MY EPS અને MY PE- My Enough Past Saving અને My Present Expenses | મુંબઈ સમાચાર
તરોતાઝા

MY EPS અને MY PE- My Enough Past Saving અને My Present Expenses

ગૌરવ મશરૂવાળા

નિવૃત્તિકાળ માટેનું આયોજન બે તબક્કામાં થતું હોય છે. પહેલા તબક્કામાં શકય તેટલું વધુ ભંડોળ ભેગું કરવાનું વ્યૂહ અપનાવવાનો હોય છે. ભંડોળ જેટલું વધારે હોય એટલું જ નિવૃત્ત થનાર વ્યક્તિ માટે સારું કહેવાય. આથી આપણે ભૂતકાળમાં કરેલી બચત એટલે કે MY EPS – My Enough Past Saving પર ધ્યાન રાખવું આવશ્યક છે.

અહીં Enough અર્થાત્ ‘પૂરતું’ એ શબ્દ દરેક વ્યક્તિ માટે અલગ અલગ પ્રમાણ હોય છે. એ બાબત દરેક વ્યક્તિની જીવનશૈલી પર આધારિત હોય છે. જો જીવન સાદગીપૂર્ણ હોય તો ઓછાં નાણાંની એટલે કે ઓછા ભંડોળની જરૂર પડે છે. કોઇ વ્યક્તિ એક મહિનાનું ગુજરાન અમુક હજાર રૂપિયામાં ચલાવી શકે છે અને કોઇને લાખોની જરૂર પડતી હોય છે.

વ્યક્તિએ પહેલા તબક્કામાં સંગ્રહ કરેલી બચતનો ઉપયોગ બીજા તબક્કામાં અર્થાત્ નિવૃત્તિકાળમાં કરવાનો હોય છે. બીજા તબક્કાનું આયોજન કરતી વખતે એક મહત્ત્વપૂર્ણ શબ્દ ધ્યાનમાં રાખવો જોઇએ. એ શબ્દ છે My PE-My Present Expenses એટલે કે મારા હાલના ખર્ચ. આપણે ભૂતકાળ માં કરેલી બચત એટલે કે MY EPS – My Enough Past Saving માંથી ત્રિપાંખિયો વ્યૂહ ઘડી શકીએ છીએ.

સૌથી પહેલું કામ જીવનમાં સર્જાતી તાકીદની પરિસ્થિતિઓ માટે રકમ અલાયદી રાખવાનું હોય છે. તેના માટે ચારથી છ મહિનાનો ઘરખર્ચ નીકળે એટલી રકમ અલગ રાખવી જોઇએ. જે માણસ નિયમિત રીતે બજેટ બનાવતો હોય તેને ખબર હોય છે કે તેનો મહિનાનો ખર્ચ કેટલો થાય છે.

My Budget (જેમાં આપણે ફરજિયાત ખર્ચ અને સ્વૈચ્છિક ખર્ચ એમ બે શ્રેણીઓ રાખીએ છીએ. તેમાંય પાછું નિશ્ચિત ખર્ચ અને બદલાતો ખર્ચ એમ બે પેટા શ્રેણીમાં હોય છે) બનાવતી વખતે ફરજિયાત ખર્ચ તરીકે જે રકમ જાણવા મળી હોય એના ચારથી છ ગણી રકમ તાકીદની પરિસ્થિતિઓ માટે અલગ રાખવી જોઇએ. એ રકમને My CEO- My Contingency and Emergency Options કહી શકાય.

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેનો મારો અનુભવ કહે છે કે લોકો My Budget બનાવતા નહીં હોવાને કારણેMy CEO માટે ઘણી ઓછી અથવા તો વધુ પડતી રકમ રાખી મૂકે છે. રકમ ઘણી ઓછી હોય તો તાકીદની સ્થિતિમાં નાણાકીય કટોકટી સર્જાઇ શકે છે. પૈસાની જરૂર પડે ત્યારે એટીએમ સુધી દોટ મૂકવી પડે છે અથવા તો મિત્રો અને સંબંધીઓને ફોન લગાડવા પડે છે.

