MY AGM – My Annual Goal (Planning) Meeting….

- ગૌરવ મશરૂવાળા
 
ટીવી પર એન્કર બોલી રહ્યો હતો, ‘હવે બધાની નજર એબીસી લિમિટેડની ઍન્યુઅલ જનરલ મિટિંગ પર છે.’ લાખો લોકો કંપનીઓનાં ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની ચર્ચા કરતાં હોય છે. તેમાંથી કેટલા શેરધારકો હશે, કેટલા સલાહકારો હશે અને કેટલા લોકો ફક્ત કોર્પોરેટ રિઝલ્ટની ફક્ત ચર્ચા કરવા માટે ચર્ચા કરનારા હશે એ એક મોટો સવાલ છે.
માણસે કંપનીઓનાં રિઝલ્ટ ટીવી પર જોવાં કે નહીં, અખબારોમાં વાંચવાં કે નહીં અથવા તેની ચર્ચા કરવી કે નહીં એ દરેકની પોતાની પસંદગી પર નિર્ભર છે, પણ પર્સનલ ફાઈનાન્સરના સલાહકાર તરીકે મારા મનમાં વિચાર આવે છે કે શું લોકો પોતાની આર્થિક તંદુરસ્તીની વાર્ષિક ચર્ચા કે સમીક્ષા કરવામાં આટલો સમય આપતા હશે?
આપણા માટે શું વધુ મહત્ત્વનું હોવું જોઈએ, પોતાની આર્થિક સ્થિતિનું આકલન કે કોઈ એક કંપનીનું? દંપતીઓ માટે પર્સનલ ફાઈનાન્શ્યિલ પ્લાનિંગની કાર્યશાળાનું સંચાલન કરતી વખતે હું એક નાનકડી ઍક્ટિવિટી કરાવું છું. પરિવારની આર્થિક બાબતો સંભાળતી ન હોય એવી વ્યક્તિને હું પાંચ સવાલ પૂછતો હોઉં છું, જો પતિ સંભાળતો હોય તો પત્નીને અને પત્ની સંભાળતી હોય તો પતિને એ સવાલો લાગુ પડે છે.
તેના જવાબ આપતી વખતે એ વ્યક્તિએ અહીં જણાવ્યા મુજબની પાંચ વ્યક્તિઓનાં નામ અને કોન્ટેક્ટ નંબર જણાવવાના હોય છે: 1) છેલ્લાં ત્રણ વર્ષનાં પરિવારનાં આવક વેરાનાં રિટર્ન ભરનાર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, 2) મેડિકલ ઈન્શ્યોરન્સ અપાવનાર એજન્ટ, 3) જીવન વીમો અપાવનાર એજન્ટ, 4) મ્યુચ્યુઅલ ફંડનો એજન્ટ અને 5) સ્ટોક બ્રોકર.
આના જવાબ સાંભળીને નવાઈ લાગશે. મોટા ભાગની પત્નીઓ કહેતી હોય છે :
‘હું મારા પતિને કેટલીય વાર કહું છું કે મને પણ આવી બધી જાણકારી અને માહિતી આપે, પરંતુ એ ક્યારેય મારી સાથે બેસીને તેની વાત નથી કરતા…’
પતિઓનો જવાબ પણ કંઈક આ પ્રકારનો હોય છે :
‘હું મારી પત્નીને ઘણીવાર કહું છું કે ઘરકામમાંથી થોડો સમય કાઢીને મારી સાથે ઈન્વેસ્ટમેન્ટની વિગતો જાણી લે, પણ એને કામમાંથી ફુરસદ જ નથી મળતી.’
દર વખતે મને આવા જ પ્રકારના જવાબ મળે છે. પતિ -પત્નીને સમય નથી એવું ભલે કહેવાતું હોય, પણ હકીકત તો એ જ છે કે બન્નેમાંથી કોઈ આ વિષયને પહેલેથી ગંભીરતાથી લેતું નથી.આપણે ત્યાં હવે સંયુક્ત પરિવારો ઘણાં ઓછા બાકી રહ્યાં છે. ક્યાંક અમુક રીતનો સંયુક્ત પરિવાર હોય તો પણ ભાઈઓના પોતપોતાના હિસાબ હોય છે.
મારા એક મિત્રના પાડોશીએ એક દિવસ મને કહ્યું, ‘મારા પપ્પાની પાસે જીવન વીમા પોલિસી હતી એ મને તેમનાં મૃત્યુ પછી જ ખબર પડી. એ તો સારું થયું કે એજન્ટે અમને સામેથી બધી વિગતો આપી અને ક્લેમ કરવામાં મદદ કરી, નહીંતર પપ્પાની બધી મહેનત એળે ગઈ હોત.’
