફક્ત તેનું પૂરેપૂં બિલ સમયસર ભરી દેવું જોઈએ. જો બિલની આંશિક ચુકવણી કરવામાં આવે અને બાકીનું બિલ પછીથી ભરવાનો વિચાર આવે તો સમજવું કે ઉપર કહ્યું એ રાક્ષસ ખેર મનાવશે અને તમારી જિંદગી બેહાલ થઈ જશે.

લોન કોઈ પણ હોય, સંપત્તિસર્જનમાં બાધારૂપ બનતી હોય છે. જો કે, તેનો અર્થ એવો નથી કે ક્યારેય લોન લેવી જોઈએ નહીં. ભાડાના ઘરમાં રહેવું એના કરતાં હોમ લોન લઈને ઈક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ દ્વારા લોનની ચુકવણી કરવાનું સારું કહેવાય.

આ જ રીતે, જો કોઈ સંજોગોમાં પરિવારની કોઈ વ્યક્તિ બીમાર હોય અને મેડિક્લેઇમ અપૂરતો પડતો હોય તો ઈલાજ માટે કરજ લેવું પણ પડે. સંતાનના શિક્ષણ માટે પણ લોન લેવાનું વાજબી કહેવાય. તેની પરત ચુકવણી વહેલામાં વહેલી તકે કરી દેવી જોઈએ.

મેં એવા લોકો જોયા છે જેઓ ફિક્સ્ડ ડિપોઝિટમાં સાત ટકા વ્યાજ મેળવતા હોય અને એ રકમ એમ ને એમ રાખીને નવ ટકાના દરે હોમ લોન લેતા હોય. આવું કરવાનો કોઈ અર્થ નથી. કેટલીક વાર લોકો શેરબજાર વધી રહ્યું હોય ત્યારે તેમાં રોકાણ કરવા માટે નાણાં ઉછીનાં લેતા હોય છે. `કરજ પર બાર ટકા ભરીને શેરબજારમાં અઢાર ટકા વળતર મેળવશું એવી ગણતરી કરવામાં આવતી હોય છે, પરંતુ લોકો ભૂલી જતા હોય છે કે શેરબજારમાં અઢાર ટકા વળતરની ગેરંટી નથી, જ્યારે કરજ પર બાર ટકા વ્યાજ કોઈ પણ સંજોગોમાં ફરજિયાતપણે ચૂકવવું પડશે. જો શેરબજારમાંથી અઢાર ટકા વળતર મળે તો પણ લોન લેનારને ફક્ત ઉપરનું છ ટકા વળતર મળે, જ્યારે બીજા બધા લોકો અઢાર ટકા કમાય. જો કોઈ કારણસર શેરબજાર ફરી ઘટવા લાગે તો એમણે શેરબજારમાં થનારા નુકસાન ઉપરાંત બાર ટકાના વ્યાજનું નુકસાન સહન કરવું પડે. આમ, એમનું વળતર બીજા કરતાં ઓછું અને નુકસાન બીજા કરતાં વધારે થાય. વાત થોડી જૂની છે, પણ સમજવા જેવી છે.’

રાધા અને પંકજ નામના એક યુગલે મને એક પત્ર લખ્યો હતો. એમની ઉંમરની ત્રીસીના દાયકામાં હતાં. એમણે હોમ લોન લીધી હતી અને તેના હપ્તા સમયસર ચૂકવતાં હતાં. એમની પાસે થોડી વધુ આવક થતાં એમણે મને પુછાવ્યું હતું કે એમણે તેનું રોકાણ ક્યાં કરવું.? એ વર્ષે ઈક્વિટી માર્કેટમાં જોરદાર તેજી આવી હતી અને દરેકને એમના રોકાણ પર અસાધારણ વળતર મળી રહ્યું હતું. `એમણે ક્યાંય રોકાણ કરવાને બદલે પહેલાં હોમ લોન ચૂકતે કરી દેવી’ એવું મારું સૂચન તેમને ચ્યું ન હતું.

થોડાં વર્ષ પછી એમણે ફરી મારો સંપર્ક સાધ્યો. હું તો એમનો કિસ્સો ભૂલી ગયો હતો, પરંતુ એમણે મને યાદ દેવડાવ્યું ત્યારે ખબર પડી. એમણે હોમ લોન ચૂકવવાને બદલે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું અને પાછળથી જ્યારે અર્થતંત્રની માઠી દશા બેઠી ત્યારે પંકજની નોકરી જતી રહી એણે ઓછા પગારે બીજી નોકરી કરવી પડી. દરમિયાન, એના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું મૂલ્ય પણ ઘણું ઘટી ગયું હતું ને હોમ લોન પરના વ્યાજનો દર વધી ગયો હતો!.

આથી કહેવાનું કે લોન વહેલામાં વહેલી તકે ચૂકવી દેવી જોઈએ અને પછી એ હપ્તાની બચેલી રકમનું SIP મારફતે રોકાણ શરૂ કરી દેવું જોઈએ. દરેક લોનના હપ્તામાં વ્યાજ પણ સામેલ હોય છે. આપણે ચૂકવેલું વ્યાજ બીજા કોઈની કમાણી હોય છે, જ્યારે જઈંઙ કરાવ્યા બાદ તેના પર મળતું વળતર આપણી કમાણી હોય છે અને એ લાંબા ગાળે સંપત્તિસર્જન કરે છે.

મારી લોન એટલે કે My LOAN ખરા અર્થમાં `My Lost Opportunity on Asset Nourishment’ં અર્થાત્‌‍ સંપત્તિને પોષણ આપવા માટે મેં ગુમાવેલી તક કહેવાય.

છેલ્લે એટલું જ કહેવાનું કે લોન દ્વારા બીજાને કમાણી કરી આપવાને બદલે લોન વહેલી ચૂકવીને પોતાના સંપત્તિસર્જનને રોકાણનું પોષણ (Nourishment) આપવું જોઈએ.

આપણ વાંચો: ધૂમ્રપાન કરનારાએ આરોગ્ય વીમા વિશે શું શું જાણવું જરૂરી છે…?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button