બીજી બાજુ, જો એ રકમ ઘણી મોટી હોય તો તેના પર જે વળતર મળવું જોઇએ એ મળતું નથી અને આર્થિક રીતે નુકસાન થાય છે. ઘણી બધી ઓછી અને ઘણી બધી વધારે એ બન્ને પરિસ્થિતિઓ લાંબા ગાળાના સંપત્તિસર્જનમા બાધારૂપ બને છે.

ત્યાર પછીનું કામ નિયમિત રીતે આવક થતી રહે એવી જોગવાઇ કરવાનું છે. આવા વખતે પણ My Budget ની જરૂર પડે છે. જો My Budget બનાવેલું હોય તો મહિનામાં કેટલા પૈસાની જરૂર પડે એ સહેલાઇથી જાણી શકાય છે. બનાવ્યું ન હોય એવા પરિવારોને નિયમિત આવકની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી નડતી હોય છે.

જેટલી જરૂર હોય એના કરતાં ઘણી વધારે રકમ મળતી હોય તો પણ બગાડ થાય છે. તેનું કારણ એ કે નિયમિત આવક આપનારાં સાધનોમાંથી મોટાભાગનાં સાધનમાં આવક કરવેરાને પાત્ર હોય છે, પછી એ એન્યુઇટી હોય કે પેન્શન હોય કે પછી અન્ય પ્રકારનાં રોકાણોમાંથી મળતું વળતર હોય. એન્યુઇટીમાં નિયત સમયાંતરે નિશ્ચિત આવક આપવામાં આવે છે. સરકારે આપેલું પેન્શન સરકારી કર્મચારીઓ માટે કરમુક્ત હોય છે, પણ તેના સિવાયનું પેન્શન કરવેરાને પાત્ર હોય છે.

ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે, ‘જો મને નિયમિત રીતે જેટલી જોઇએ છે તેના કરતાં વધારે આવક મળે તો કંઇ વાંધો નહીં; હું વધારાની રકમનું રોકાણ કરી લઇશ.’ આવી રીતે રોકાણ કરવાનું શકય જરૂર છે, પરંતુ તેમાં એવું થાય કે મળેલી આવક પર કર ભરવો પડે અને પછી પાછું રોકાણ કરવું પડે. જો આપણે યોગ્ય રીતે આયોજન કર્યું હોય તો એટલી જ નિયમિત આવક પ્રાપ્ત થાય જે જરૂરી હોય અને કરવેરાનું નુકસાન વેઠવું ના પડે, રોકાણમાંથી ઉપાડ કરીને ઘર ચલાવવું જોઇએ નહીં. એ ઉપાડ ન કરીએ તો આપણાં નાણાં કરવેરાના લાભ આપવા ઉપરાંત વધતાં રહી શકે છે.

આપણે એ જોવાનું હોય છે કે આપણને મળી રહેલું વળતર ફુગાવાના દર કરતાં વધુ દર ધરાવતું હોય. સીધેસીધું કે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઇક્વિટીમાં કે સોનામાં રોકાણ કર્યું હોય તો જ એ શક્ય બને છે.

નિવૃતિના આયોજનના બીજા તબક્કાનું મુખ્ય કામMY EPS અને MY PE પર લક્ષ કેન્દ્રીત કરવાનું છે. આપણને કંપનીઓેની EPS (અર્નિંગ પર શેર) અને PE (પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો-ભાવ અને આવકનો ગુણોત્તર)ની ચર્ચા કરવાનું ગમતું હોય છે, પરંતુ જો પોતાની MY EPS(My Enough Past Saving) અને MY PE (My Present Expenses) તૈયાર ન હોય તો બીજી બધી વાતો નિરર્થક જ કહેવાય- ગણાય…

આ પણ વાંચો…આપણું FII કોણ કહેવાય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button