એક દિવસ હું લિવરનું ઓપરેશન કરાવનાર મારા કઝિનની ખબર કાઢવા હોસ્પિટલમાં ગયો ત્યારે ભાભીએ કહ્યું હતુ : ‘એમની કંપનીએ એમને કેટલો મેડિક્લેમ આપ્યો છે તેની અમને જરાપણ ખબર ન હતી. અમારા ઘરમાં ક્યારેય એ વાતની ચર્ચા જ થઈ ન હતી.’
પતિ -પત્નીએ દર ત્રણ મહિને બે કલાક માટે ભેગાં બેસીને આર્થિક સ્થિતિની સમીક્ષા કરી લેવી જોઈએ. આ કામ અતિશય મહત્ત્વપૂર્ણ છે. ત્રણ મહિને બે કલાક એટલે આખા વર્ષના માત્ર આઠ કલાક. હું આવી સમીક્ષાની બેઠકને ‘ફાઈનાન્શ્યિલ ડેટિંગ’ કહું છું!
બે કલાકની એ મીટિંગ દરમિયાન બેન્કના સ્ટેટમેન્ટ કે પાસબુક, ક્રેડિટ કાર્ડનાં સ્ટેટમેન્ટ, લોન અકાઉન્ટની વિગતો, ડિમેટ અકાઉન્ટનાં સ્ટેટમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડનાં સ્ટેટમેન્ટ વગેરે જોઈ લેવાં જોઈએ. એ જે રીતે, ઉપરોકત કહ્યું એવાં પાંચેય માણસોના સંપર્કની વિગતો છેલ્લામાં છેલ્લી હોય એ જોઈ લેવું.
તમામ રોકાણોનું KYC પણ અપ-ટુ-ડેટ છે કે નહીં એ પણ ચકાસી લેવું. બીજી મીટિંગ થાય ત્યાં સુધીમાં પાકવાનાં હોય એ ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ કે બીજી કોઈ પોસ્ટલ સ્કીમની યાદી બનાવી લેવી. નજીકનાં ભવિષ્યમાં કોઈ મોટો ખર્ચ આવવાનો હોય તો તેના માટેની જોગવાઈ કેવી રીતે કરવી એ પણ નક્કી કરી લેવું.
આમ કરવાથી તમારી નાણાકિય જવાબદારીઓનું પાલન થશે અને આકાંક્ષાઓ પૂરી થશે. તમે કંપનીઓની એન્યુઅલ જનરલ મીટિંગ માટે સમય ન ફાળવો તો ચાલે, પણ તમારા પોતાના જીવનની AGM એટલે કે My Annual Goal (Planning) Meetingમાટે જરૂરથી સમય ફાળવજો.
યોગિક હેલ્થ:
દ્રૌપદીના સ્વયંવરની આગાલી રાતે કૃષ્ણ અને અર્જુન વાતો કરી રહ્યાં છે. બીજા દિવસે મત્સ્યભેદન થવાનું છે. દ્રૌપદીનો હાથ કોને મળશે એનો નિર્ણય એ સ્પર્ધામાં થવાનો હતો. એક થાંભલા પર લટકાવેલી ફરતી માછલીની આંખ તીરથી વિંધવાની સ્પર્ધા હતી.
મત્સ્યભેદન અઘરુ બને એ માટે એવો નિયમ રાખવામાં આવ્યો હતો કે તીર ચલાવનારે થાંભલાની નીચે રાખવામાં આવેલા પાત્રમાં રાખવામાં આવેલાં પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને આંખ વિંધવી. એટલું ઓછું હોય એમ તીર ચલાવનારે મોટા ત્રાજવા પર ઊભા રહીને સંતુલન સાધીને તીર ચલાવવાનું હતું.
કૃષ્ણ (અર્જુનને): પહેલાં મનને સ્થિર કરો, પછી ધીમેધીમે ત્રાજવા પર ચડો. પાણીમાં જુઓ. મનને ફરીથી સ્થિર કરો. આસ્તેથી નિશાન સાધો અને પછી તીર છોડો.
અર્જુન: જો હું જ બધું કરીશ તો તમે શું કરશો?
કૃષ્ણ : હું એ કરીશ જે તમે કરી નથી શકતાં.
અર્જુન (અચરજથી): હું નથી કરી શકતો એવું તે વળી શું છે?
કૃષ્ણ : હું તમારી નીચે રખાયેલા પાણીને સ્થિર રાખીશ. તમે એ નહીં કરી શકો. જો પાણી સ્થિર નહીં રહે તો તમે લક્ષ કેન્દ્રિત કરી નહીં શકો.
ટૂંકમાં, ભગવાનની સહાય વગર આપણે પાણીને સ્થિર રાખી શકીએ નહીં. આપણે પોતાનાથી થાય એટલું બધું કરી છૂટવું જોઈએ, પણ છેલ્લે તો બધું ભગવાન પર છોડી દેવું જોઈએ.
આપણ વાંચો: આરોગ્ય પ્લસ: આત્માની બારી એટલે આંખ: આંખનું તેજ કઈ રીતે વધારી શકાય?
 


